“સરનામા સાથે ભૂલા પડવું : પ્રેમ…” – અંકિત ત્રિવેદી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

પ્રેમ થવો જ જોઈએ… કરવો જ જોઈએ… પ્રેમમાં કશું અનિવાર્ય નથી. તમે તમારા જીવનમાં તમારાથી ચકચૂર છો તો તમે તમારા પ્રેમથી `ભરપૂર` છો. દુનિયામાં જે નથી સમજાયું તે બધામાં પ્રેમ છે. પ્રકૃતિથી લઈને આપણો પીંડ બનાવનારા પંચતત્વો સુધીની આ વાત છે. પ્રેમમાં ઉંમર પ્રમાણે ઓગળી ગયેલું તોફાન છે. પ્રેમ એટલે બોલો ત્યારે ચૂપ થઇ જવાય અને ચૂપ હોઈએ ત્યારે કોઈ એક ખાસ વ્યક્તિને જ સંભળાય એવી વાતો…! આંખો બોલે ત્યારે હૈયું ખૂલે… પ્રેમને રિચાર્જ કરાવવાનો છે જ નહીં, એ આપણને સતત ચાર્જ કરે છે. આપણે એનાથી કંટાળી જઈએ છીએ એવું નથી, આપણે એકની એક જ વ્યક્તિને પ્રેમ કરવાથી કંટાળી જઈએ છીએ. મરીઝ સાહેબે તો લખ્યું…
‘ખબર ન્હોતી મુહોબ્બતની આ કિંમત આપવી પડશે,
કે એના સહુ સંબંધીઓને ઈજ્જત આપવી પડશે.`
આપણો પ્રેમ આપણને ન્યાલ કરવા માંગે છે અને આપણે એકબીજાની `ઢાલ` બનીને એને પ્રેમ માની બેસીએ છીએ. આજના લૈલા અને મજનુ status અને Dp માં અટવાયા છે… Youtube પર subscribe થઈને રઘવાયા છે. પ્રેમને આપણામાં ફેલાવું છે અને આપણે જ એને ગૂંગળાવી નાંખ્યો…! એકની એક જ વ્યક્તિ જોડે વધારે સમય ગાળવા માટે થોડીક બંને તરફની સ્પેસ જોઈએ. આ સ્પેસ ક્રિકેટમાં બોલર અને બેટ્સમેનની વચ્ચે `પીચ` બને છે અને રમત રોમાંચક બને છે. પ્રેમમાં આ સ્પેસને આંખોથી સમજવું અને હૃદયથી જીવવું કહેવાય છે. આપણે આંગણા વગર પણ છોડ ઊગાડી શકીએ છીએ, ફળિયા વિના પણ રંગોળી કરી શકીએ છીએ, DP કે Status વિના પણ ચમકી શકીએ છીએ, Innocent પુરવાર થવા માટે Instagram ની જરૂર નથી જો આપણે હૃદયમાં પ્રેમને જ જીવવા દીધો છે. આપણે પ્રેમને જીતવો છે માટે પ્રેમ રમત અને મમતનો મહોતાજ બની જાય છે. આપણે પ્રેમમાં જીવીશું તો એ આપણા સરનામે આવેલો સુગંધનો પવન છે…
પ્રેમને આવકાર આપીએ છીએ ત્યારે ભુલી જવાય છે કે પ્રેમના ઘરમાં આપણે રહેવાનું છે. લાગણીમાં `માંગણી` ઉમેરાય છે ત્યારે પ્રેમ ઓછો અને શરતો વધારે હોય છે. સ્વીકાર ભાવમાં નકરી સહજતા એ પ્રેમનો `વિશેષ` છે… તમને બધું જ આવડતા છતાં તમે ગમતી વ્યક્તિ પાસેથી નવું શીખવાની ધગશ બતાવો છો એમાં પ્રેમ અને આદર બંને છલકે છે. પ્રેમ એટલે સ્ત્રી અને પુરુષ જ નહીં…! સંબંધો થાકી જાય ત્યારે જેમાં સંબંધ જીવવાનું પસંદ કરે છે તે પ્રેમ છે…
એક જ ઘરેડમાં થાકી ગયેલી જિંદગી જયારે વેકેશનના નામે બહારગામ ફ્રેશ થવા જાય છે એમાં પ્રેમ નથી. એ તો રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ, ‘હોઈએ જ્યાં, ત્યાં જ ઝળહળીએ અમે-‘ એમાં માને છે… બહારગામ શરીર જાય છે, શરીરના ઘરમાં રહેતો પ્રેમ ત્યાંનો ત્યાં જ છે. નજીક રહેતી વ્યક્તિને ઓળખવી અઘરી પડે છે. સૂર્ય હોય ત્યારે ચાંદ, તારા, નક્ષત્રો નથી જ હોતા એવું નથી…! પ્રેમની રાહ જોવાની નથી હોતી, રાહ ઊજવવાની હોય છે. આપણે પ્રેમ કરીએ છીએ એના કરતાં પ્રેમનું જ ‘કરી’ નાંખીએ છીએ. પ્રેમની સમજણમાં પ્રતિક્રિયા અગત્યની નથી, પ્રક્રિયા જ અગત્યની છે. આથમતા અજવાળે તમારામાં ઉગેલું કોઈ હંમેશા સવાર પાડવા જ ન આવ્યું…! ઘણીવાર રાત થઈને તમને મહેકાવવા રાતરાણીની જેમ ઊગીને ખિલ્યું – ફાલ્યું હોય…! એને કશામાં ક્યાં મૂલવી શકાય છે…? તૂટવાની અણી પર હોય એવા ભરોસાને બિનહરીફ જીતાડે છે તે `પ્રેમ’ છે… વ્યક્તિ અને સમષ્ટિનું એકરાર થવું એ પ્રેમ છે… તડકો ધરતીને મળવા તલપાપડ છે, વચ્ચે વાદળોનું ઘેરાવું તડકાને ધરતી પર આવતો રોકે છે. હવા સ્થિર છે. બાફ પરસેવાની પરીક્ષા કરે છે. લીલું લીલું ઉગવાની લ્હાયમાં ધરતી ચાસ પાડીને માટીના પોપડાને પટાવે છે. તડકો વરસાદના છાંટામાં ઢોળાય એવું લાગે છે. આ બધામાં કોઈને એકબીજા પર શંકા કે સમાધાન કરવાની ટેવ નથી… પ્રેમ એટલે જ તો વરસે છે,,,
ઓન ધ બીટ્સ:
આંખ હોઠકી બાત સમજ લો
દિન સે જૈસે રાત અલગ હૈ
મુદ્દત જો ગઈ અબ તો રોએ
બરસો સે બરસાત અલગ હૈ
-મીનાકુમારી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •