આખરી ચીસ લેખક :ડૉ.કિશોર એન.ઠક્કર. ગાંધીધામ કચ્છ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

શોકમગ્ન સુરત…
શોકમગ્ન ગુજરાત…
શોકમગ્ન ભારત…..
શોકમગ્ન નેતાઓ…
ક્યાં સુધી?ત્રણ-ચાર દિવસ.
અને શોકમગ્ન…
મૃત બાળકોનાં મા-બાપ…
જીવે ત્યાં સુધી.

બાળકો ટપોટપ ટપોટપ ઝાડ પરથી ફળ પડે એમ નીચે પટકાતાં હતાં.ઉપર રહે તો પણ મરણ નિશ્ચિત હતું,કદાચ નીચે પડવાથી બચી જવાની કંઈક શક્યતા હતી.
આપણે કોનો દોષ કાઢશું?
*એ બિલ્ડરનો જેણે ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું?
*એ ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકોનો…જેમણે કમાવા માટે ધંધો કર્યો?
*એ નગરપાલિકાના સાહેબોનો…જેમણે ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી?
*એ ફાયર ઓફિસરોનો જેમણે ક્યારેય તપાસ કરવાની તસ્દી ના લીધી?
*એ નેતાઓનો કે જેમની શેહશરમ હેઠળ કાયદો લાચાર બની ગયો?
*નીચે ઉભેલા એ ટોળાનો કે જે વિડીયો ઉતારવામાં મશગૂલ રહ્યું?
*એ વાલીઓનો…જેમણે જોયા જાણ્યા વગર નંબરની લાલચમાં બાળકોને બળદ જેમ ભાર નીચે દબાવ્યા?
*એ મૃત બાળકોનો જેમણે આવા ભારત દેશમાં જનમ લીધો?

વોટસએપ…ફેસબુક..ટ્વીટર..ઈન્સટા….
બધું શોકસંદેશાથી ભરપૂર હતું.
આવી ક્ષણિક ભાવનાત્મક આંદોલનતા ખૂબ વિનાશકારી છે.આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે લાયક છીએ આવી શ્રદ્ધાંજલિ આપવા માટે?
સહેજ અંદર નમીને જોઈએ તો આપણે પોતે આવી ઘટનાઓના ગુનેગાર તરીકે કઠેડામાં ઉભેલા દેખાશું.
જેમાં કંઈ ફાયદો નથી એવાં કામો જેમ કે, રસ્તા પર કેળાની છાલ ફેંકતી વખતે તમારા મનમાં ક્યારેય વિચાર આવ્યો કે આનાથી કોઈનો પગ ભાગશે?રોંગ સાઈડમાં સાધન ચલાવતી વખતે વિચાર આવ્યો ખરો કે?
તો પછી બિલ્ડરને તો અધધધ રૂપિયા મળે છે,સાહેબોને પગાર ઉપરાંત ટેબલ નીચેથી બંડલો મળે છે તો પછી એ એવા કાયદો પાલન કરવાના/કરાવવાના વિચારો શું કામ કરે?
જ્યાં મફતનું આધારકાર્ડ કઢાવવા માટે રૂપિયા બસો ડાંભવા પડતા હોય એ દેશમાં ઈશ્વરની પણ હેસિયત નથી કે આવા નાના મોટા અકસ્માતોને રોકી શકે.દંભી રાષ્ટ્રવાદના નામે કે પછી ફક્ત જાત-નાત-ધરમના નામે જો વગર કામ કર્યે મતની ઝોળીઓ છલકાતી હોય તો એ નેતા કે પ્રજાની નહી પણ આ દેશની બદનસીબી છે.
એકસો પચ્ચીસ કરોડમાંથી ફક્ત ઓગણીસ બાળકો મૃત્ય પામ્યા! નફ્ફટ નેતાઓની ભાષામાં કહું તો ભવિષ્યના ઓગણીસ વોટ ઓછા થયા.ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ છેલ્લી જ ઘટના હશે એની કોઈ ખાતરી નથી.
હા,સાચું દુઃખ એને થયું હોય જેણે નવ મહિના છોકરાંને પેટમાં વેંઢાર્યા હોય,એને થયું હોય જે પોતાના ઘડપણની લાકડી તરીકે એ બાળકને જોતા હોય.પંદર પંદર વરસ સુધી મોટા કરીને છોકરાના દેહને ભોંમાં ભંડારતી વેળાએ એ બાપ કઈ રીતે ત્યાં ઉભો રહી શકતો હશે?કલ્પના કરતાં પણ કમકમાટી આવે છે.એ છોકરાના પુસ્તકોનું ભરેલું કબાટ અને ખાલી ખુરશી જોઈને એની મા કઈ રીતે એ ઘરમાં રહી શકતી હશે?
આ નઘરોળ તંત્રનું શું છે?પડતાં છોકરાંને ઝીલવા માટે એક સારી નેટ પણ ન હતી.બાવીસ બાવીસ માળ સુધીની મંજૂરી આપતાં પહેલાં ચાર માળ સુધી પહોંચી શકે એવી કોઈ સીડી બનાવી શકવાની પણ તંત્રની હેસિયત નથી.
અને વેરાઓની તો ભરમાર…
આનો કોઈ ઉપાય ખરો?
શિક્ષકોને છાશવારે ઘરેઘરે દોડાવતા તંત્ર પાસે તગડો પગાર એંઠતા અધિકારીઓને અંકુશમાં
રાખવાની કોઈની ક્ષમતા ખરી?
ખરેખર તો દરેક અધિકારી ઘરે ઘરે જઈને બધી સેવા આપે એવા નિયમો હોવા જોઈએ.
રાશનકાર્ડ,પાનકાર્ડ,આધારકાર્ડ..બધું તમારા ઘરે આવીને બનાવી જાય.ઓફિસરોને એ.સી.ચેમ્બરની બહાર કાઢવાની જરૂર છે.પ્રજા ઓફિસ સુધી જાય એના કરતાં ઓફિસરોને સ્થળ પર મોકલો.ઓફિસરોના હાથ ચીરીને એવી ચીપ અંદર લગાવો કે લાંચ માગે તો તરત ખબર પડી જાય.
અને નવી પેઢીને ફક્ત હાથ ઉંચા કરીને ભારતમાતાની જય બોલાવવાથી આ નૈતિકતા નહી આવે.શિક્ષણ પદ્ધતિ,રોજગાર પદ્ધતિમાં મૂળભૂત ફેરફાર જરૂરી છે.
ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ હત્યાઓ પાછળ હું જવાબદાર છું,આપણે જવાબદાર છીએ,
પ્રજા,નેતા,રાજકારણીઓ,બિલ્ડરો,શિક્ષકો,ડોકટરો,વકીલો અને પૂરું ભારત જવાબદાર છે.
માફ કરજો,કડવું લાગે તો બે-ચાર ગાળો દેજો મને પણ વારંવાર થતી એક જેવી દુર્ધટનાઓ જોઈને લાગે છે કે ભારતની લાપરવાહ પ્રજા તરીકે દિલાસો આપી શકવાની હેસિયત આપણે ગુમાવી બેઠા છીએ.
એ નાજુક બાળકોને પ્રભુ પરમ શાંતિ આપે અથવા તો આનાથી કંઈક સારા ભારતમાં જન્મ આપે એવી પ્રાર્થના

ડૉ.કિશોર એન.ઠક્કર.
ગાંધીધામ કચ્છ.

*કડક શબ્દો છે…માફ કરજો અને કંઈક સમજાય તો મને ગાળો દેવાને બદલે પોતાની જાતથી સુધરવાનો પ્રયત્ન કરજો.*
*હું પણ દૂધે ધોયેલો નથી પણ હવેથી હું પણ સુધરવાનો પ્રયત્ન કરીશ*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •