કેવડિયા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જીવનદાયક નર્મદા જળના કર્યા વધામણાં.કર્યા નર્મદા બંધના જળાશયમાં ૧૩૧.૫ મીટરની ઉંચાઇ સુધી પાણી ભરીને ગુજરાતે એની ટેકનિકલ ક્ષમતા પૂરવાર કરી છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાતે નેવાના પાણી મોભે ચડાવવા જેવું અદ્દભૂત કામ કર્યુ છે


વરસાદ ખૂબ સારો છે અને મંજૂરી મેળવીને તબક્કાવાર ૧૩૮ મીટરની
પૂર્ણ ઉંચાઇ સુધી નર્મદા બંધને ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે
– મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીએ ડેમ ટોપ નિયંત્રણકક્ષનું નિરિક્ષણ કર્યુ અને બંધમાં
પાણી ભરવાની-છોડવાની વ્યવસ્થાઓની જાણકારી મેળવી

ડેમ ટોપની વ્યૂઇંગ ગેલેરી ખાતે નર્મદા પૂજન કર્યુ અને શ્રીફળ, ચૂંદડી અને પુષ્પોથી
જીવનદાયક નર્મદા જળને વધાવ્યું

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા

નર્મદા બંધના ભરાયેલા વિપુલ પાણીને અનુલક્ષીને ૧,૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે
– નાયબ મુખ્યમંત્ર નીતિનભાઇ પટેલ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા ખાતે જીવનદાયક નર્મદા જળના વધામણાં કર્યા હતા. ડેમ ટોપની વ્યૂઇંગ ગેલેરી ખાતે નર્મદા પૂજન કર્યુ અને શ્રીફળ, ચૂંદડી અને પુષ્પોથી જીવનદાયક નર્મદા જળને વધાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં સારા વરસાદથી દુષ્કાળના ઓળા દૂર થયા છે. ગુજરાતે નર્મદા બંધ ભરીને નેવાના પાણી મોભે પહોંચાડવાનું અદ્દભૂત કામ કર્યુ છે. નર્મદા બંધના જળાશયમાં ૧૩૧.૫ મીટરની ઉંચાઇ સુધી પાણી ભરીને ગુજરાતે પોતાની ટેકનિકલ ક્ષમતા પૂરવાર કરી છે જેનો મને ગર્વ છે.
રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ઇશ્વરની કૃપાથી વરસાદ ખૂબ સારો છે, ત્યારે નર્મદા બંધને મંજૂરી મેળવીને તબક્કાવાર ૧૩૮ મીટરની પૂર્ણ ઉંચાઇ સુધી ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પૂરના પાણીથી સૌની યોજના, સૌરાષ્ટ્રના ખાલી બંધો, સુજલામ સુફલામની કેનાલો, મહી, સાબરમતી સહિત નદીઓ, ઉત્તર ગુજરાતના બંધોમાં પણ પાણી ભરવામાં આવશે. રાજય સરકારના આ નિર્ણયથી પ્રજાજનોને પાણીના પ્રશ્ને નિરાંત અને રાહત અનુભવાશે તેવી મને આશા છે. જીવનદાયક નર્મદાના જળ થકી રાજયમાં પાણીની સમસ્યાનું નિવારણ થશે.
નર્મદાના જળથી રાજયભરમાં પીવાના પાણી, ખેતી સહિત તમામ ક્ષેત્રોને લાભ મળશે આ સાથે રાજયના વિકાસને વેગ મળશે. પ્રધાનમંત્રીશ્રીએ ડેમના દરવાજાની અને ડેમ ભરવાની મંજૂરી આપી એ પછી પ્રથમવાર બંધની સપાટી ૧૩૧.૫ મીટર્સ થઈ છે. જે સમગ્ર ગુજરાત માટે આનંદનો પ્રસંગ બની રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી જીવનદોરી નર્મદાનું પાણી મળશે.
કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી નર્મદાના જળનું છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ગઇરાત્રે ખોલવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના ગામો આવેલા છે એ તમામ જિલ્લાના તંત્રોને આગોતરા સતર્ક કરવામાં આવ્યા છે. જરૂર જણાઈ ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તકેદારીના જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે.
રાજયના મુખ્યમંત્ર અને નાયબ મુખ્યમંત્રીએ ધાર્મિક વિધિવિધાન પ્રમાણે મા નર્મદાના વધામણાં કરી જળ પૂજન કર્યું હતુ. નમામિ દેવી નર્મદેનો આનંદ ઉત્સવ સર્વત્ર વર્તાઈ રહ્યાનું પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
કેવડીયા ખાતે નર્મદા મૈયાના વધામણા પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઈ રાતથી ૧,૨૦૦ મેગાવોટ જળવીજળીનું ઉત્પાદન શરૂ થયું છે. તેમણે નર્મદા જળથી પાવન થતી ગુજરાત રાજય ભૂમિ માટે આનંદ અનુભવતા કહ્યું કે, નર્મદા મુખ્ય કેનાલમાં ૧૪,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં ૧,૪૦૦ ક્યુસેક, સાબરમતી નદીમાં ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને પાણી મળશે.
પટેલે વધુમાં કહ્યું કે, નર્મદા યોજના પાછળ રૂ.૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો છે, હવે એના સારા પરિણામો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ તમામ સહભાગી રાજયોને પણ થશે. નર્મદા યોજના થકી મધ્યપ્રદેશને વીજળી અને ગુજરાતની સાથોસાથ રાજસ્થાનને નર્મદાનું અમૃત જળ મળશે.
શ્રી પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાત સહિત સહભાગી રાજયોને નર્મદા યોજનાના જે વ્યાપક લાભો મળતા થયા એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ચાવી રૂપ ભૂમિકા છે. એમણે દરવાજા મૂકવાની અને ડેમમાં પાણી ભરવાની મંજૂરી આપી તેમજ નર્મદા ડેમમાં પાણી ભરવાનો પ્રારંભ પણ એમના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગુજરાતની જનતા દાયકાઓથી નર્મદા બંધ ભરાય એ ઘડીની રાહ જોતી હતી. એનસીએની જરૂરી મંજૂરી મેળવીને બંધ ૧૩૮ મીટર્સ સુધી ભરવાનો પ્રયત્ન રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. અત્યારે જળાશયમાં બંધના કેચમેન્ટમાં થયેલા સારા વરસાદનું પાણી આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર બંધમાંથી હજુ પાણી છોડાયું નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રએ નર્મદા નિગમના અધ્યક્ષ કે.કૈલાશનાથન, એમડી ડો.રાજીવકુમાર ગુપ્તા અને સમગ્ર ટીમ નર્મદાને અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતની જનતાને આ આનંદ ઉત્સવના પ્રસંગના વધામણાં પાઠવ્યા હતા.
મુખ્યમંત્ર અને નાયબ મુખ્યમંત્રીએ ડેમ ટોપ પર નિયંત્રણ કક્ષમાં દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતુ. ડેમ ટોપની નિરીક્ષણ દીર્ઘા ખાતે વરસતા વરસાદમાં સરદાર સરોવરમાં લહેરાતા મા નર્મદાના જીવનદાયક અગાધ જળને શ્રીફળ, ચૂંદડીથી પુરોહિતોના પવિત્ર મંત્રોચ્ચારો વચ્ચે વધાવ્યા હતા.
આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર આઇ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, નર્મદા નિગમના ટેકનીકલ ડિરેક્ટરશ્રી નાદપરા, વડોદરા રેન્જના ડી.આઇ.જી.શ્રી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •