શબ્દોનું સૌંદર્ય :શિલ્પા શાહ.

કલા સાહિત્ય લાઇફ સ્ટાઇલ વિશેષ

એક સંતમહાત્માને તેમના શિષ્યે પૂછ્યું ગુરુજી આપણા શરીરના અનેક અંગોમાંથી શ્રેષ્ઠ કયું? મહાત્માએ જવાબ આપ્યો જીભ કેમકે મડદાને પણ બેઠા કરવાની તાકાત તેનામાં છે. ફરી શિષ્યે પૂછ્યું તો શરીરનું કનિષ્ઠ અંગ કયું? જવાબ મળ્યો જીભ, કારણ કે જીવતા માણસને પણ ઉભા ચીરી નાખવાની તાકાત તેનામાં છે. વાણીમાં બે પ્રકારની શક્તિ છે એક સર્જનાત્મક શક્તિ અને બીજી વિનાશાત્મક શક્તિ. વળી શબ્દ કે વાણી અવિનાશી છે. યુગો-યુગો સુધી શબ્દનો નાશ થઈ શકતો નથી. વિજ્ઞાને સંશોધન બાદ જાહેર કર્યું છેકે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સંભળાવેલી ભગવદ ગીતાના શબ્દો આજે પણ ગગનમાં ગુંજે છે જેને યોગ્ય યંત્ર શક્તિની મદદથી ફરી પ્રાપ્ત કરી શકાય અને વિજ્ઞાનના એ દિશામાં પ્રયત્નો ચાલુ છે. આવી અવિનાશી વાણીનો ઉપયોગ ઊંડી સમજણ સાથે કરવો અનિવાર્ય બને છે જેથી જ તો કહેવત છે “પાણી અને વાણી ગાળીને વાપરો “કારણકે દુનિયામાં જે કંઈ ઉત્તમ કે કનિષ્ઠ સર્જાય છે તેનું મુખ્ય કારણ વાણી છે. આપણે જાણીએ છીએ કે શરીરના તમામ અંગો માત્ર એક જ કાર્ય કરે છે. જેમ કે બે નસકોરા માત્ર સૂંઘવાનું કામ કરે, બે કાન માત્ર સાંભળવાનું કામ કરે, બે આંખ માત્ર જોવાનું કાર્ય કરે, પરંતુ એક જીભ બે કામ કરે, એક બોલવાનું અને બીજું ખાવાનું. જે બંને કાર્યો અતિ મહત્વના છે અને જોખમી પણ. વિચાર કરો કુદરતને તેની શક્તિ પર કેટલો ભરોસો હશે? જીભના બંને કાર્યો જીવમાત્રને દુઃખદર્દમાંથી બહાર લાવવા ખૂબ અગત્યના છે. થોડું સારું ખાવા આપો અને ઉત્સાહસભર વાણીથી પ્રશંસા કરો, પછી જુઓ વ્યક્તિના શરીર અને મન બંનેમાં એક અજીબોગરીબ શક્તિનો સંચાર થશે અને આ બંનેના અભાવમાં માનવ અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે.આ સનાતન સત્ય આપણે જાણીએ છીએ છતાં તેના તરફ બેધ્યાન રહીએ છીએ, એ જ મોટી કમનસીબી છે એક અનિયંત્રિત જીભ અનેકોના સુખ-શાંતિને ખતમ કરી દે છે. જીભ શાંત તો સર્વ ઇન્દ્રિયો શાંત રહે છે. આપણે જાણીએ છીએ અમદાવાદ હુલ્લડો માટે વિશ્વપ્રસિદ્ધ છે વળી હુલ્લડોની શરૂઆત સામાન્ય રીતે ખાડિયા અને જમાલપુરથી થાય છે અને એ રીતે આગળ પ્રસરે છે તે જ રીતે સમાજમાં દરેક પ્રકારના તોફાનોની શરૂઆત વાણીથી થાય છે. ખાડિયા શાંત તો અમદાવાદ શાંત, એ જ રીતે જીભ શાંત તો સર્વે ઈન્દ્રિયો શાંત. તેથી જ શાસ્ત્રો કહે છે જેણે વાણીને જીતી લીધી એટલે કે જીભને નિયંત્રણમાં રાખતા શીખી લીધું તેણે બધું જ જીતી લીધું.આપણા શબ્દો અને વિચારોની અસર ચેપી વાયરસ જેવી હોય છે. જે અન્યને પણ ઝપટમાં લઈ લે છે. અન્ય પ્રાણીઓની સરખામણીમાં મનુષ્ય બે રીતે ચઢિયાતો છે એક બુદ્ધિની બાબતમાં અને બીજું વાણીની બાબતમાં અન્યથા આપણા બીજા અંગો કરતા અનેકગણા ચઢિયાતા અંગો પ્રાણી જગત ધરાવે છે જેમકે આંખ બિલાડીની, નાક કીડી અને કૂતરાનું, હાથ ગોરીલાના, પગ હાથીના, દાંત વાઘ સિંહના, કાન હરણના, માણસ કરતા ઉત્તમ છે. પરંતુ બુદ્ધિ અને વાણી એ માનવસૃષ્ટિને કુદરત તરફથી મળેલા અમૂલ્ય રત્નો છે. આવા અમૂલ્ય રત્નો કાંઈ વેડફી નખાય? વચનશક્તિ બહુમૂલ્ય છે તેનો વપરાશ સાવધાની, જાગૃતિ અને કરકસર સાથે જ થવો જોઈએ. હા એ વાત સાચી કે જીભને વશમાં રાખવાનું કાર્ય અતિ કઠિન છે પરંતુ અમૂલ્ય વસ્તુઓ જેવી કે પૈસો, સોનું-ચાંદી, હીરા-જવેરાત વગેરેની સાચવણી માટે આપણે ઘણી જહેમત ઉઠાવીએ છીએ તેટલી જ જહેમત શબ્દોની સાચવણી માટે ઉઠાવીએ છીએ ખરા? શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન- દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *