શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે કે, “અધર્મના સંહાર તથા ધર્મના ઉદ્ધાર માટે દરેક યુગમાં હું પૃથ્વી પર અવતરીશ.” દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ કૌરવ (અધર્મ) સામે પાંડવ (ધર્મ)નું રક્ષણ કર્યું, દ્રૌપદીના ચીર પૂર્યા, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુધ્ધ લડવા માટે ઉપદેશ આપ્યો તો કળિયુગમાં મોહનદાસે અંગ્રેજોના અત્યાચાર સામે લડત આપી દેશને આઝાદી અપાવી. બે અલગ અલગ યુગમાં જન્મેલ તથા અલગ વ્યક્તિત્વ ધરાવતા મોહન અને મોહનદાસ ગાંધીનો ધ્યેય પ્રજાકલ્યાણ જ રહ્યો હતો. રવિવારે સાંજે અમદાવાદનાં ભારતીય વિદ્યા ભવનના જે.એ. ઓડિટોરીયમ ખાતે ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી દ્વારા ‘મોહન સે મોહન – ચક્ર થી ચરખા’ 90 મિનિટની ઓડીસી નૃત્યનાટિકા રજૂ કરવામાં આવી હતી. આ સુંદર નૃત્યનાટિકાનું કથાબીજ તથા નૃત્યગૂંથણી ઓડીસી નૃત્યાંગના શ્રીમતી સુપ્રવા મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. કૃષ્ણ અને ગાંધીજીના જીવનપ્રસંગો પર આધારિત આ નૃત્યનાટિકાને કલારસિકોએ ખૂબ વખાણી હતી.
