માંસાહારનો ત્યાગ શા માટે? શિલ્પા શાહ.

ભારત વિશેષ સમાચાર

વર્તમાન યુગમાં માંસાહાર એક ફેશન બની ગઈ છે. માંસાહાર યોગ્ય છે કે નહિ તે અંગેની વૈજ્ઞાનિક સમજણના અભાવે લોકો માંસાહારને પ્રેમથી સ્વીકારે છે કેમ કે માત્ર પોકળ ધાર્મિક લાગણી કે ધર્મના નિયમો લોકોને મંજૂર નથી. પરંતુ માંસાહાર વિશેનું વૈજ્ઞાનિક સંશોધન લોકો જાણે તો કદાચ તેનો ત્યાગ સરળતાથી કરી શકે.ઈશ્વરે દરેક જીવના આહારના નિયમો તેની શરીરરચના અને બંધારણને આધારે બનાવ્યા છે જેમ કે ગાય, ભેંસ, હાથી, ઘોડા ઘાસ-પાન ખાય છે જ્યારે વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓ માંસ જ ખાય છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ વચ્ચે બાહ્ય તેમ જ આંતરિક તફાવત રહેલો છે. જેમ કે
• 1) પાણી પીવાની રીત: માંસાહારી પ્રાણીઓ જીભથી ચાટીને પાણી પીવે છે જ્યારે શાકાહારી હોઠથી ચૂસીને પાણી પીવે છે.
• 2) પરસેવો: માંસાહારી પ્રાણીઓને પરસેવો વળતો નથી તેઓને હાંફ ચઢે છે જ્યારે શાકાહારીને પરસેવો થાય છે, હાંફ એટલો નથી ચઢતો.
• 3) દાંતની રચના: માંસાહારી પ્રાણીઓના દાંત તીક્ષ્ણ અને ધારદાર હોય છે જ્યારે શાકાહારીના ધારદાર હોતા નથી.
• 4) નહોર: માંસાહારીના તીક્ષ્ણ અને ધારદાર હોય છે જે શાકાહારીમાં જોવા મળતા નથી.
• 5) જીવનચર્યા: માંસાહારી નિશાચારી હોય છે, રાત્રે સ્પષ્ટ જોઈ શકે છે અને રાત્રે જ શિકાર કરે છે, જ્યારે શાકાહારી રાત્રે ઓછું જોઈ શકે છે.
• 6) જન્મ સમયે આંખો: માંસાહારી પ્રાણીઓની આંખો જન્મ સમયે બંધ હોય છે. સમય પછી ખુલે છે જ્યારે શાકાહારી જન્મતાની સાથે જ આંખો ખોલે છે.
• 7) ટાઈલીન પદાર્થ: માંસાહારી પ્રાણીઓના મોંમાં ટાઈલીન નામનો લાળ જેવો પદાર્થ ઝરતો નથી જે શાકાહારી પ્રાણીઓના મોંમાં ઝરે છે. શાકાહારમાં રહેલ કાર્બોહાઈડ્રેટ પચાવવા ટાઇલીન જરૂરી છે જેની જરૂર માંસાહારમાં રહેતી નથી.
• 8) જડબાની રચના: માસાહારી પ્રાણીઓને ખોરાક ચાવીને ગળી જવાનો હોય છે. મોંમાં કોઈ પ્રકારની પ્રક્રિયા કરવાની હોતી નથી. જ્યારે શાકાહારીને ઉપર-નીચે, ડાબે-જમણે ચારે તરફ જડબાની વ્યવસ્થા છે કેમ કે તેમણે ખોરાક ચાવીને વાગોળવાનો હોય છે. શાકાહારી પ્રાણીની પાચનક્રિયા વિશેષપણે મોંમાં થાય છે. જેથી વિશેષ પ્રકારના જડબાની રચના આવશ્યક છે.
• 9) આંતરડાની લંબાઈ: માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ માંસ પચાવવા પૂરતી, ટૂંકી હોય છે જ્યારે શાકાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ પોતાના સાત શરીરની લંબાઈ કરતાં ત્રણ થી ચાર ગણી હોય છે.
10) કિડની-લીવર: માંસાહારી પ્રાણીના ખૂબ મોટા હોય છે જ્યારે શાકાહારી પ્રાણીના ખૂબ નાના હોય છે.આ તમામ તફાવતથી નક્કી થાય છે કે મનુષ્ય શાકાહારી પ્રાણી છે.
• વૈજ્ઞાનિકો એવા નિર્ણય પર આવ્યા છે કે માંસમા રહેલા કેટલાક પદાર્થ તદ્દન ઝેરી છે. સંધિવા જેવા રોગોમાં ડૉક્ટર માંસાહાર લેવાની મનાઈ ફરમાવે છે. વળી યુરિકએસિડથી થતા ઉપદ્રવો જેવા કે ક્ષય, કેન્સર, એપેન્ડિસાઈટિસ જેવા ઘણા રોગો અટકાવવા માંસાહાર નિષેધ થાય છે. યુવાનોમાં એવી માન્યતા છે કે સંપૂર્ણ આરોગ્યબળ અને શક્તિ જાળવી રાખવા માંસાહાર જરૂરી છે. પરંતુ તેઓને મને કહેવાનું મન થાય છે કે પ્રાણી જગતનું સૌથી જોરાવર અને બળવાન પ્રાણી હાથી સંપૂર્ણ શાકાહારી છે. આપણે ત્યાં કહેવત છે ‘ અન્ન તેવું મન’. એટલે મનના વિચારો અને માનસિકતા પર અન્નનો વિશેષ પ્રભાવ પડે છે. અમુક પદાર્થો અન્ન રૂપે ગ્રહણ થતા જીવ તામસી બને છે. માંસાહાર વ્યક્તિને ઘાતકી અને હિંસક બનાવે છે. આધ્યાત્મિક ઉન્નતી ઇચ્છતા માણસ માટે માંસાહાર યોગ્ય નથી.મુખ્યત્વે માંસાહારમાં ભૂંડ, માછલી અને કુકડાનું માંસ ખવાય છે તે તમામ વિષ્ઠા (મળ) ખાનાર જીવો છે. જે જાનવરનું માંસ ખાવ તેના રોગો તમને થવા સંભવ છે. જે જાનવરને મારી તમારી થાળીમાં અન્ન રૂપે પીરસાયુ છે તે જાનવર રોગીષ્ટ હોય તો તેની અસર તમારા પર થાય છે. ઘણા સંશોધનો જણાવે છે કે જાનવરના માંસથી Boutmalism નામની ઘાતકી બીમારી થાય છે જે કીડની અને મૂત્રપિંડને ખતમ કરે છે. ઘેટાના માંસથી Hydatid નામનો રોગ થાય છે. માંસ ખાનારના મૂત્રપિંડ, પાચનતંત્ર ઝડપથી બગડે છે. જેથી તેઓ વધુ હાંફવા માંડે છે. હરસ, મસા, ભગંદર વગેરે રોગો થવાની સંભાવના ખુબ વધી જાય છે. માંસમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે પરંતુ અન્ય જરૂરી વિટામીન હોતા નથી જેથી તે સંપૂર્ણ આહાર નથી. તેના સ્થાને દૂધ સંપૂર્ણ આહાર છે. માનવ શરીરની રચના એવા પ્રકારની છે કે શાકાહારી ભોજન વધારે સારી રીતે પચાવી શકે છે. જે હવે સાર્વત્રિક રીતે પુરવાર થઇ ચૂક્યું છે. જેથી શાકાહાર લેવો હિતાવહ છે.વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે માંસાહારી કરતાં શાકાહારી લોકોનો અભિગમ ખૂબ હકારાત્મક(વિધાયક) હોય છે. તેઓમાં તામસીપણું તેમ જ ગુનાહિતવૃત્તિ ઓછી જોવા મળે છે કેમ કે માંસાહારને કારણે શરીરમાં ન્યૂરો ટ્રાન્સમીટર્સ છૂટા પડે છે જે માનવીના કેન્દ્રિય મજ્જાતંતુને ઉશ્કેરે છે. વળી માંસાહારમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી મગજમાં ટાયરોસીન નામનું રસાયણ મગજની ક્રિયાશીલતા વધારે છે , જે ઊંઘમાં ખલેલ પાડે છે, અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. વળી પ્રોટીનનું વધુ પ્રમાણ જો મનુષ્ય પચાવી ન શકે તો થાક, આળસ અનુભવાય છે અને બીજા ઘણા રોગો જેવા કે હાર્ટ-એટેક, આંતરડાનું કેન્સર, કિડનીનો રોગ, ગાઉટ(સાંધાનો રોગ)વગેરે વગેરે લાગૂ પડવાની સંભાવના વધી જાય છે. માંસાહારથી લોહીમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે જેથી હાર્ટએટેકની સંભાવના વધે છે તેમ જ આપણે આગળ જોયું તેમ આંતરડાની લંબાઈ માંસાહારી અને શાકાહારી બંને પ્રાણીમાં જુદી-જુદી હોય છે. શાકાહારી પ્રાણી(મનુષ્ય)ના આંતરડાની લંબાઈ વધુ હોવાથી અને માંસાહાર પચવામાં ભારે હોવાથી, ન પચેલો ખોરાક આંતરડામાં લાંબો સમય ભરાઈ રહે છે અને સડવા માંડે છે જે આંતરડાના કેન્સરને આમંત્રે છે. મનુષ્યની કિડની નાની હોય છે અને માંસાહારને કારણે કિડની પર બોજો વધુ પડે છે. માંસમાં રહેલા તમામ હાનિકારક તત્વો (ખાસ કરીને યુરિક એસિડ) નાબૂદ કરવાનું કામ કિડનીએ કરવું પડે છે. નાનું કદ અને વિશેષ શ્રમને કારણે કિડની નબળી પાડવા માંડે છે. કિડની યુરિક એસિડને Refine કરી ન શકતા તે લોહીમાં જમા થાય છે અને સ્નાયુઓમાં દુખાવાનું પ્રમાણ વધવા માંડે છે, સાંધાની બીમારીઓ વધે છે. શાકાહાર સંપૂર્ણ ખોરાક છે, માંસાહાર નહીં. કેમ કે માંસાહારમાં માત્ર પ્રોટીન અને ચરબી છે. જ્યારે કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન્સ વગેરે નથી જે શાકાહારમાં છે. વળી માંસાહારમાંથી મળતા વધુ પડતા પ્રોટીનની ઈચ્છા ધરાવતા લોકો જો તેની તરફેણ કરતા હોય તો તે પણ સમજવા જેવું છે કે તમારા શરીરની પ્રોટીન પચાવવાની શક્તિ કેટલી છે? પ્રોટીન પચાવવાની શક્તિ દરેકમાં હોતી નથી. સખત શારીરિક શ્રમ કરનાર કે કુસ્તીબાજ જો માંસાહાર ખાય તો કદાચ તેમની જરૂરિયાત ગણી શકાય અથવા તેઓમાં માંસાહારને પચાવવાની શક્તિ હોવાને કારણે તેવા લોકોની સરખામણી સામાન્ય લોકો સાથે ન થાય કેમ કે દરેક નિયમમાં અપવાદ હોય છે.. ઉપરાંત અતિ શારીરિક શ્રમ કરનાર કે sportsman ને પણ માંસાહારની હાનિકારક અસરો થઇ હોય તેવું વિજ્ઞાને અનેક સંશોધનો દ્વારા નોધ્યું છે. શરીરની પ્રોટીન પચાવવાની શક્તિનો આધાર તેના શારીરિક શ્રમ ઉપરાંત તે દિવસના કયા સમયે ખાય છે તેના પર અને માનસિક સ્થિતિ પર પણ રહેલો છે. આયુર્વેદની દ્રષ્ટિએ ભોજનને સ્વાદ સાથે સીધો સંબંધ છે. આયુર્વેદમાં ૬ સ્વાદ નું વર્ણન છે. જે બધા શરીર માટે અતિ ઉપયોગી છે. જે બધા ફક્ત વનસ્પતિ (શાકાહાર) માંથી જ મળે છે. જેમ કે૧) મધુર સ્વાદ – જે શેરડી, કેળા, ચીકુ, સીતાફળ, વગેરેમાંથી મળે છે. ૨) તીખો સ્વાદ- જે મરચા, આદુ, મરી, તજ વગેરેમાંથી મળે છે. ૩) ખાટો સ્વાદ – જે લીંબુ, આંબલી, કોકમ, આંબળા, ટમેટા માંથી મળે છે.૪) કડવો સ્વાદ- જે લીમડો, મેથી, કારેલા વગેરેમાંથી મળે છે.૫) તૂરો સ્વાદ- જે હરડે, હળદર, બહેડા, વગેરેમાંથી મળે છે.૬) ખોરો સ્વાદ- જે દરિયાના પાણીમાંથી મીઠા સ્વરૂપે મળે છે. આમ મનુષ્ય શરીરને તંદુરસ્ત રહેવા ઉપરના બધા સ્વાદની જરૂર છે જે માત્ર શાકાહારમાંથી મળે છે. આમ માંસાહાર કરતા શાકાહાર ઉત્તમ છે.શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *