એક ‘થેન્ક્યુ પોલીસ ડે’ હોવો જોઈએ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એક ‘થેન્ક્યુ પોલીસ ડે’ હોવો જોઈએ ! ? .

નવરાત્રિ, ઉત્તરાયણ કે દિવાળી જેવા અન્ય તહેવારો પત્યા પછી આપણે પોલીસને ‘થેન્ક્યુ’ કહીએ છીએ?

પણ ભાઈ, એના માટે તમે કોઈ દહાડો પોલીસોને ‘થેન્ક્યુ’ કહ્યું?

નવરાત્રી ના દસ દિવસ આપડે ખૂબ જ જલસા થી ગરબા રમીએ છીએ પણ કદી વિચાર્યું કે બોસ, આ નવરાત્રીના દસ દહાડા પહેલાંથી પોલીસોએ ઠેર ઠેર કોમ્બિંગ કરીને અસામાજિક તત્વોને અંદર કરી દીધા હતા? શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર સતત વૉચ રાખવામાં આવી હતી? ઠેર ઠેર વાહનોનાં ચેકિંગ થયાં હતાં?

પરંતુ એ માટે નવરાત્રી માંથી ગરબા રમી કે પ્રસાદ લઈને પાછા ફરતાં આપણે કદી કોઈ કોન્સ્ટેબલને પણ કદી ‘થેન્ક્યુ’ કીધું છે?

ના, કારણકે એવો રીવાજ જ નથી ને!

રીવાજ તો પોલીસને ગાળો દેવાનો છે. રીવાજ તો પોલીસનો વાંક કાઢવાનો છે. રીવાજ તો પોલીસ ‘ઉંઘતી ઝડપાઈ’ એમ કહેવાનો છે. રીવાજ તો ‘બોસ, બધું અંદરોઅંદર સેટિંગ જ ચાલે છે’ એમ કહેવાનો છે!

આમાં થેન્ક્યુ વળી ક્યાંથી આવ્યું, હેં?

પણ હા, પેલી હોટલની રૃપાળી રીસેપ્શનીસ્ટ આપણને ખાલી ચાવી કાઢીને આપે તો થેન્ક્યુ કહેવાનું! વિમાનમાં એર-હોસ્ટેસ ડ્રીંક્સ અને નાસ્તો આપી જાય તો ‘થેન્ક્યુ’ કહેવાનું! અને બાઈક પર રોલા મારીને બેસવા જતાં જિન્સના પાછલા ખિસ્સામાંથી મોબાઈલ નીચે પડી જાય એ તરફ કોઈ રૃપાળી છોકરીએ ધ્યાન દોર્યું હોય તો તો દસ વાર સ્માઈલો આપી આપીને થેન્ક્યુ-થેન્ક્યુ કરવાનું!

પણ પોલીસને થેન્ક્યુ ? શેના માટે?

આ એ જ પોલીસવાળાઓ છે જે દિવાળીઓમાં એટલા માટે રજા નથી લઈ શકતા કે આપણે સૌ પાંચ દહાડા ધડાધડ ફટાકડાઓ ફોડી શકીએ.

આ એ જ પોલીસવાળાઓ છે જે ચાલુ ક્રિકેટમેચે મેદાન તરફ નહિ ટોળાં તરફ મોં કરીને ઊભા રહી ‘સબ સલામત’ની સતત ખાતરી કરતા રહે છે.

આ એ જ પોલીસવાળા છે જે નવરાત્રિની નવે નવ રાતોમાં આપણા જુવાન છોકરા છોકરીઓ લગભગ સવાર સુધી સડકો પર ડર્યા વિના બિન્દાસ ભટકતા હોય ત્યારે ફુલ-નાઈટની ડયુટી બજાવતા હોય છે.

નવરાત્રિની નવે નવ રાતે ઘરની જુવાન દિકરી હેમખેમ હસતી રમતી પાછી આવે તો પણ પોલીસને આપણે કદી થેન્ક્યુ કીધું?

ના, કારણકે રીવાજ જ નથી ને!

હકીકત એ છે કે પોલીસોને કદી સીધું-સાદું, ઉષ્માભર્યું, લાગણીભર્યું ‘થેન્ક્યુ’ સાંભળવા જ મળતું નથી. કોઈ કોઈ હવાલદારોની આખેઆખી નોકરી પતી જાય, ‘પોલીસદાદા’ રિટાયર થઈ જાય, ત્યાં સુધીમાં એમને એકપણ લાગણીભર્યું ‘થેન્ક્યુ’ સાંભળવા મળતું નથી!
હા, પોલીસોને લોકો થેન્ક્યુ કહે છે, પણ ક્યારે?

જ્યારે પોતે લાયસન્સ વગર કે હેલમેટ વિના પકડાયા હોય અને પોલીસવાળો એમને માત્ર વોર્નિંગ આપીને જવા દે ત્યારે!

અથવા પોતે મોટાં લેવલનાં કાળાંધોળાં કરવામાં કે પછી નાના લેવલની દારૃપાર્ટી કરતાં ઝડપાઈ ગયા હોય… પછી છેવટે જ્યારે ‘પતાવટ’ થાય, ત્યારે કહેશે ”થેન્ક્યુ હોં!”

તમે પોલીસોને પૂછી જોજો, એમને મન આવા ‘થેન્ક યુ’ની કોઈ કિંમત છે ખરી?

તમે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરી જોજો. બે પાંચ અડિયલ વાહન-ચાલકોને લીધે ચાર રસ્તા ઊપર આખું ‘ગુંચમ્’ થઈ ગયું હોય… કોઈ પોતાની જગાએથી એક ઇંચ પણ હલવા તૈયાર ના હોય… ઉપરથી સામસામી ઘાંટાઘાંટી અને ગાળાગાળી થતી હોય ત્યારે બધા પોતપોતાના વાહનોમાં બેઠાં બેઠાં ઘડિયાળ સામે જોઈ જોઈને વારંવાર પીપી…ભોંભોં… કરીને હોર્ન વગાડયા કરીશું, પણ નીચે ઉતરીને કોઈ જાતે ટ્રાફિક ક્લિયર કરાવવામાં મદદ સુદ્ધાં નહિ કરીએ…

આવે વખતે ક્યાંકથી કોઈ એકાદ ટ્રાફીક હવાલદાર આવે, અને જેમતેમ કરીને ‘ગુંચમ્’ ઉકેલાવે… ટ્રાફીકને વહેતો કરે, ત્યારે એની બાજુમાંથી પસાર થતી વખતે સ્હેજ સ્માઈલ આપી, હાથ ઊંચો કરીને તમે ઊંચા અવાજે કહી જોજો :

”થેન્ક્યુ ભાઈ, થેન્ક્યુ હોં !”
આટલું અમથું થેન્ક્યુ સાંભળીને પેલા હવાલદારના ચહેરા ઉપર કદાચ સ્માઈલ તો નહિ આવે, પણ ક્યાંક મનમાં ઊંડે ખૂણે એને વિચાર આવશે કે ”હાશ, કોઈકને તો મારા કામની કદર છે?”

પરંતુ ના, એવો રિવાજ ક્યાં છે!
અમને લાગે છે કે આપણે ક્યાંક તો એક નવા રીવાજની શરૃઆત કરવી પડશે. વરસમાં એક દિવસ તો એવો હોવો જોઈએ જે ‘થેન્ક્યુ પોલીસ ડે’ તરીકે ઓળખાતો હોય.

એ દિવસે નાનાં નાનાં બાળકો સરસ મજાનાં ફૂલો લઈને પોલીસ સ્ટેશને જાય, દરેકને ‘થેન્ક્યુ પોલીસ અંકલ!’ કહીને એક એક ફૂલ આપે… કે પછી સિનિયર સિટીઝનો પોલીસ સ્ટેશને જઈને પોતાનું રક્ષણ કરવા બદલ આખા સ્ટાફનો આભાર માનીને એકાદ ગુલદસ્તો આપે.

આમાંનું કશું ન કરી શકીએ તો કમ સે કમ આપણે ઘરેબેઠાં સરસ મજાનાં ‘થેન્ક્યુ પુલિસમેન’ લખેલાં કાર્ડઝ બનાવીને પોતપોતાના એરિયાના પોલીસ સ્ટેશનોનાં સરનામે તો મોકલી શકીએ ને!

અને હા, આપણાં ફેસબુક અને ટ્વિટર ક્યારે કામ આવશે?
કમ સે કમ આ વખતની નવરાત્રી શાંતિપૂર્ણ રીતે પુરી થઈ એ માટે તો “THANK YOU, POLICEMEN… FOR SUCH A PEACEFULL NAVRATRI !” એવાં બેનર્સ તો મુકી શકીએ કે નહિં?

ગુજરાતની એફએમ રેડિયો ચેનલોના જોકીઝને પણ આ જ રિક્વેસ્ટ છે : લોકો પાસે થોડું *’થેન્ક્યુ પોલીસ!’* કહેવડાવો યાર! ભલે એના માટે ‘વૉર(war)’ની ટિકીટો ઈનામમાં જીતાડવી પડે…”

આપ સહુ આ પોસ્ટને શેર કરીને પણ ગુજરાત પોલીસને ધન્યવાદ આપી શકો છો…….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •