ભાવનગર : (મનકી ગલી મૈ હૈ ખલભલી-6) લુહાણાના ખમણ અને ઈતિહાસ – રાજેશ ઘોઘારી :

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

ગુજરાત અને મહારાષ્ટ્રના ઘરોમાં ખમણ અને પાપડ નું સ્થાન અદકેરું છે પણ ખમણ અને પાપડને લોકપ્રિય કરનાર તો લુહાણા જ્ઞાતિના છે. આજે લુહાણા વિશ્વના દરેક દેશોમાં પોતાની ધંધાકીય સૂઝબૂઝના કારણે વ્યાપી ગયા છે. ભાવનગરમાં મામાકોઠા રોડ, કણબીવાડ, ભગાતળાવ અને રાણીકામાં લુહાણાની ખુબ વસતિ એટલે કે ઘણાં ઘરો હતા. ચંદારાણા, મસરાણી, ચોટાઈ, ખંધેડીયા, કોટક, દાવડા રાડીયા, ગણાત્રા, હિંડોચા, કારીયા, સચદેવ, સોઢા અટકો તો આજે પણ યાદ છે.

લુહાણા જ્ઞાતિ ના ઇતિહાસ ની વાત કરીએ તો વિશ્વના ઉદભવ માં સૌપ્રથમ સાંસ્કૃતિક પ્રજા વૈદિક પ્રજા હતી અને લુહાણા જ્ઞાતિ નો ઇતિહાસ વૈદિક સંકૃતિના વહેણ સાથે ચાલે છે. લુહાણા સૂર્યવંશી, ઈશ્વાકુ વંશના, રઘુવંશી તથા ભગવાન શીરામના પુત્ર લવના વંશજો ગણાય છે. રઘુવંશી ઓ કોઈનાથી ડરતા નથી. તેઓ હમેશા નિર્ભય છે. તેમનાથી ઇન્દ્ર, કુબેર, વરુણ, યમ, અગ્નિ જેવા લોકપાલો પણ ડરતા હતા. રઘુવંશી ઓ ગાય ના તથા બ્રાહમણો ના શ્રેષ્ઠ રક્ષકો હતા. તેથી રઘુવંશી ઓ ” ગૌ-બ્રાહમણ પ્રતિપાલ કહેવાતા હતા. રઘુવંશી ઓ પ્રજાનું રક્ષણ કરવા હમેશા તત્પર રહેતા હતા. રઘુ બાદ રઘુવંશ ચાલ્યો તેમ રામના પુત્ર લવના વંશ લુહાણા, લોહાણા, લવાણા, કે લુવાણા તરીકે ઓળખાયા પણ સાર્થ જોડણી કોશમાં ફક્ત લુહાણા શબ્દને જ આખરી ગણવામાં આવ્યો છે.

સિંઘમાં રહેતા સિંધીલોહાણા, કચ્છમાં રહેતા કચ્છી લોહાણા, ગુજરાત માં રહેતા ગુજરાતી લોહાણા, કાઠીયાવાડ – સૌરાષ્ટ્ર માં રહેતા કાઠીયાવાડી લોહાણા, હાલર માં રહેતા હાલારી કે હાલાઈ લોહાણા, મહી અને રેવા નદી ના વચ્ચેના પ્રદેશમાં રહેતા લોકો મહીરેવા લોહાણા, વાગડ માં રહેતા વાગડિયા લોહાણા, મારવાડ માં રહેતા મારવાડી લોહાણા અને પારકર માં જે લોકો રહેતા તે લોહાણા પોતાને પારકર લોહાણા તરીકે ઓળખાવા લાગ્યા.

તે સમયે લુહાણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. ચાર થી પાંચ ચોપડી-ધોરણ સુધીનું શિક્ષણ મેળવવું એ મોટી વાત હતી કે પછી મર્યાદા નક્કી કરી હોય તેવું હતું. મેટ્રીક સુધી ફક્ત બે કે ત્રણ જણ જ પહોચી શક્યા હતા. કન્યા કેળવણી પણ નહી જેવી જ હતી. છતા પણતે સમયે થોડું ભણેલો પુરુષ અને અભણ સ્ત્રી વચ્ચે પણ સારો મનમેળ જોવા મળતો હતો. જીવનમાં કોઈપણ જાતની કડવાશ કે ઘર્ષણને સ્થાન ન હતું. સયુંકત કુટુંબ પ્રથામાં લોકો હળીમળી ને રહેતા હતા.

લુહાણામાં મુખ્ય્તવે ગુજરાતી, કચ્છી અને સિંધી લુહાણા એમ ત્રણ ભાગ પડે છે. લુહાણા લોકો ચુસ્ત રીતે હિંદુ ધર્મ પાળે છે. શીવ, વિષ્ણુ, રામ, કૃષ્ણ એ સર્વે ભગવાનોમાં આસ્થા ધરાવે છે. અંબા માતા અને ખોડીયાર માતાની પણ તેઓ પૂજા કરે છે.સંત શ્રી જલારામ બાપા તેમના આધ્ય છે. રામનવમીને તેઓ રઘુવંશી અસ્મિતા દિવસ તરીકે ઉજવે છે.

સૌરાષ્ટ્રમાંથી લુહાણાઓનું સૌથી મોટું સ્થળાંતર 1880 થી 1920 ની વચ્ચે થયું અને સૌરાષ્ટ્રી, કાઠીયાવાડ અને કચ્છી લુહાણાઓ સાગમટે આફ્રિકાના યુગાંડા, કેન્યા, ટાંગાનિકા, ઈંગ્લેંડ જેવા દેશોમાં સ્થાયી થયા. ભારતમાંથી કોઈ એક જ્ઞાતિનું આ સૌથી મોટું સ્થળાંતર હતું જેની વિશ્વ ઈતિહાસમાં નોંધ લેવામાં આવી છે. આફ્રિકામાં 1970 ની સાલમાં લગભ્ગ 40.000 લુહાણાઓના ઘર હતા અને આ બધા મુખ્ય્તવે પોરબંદર, જામનગર, રાજકોટના હતા. પોરબંદરના બે લુહાણા ઉધ્યોગપતિઓ નાનજી કાળીદાસ મહેતા અને મુળજીભાઈ માધવાણીએ આફ્રિકાના દેશોમાં વિશાળ પ્રમાણમાં કારોબાર સ્થાપી તેને વિકસાવ્યો હતો જે આ સ્થળાંતરીત થયેલા લુહાણાઓને ઉપકારક નિવડ્યો.

1972 માં તાનાશાહ ઈદી અમીનના જુલમના કારણે આફ્રિકામાંથી હજારોની સંખ્યામાં લુહાણાઓ નિકળી ગયા અને ઈંગ્લેંડ, પોર્તૂગલ, ફ્રાંસ, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા. ઈંગલેંડમાં તો પશ્ચિમ લંડનના પરાઓ જેવા કે વેમ્બલી, હેરો, લેઈસેસ્ટર અને ઈસ્ટ મીડલેંડમાં તો લુહાણાઓની આખી વસાહત સ્થાયી થઈ ગઈ છે અને એક અંદાજ મુજબ 49,000 લુહાણાઓનો વસવાટ છે.

સામાન્ય રીતે લુહાણાઓને ‘ઠક્કર’તરીકે ઓળખવામાં આવે છે અને પોતાની મૂળ અટકની જગ્યાએ ઘણાં ઠક્કર તરીકે ઓળખવાનૂં પસંદ કરે છે. મૂળ અટકમાં ઘણીવાર સામી વ્યક્તિને અણસાર ન આવે પણ ઠક્કર અટકથી સામેવાળો તરત સમજી જાય કે આ લુહાણા છે. સિંધ અને ઉત્તરિય દિશામાંથી જ્યારે લુહાણાઓ ગુજરાતમાં પ્રવેશ્યા ત્યારે સૌ પ્રથમ પોરબંદર પાસેના ખાંભોદર ગામમાં સ્થાયી થયા હતા અને આણંદજી ભાર્થજી વિઠ્ઠલ મૂળ ઠક્કર અટકના પ્રણેતા ગણાય છે કારણ કે તેમને ઘોડા ઉછેરનો વ્યવસાય હતો અને ઘોડાઓના માલિકને ઠક્કુર કહેવામાં આવતા તેમાંથી ઠક્કર થઈ.

ખાંભોદરમાં વરસો સુધી લુહાણાઓ રહ્યા અને આજુબાજુના પ્રદેશોમાં પોતાના ધંધા-વ્યાપાર વિકસાવ્યા હતા. ભારતમાં રેલ વ્યવહાર શરૂ થયો એટલે આ વેપાર ધંધાની કુનેહ જાણતી આ કોમ ભારતના દૂરના પ્રદેશોમાં સ્થાયી થઈ અને સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂણા, નાગપુર, બેંગલોર, મંગલોર, હૈદ્રાબાદ, કોચીન, ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં વ્યવસાયને વિકસાવ્યો. તેમના વ્યવસાયમાં ખાદ્યસામગ્રી પ્રથમ સ્થાન ઉપર હતી એટલે આજે પણ કહેવાય છે કે ભોજન તો લુહાણાનું જ.

ભાવનગરમાં મામાકોઠા રોડ ઉપર હરીભાઈ, અમુભાઈ, જય જલારામ જેવી ખમણની દુકાનો સીતેર વર્ષોથી અકબંધ ચાલી રહી છે. તો અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગાસ શહેરમાં ‘ઠક્કરની થાળી’ નામની વિવિધ પ્રકારના ગુજરાતી ભોજન અને વ્યંજનોનો આસ્વાદ કરાવતી હોટેલ ભાવનગરના વતની ચલાવી રહ્યા છે એટલે લુહાણાઓની હાથની ચપટીમાં એવો જાદુ ભર્યો છે કે કોઈપણ ભોજન સ્વાદિષ્ટ બની જાય. અમેરિકા અમથું ઠક્કરની થાળી ઉપર ઓળઘોળ થતું હશે ! આફ્રિકા ગયેલા લુહાણાઓની નવી પેઢીએ ધંધા ઉપરાંત ઉચ્ચ કક્ષા ની સરકારી નોકરીઓ, શિક્ષણ, બેંકિંગ, વાણિજ્ય વગેરે ક્ષેત્રમાં નામ કાઢ્યું અને એક ઈજારાશાહી ઉભી કરી હતી જેનાથી બ્રિટીશ સરકાર પણ ડરી ગઈ હતી. લુહાણાઓના હાથમાં એક કસબ હતો કે ધંધાવ્યવસાયને કઈ રીતે વિકસાવવો અને તે બ્રિટીશરોના ધ્યાન માં આવ્યું હતું અને તેથી લુહાણાઓને બ્રિટનમાં સગવડો આપી સ્થાયી કર્યા હતા. બ્રિટનમાં પણ લુહાણાઓએ હોટલ અને રેસ્ટોરાં વ્યવસાયમાં નામ કાઢ્યું તેની સાથે બ્રિટનના લોકોને જાતજાતના અથાણાં ખાતાં પણ કરી દીધા.

રાજકોટ, ભાવનગર, અમદાવાદ. વડોદરા અને સુરત જેવા શહેરોમાં આજે આ ખમણ અને પાપડનો ધંધો લુહાણાઓને હસ્તક છે અને તેની સાથે ખાણી-પીણી અને જમવાના કેટરિંગના વ્યવસાયમાં પણ ઈજારો ઉભો કર્યો છે. ડાઈનિંગ તો ગુજરાત બહાર દેશના અન્ય રાજ્યોમાં પણ લુહાણાઓએ ‘ફરસાણ માર્ટ’ ઉભા કરી આખા દેશને ફરસાણ ખાતો કરી દીધો છે.

લોહાણા પુરુષો ગૌરવર્ણના પડછંદ અને શરીર ઉપર વાળ અન્યના પ્રમાણમાં વધારે હોય છે તો લોહાણા સ્ત્રીઓ ગોરી કરતા ધોળી વધારે હોય છે. લોહાણામાં તમને અનેક ‘કાકુભાઈ’ મળી આવશે ને એ તેમનું પ્રિય ગમતું નામ છે. લોહાણામાં સમાજ સેવા માટે નિસ્વાર્થ કાર્યકરોની કોઈ દિવસ તૂટ પડતી નથી અને વિશ્વભરમાં ચાલતી તેમની સંસ્થાઓમાં એકાદ જાનદાર અને શાનદાર કાકુભાઈ એક નિષ્ઠાથી પલોઠી વાળીને સેવા કરતા હોય છે.

લોહાણાઓમાં જ્ઞાતિ પ્રત્યેની આદરભાવના ના મૂળ ખુબ ઊંડા હોવાથી સખાવતી લોહાણાઓએ વિદ્યારર્થી ભવનો, કન્યા છાત્રાલયો, હુન્નરશાળાઓ, પુસ્તકાલયો, વ્યાયામશાળાઓ, આરોગ્યધામો, સેવાટ્રસ્ટો, દવાખાનાં, શાળાઓ, કોલેજો, વિકાસગૃહો જેવી સમાજ ઉપયોગી સંસ્થાઓ ઉભી કરીને જ્ઞાતિના વિકાસને ધબક્તો રાખ્યો છે. ઉધ્યોગ, વ્યાપાર, દાનવૃતિ, છાતીની પહોળાઈ અને આંખોની ખુમારીથી લુહાણાઓની સાહસગાથા લખી શકાય તેવો સમાજ છે.

અને છેલ્લે તેમની અટકોનૂં વૈવિધ્ય તો જુઓ ! રાયઠઠા, રાયજાદા, રાયચુરા, રાયચડ્ડા, રાયમગીયા,રાયકડા, રાયવડેરા, રાયકૂંડલીયા તો ઠક્કર, ક્ક્કડ, ખખ્ખર, રાજા, ચોટાઈ, તન્ના, કોટક, રાડીયા, ગણાત્રા, હિંડોચા, કારિયા, સચદેવ, સોઢા, ચોલેરા, ભગદેવ, માનસેતા અને આવી 258 અટકો છે. ભાવનગરમાં પણ આ અટકોવાળા લોહાણાઓ અચૂક મળવાના. હવે જ્યારે પણ ખમણ ખાવ કે ફરસાણ ખાવ કે એરકંડીશંડ ડાઈનિંગ હોલમાં જમવા જાવ જરા કાઉન્ટર ઉપર માલિકનું નામ પૂછજો, પેલી 258 અટકમાંથી જ હશે !

અંગ્રેજી લેખકોએ લુહાણા જ્ઞાતિ સંબંધિત 28 જેટલા દળદાર પુસ્તકો લખ્યા છે અને તેમનો સંઘર્ષ અને ધનિક થયાની બાબતને આવરી લીધી છે.

મામાકોઠા રોડના લુહાણાઓ છેક અતીતમાં તેમના ઈતિહાસ સુધી ખેંચી ગયા એ લખ્યા પછી તેમની રાંધણકળાને લીધે ઠક્કર ભોજનાલયમાં ફરજિયાત જવું પડે તેવા સંજોગો ઘરમાં ઉભા થયા છે.

રાજેશ ઘોઘારી :

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •