પ્રાચીન વસ્ત્રાભૂષણો :હાલની ફેશન. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

કલા સાહિત્ય ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

ભારતીય સંસ્કૃતિમાં કલાનો એકેએક પ્રકાર ધર્મના રંગે રંગાયો છે. જેમાં કલા-સૌંદર્યની ઉપાસના – પરંપરા અને તેના શાસ્ત્રો રચાયા છે. ચોસઠ કલાની ભાવના પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ છે.

જે પૈકી કાયસ્થોની ૧૬ કલા અને સુવર્ણકાર-સોનીની ૬૪ કલાનાં નિર્દેશો શાસ્ત્રગ્રંથોમાં મળે છે. તે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી ૩૨ કલાનાં પણ ઉલ્લેખ છે. આમાંની કેટલીક કલાઓ સ્ત્રીઓ અને પુરુષો માટેની ગણાવી છે. કલાનું અવિભાજ્ય અંગ સૌંદર્ય છે. આ કલા-સૌંદર્યના સમન્વય દ્વારા રસાનંદ-સ્વાનંદ માણી શકાય છે. આ પ્રાચીન પરંપરામાં કલા-સૌંદર્યનું જાજરમાન સ્વરૂપ વસ્ત્રાભૂષણોમાં જોવા મળે છે. પ્રાચીન સાહિત્ય, શિલ્પો, ચિત્રોમાં નારીના સૌંદર્યને નીખારવા વસ્ત્રો, અલંકારો, કેશરચનાને વિશેષ મહત્ત્વ અપાયું છે.

દરેક દેશની સંસ્કૃતિમાં વસ્ત્રાભૂષણોનું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં સુંદરતા, લજ્જા, મર્યાદા તથા સગવડ ઉપર ખાસ લક્ષ આપવામાં આવે છે. ભારતવાસીઓએ સૌંદર્ય વિશેના પોતાના ખ્યાલો કલા દ્વારા પ્રકટ કર્યા છે. સૌંદર્યના અંગભૂત શણગારની સંખ્યા ૧૬ ગણાવી છે. આ ષોડૃશ શૃંગાર કયા તેની વિગતો ૧૪મી સદીમાં વલ્લભદેવે રચેલી સુભાષિતાવલિમાં આપી છે: મંજન, ચીર, હાર, તિલક, અંજન, કુંડલ, નાસામૌતિકમ કેશપાશ રચના કંચુક, નૂપુર, સુગંધ – અંગરાગ, કંકણ, ચરણારાગ-અળતો, મેખલારણન, તાંબૂલ, કરદર્પણ. ગુર્જર સુંદરીઓના વસ્ત્રાભૂષણો સૌંદર્ય અને લાજ-મર્યાદાને માટે બેનમૂન હોય છે.

ગુજરાતી નારી એટલે : “ચોળી ચણીયો, પાટલાનો ઘેર., સેંથળ સાળુની સોનલ સેર, છેડલે આચ્છાદી ઉર ભાવ., લલિત લજ્જાનો વદ જમાવ, અંગ આખેયે નિજ અલબેલ., સાળુમા ઢાંકતી રૂપની વેલ., ભાલ કુંકુમ, કર કંકણ સાર., કન્થના સજયા તે જ શણગાર.”. આ શણગાર એકલા સોના, ચાંદી, રૂપા, હીરા, માણેકના જ નથી હોતા. ફૂલોના શણગારની શોભા તો કોઈ રસિકજન જ મૂલવી શકે. કેશ રચના એ પણ એક કલા છે. નારીના શણગારનું ભાવવાહી સર્જન એ કેશકલા છે. આમ, ભારતમાં પ્રાચીન કાળથી નારીઓ સૌંદર્ય પ્રસાધનો, વિવિધ પ્રકારના વસ્ત્રો, આભૂષણો તથા કેશ રચનાની અદ્ભૂત ગૂથણી કરતી આવી છે. ગુજરાતમાં વિશ્વ વિરાસતની યાદીમાં સામેલ પાટણની રાણીવાવના શિલ્પોમાં વસ્ત્રાભૂષણોની અદ્ભૂત પરંપરા જોઈ શકાય છે. આમાં ખાસ કરીને નૃત્યાંગનાઓ, અપ્સરાઓ ઉપરાંત દેવ દેવીઓના શિલ્પોમાં શાસ્ત્રોક્ત અને પરંપરાગત વસ્ત્રાભૂષણો, કેશગૂંફન જોવા મળે છે. વર્તમાનમાં પ્રથમ નજરે આપણને કોઈ નવી ફેશન – ડિઝાઇન જોઈને આશ્ચર્ય થાય છે.

પરંતુ આજની આ ફેશન પ્રાચીન પરંપરાને અનુસરીને કરવામાં આવી હોય છે. ફેશન ડિઝાઈન ક્ષેત્રે પ્રાચીન વસ્ત્રાભૂષણો અને કેશ રચનાઓમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરીને બનાવવામાં આવતી હોય છે. જેમાં સ્થાનિક સંસ્કૃતિની અસર ખાસ જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ વિશેષ આયોજનમાં નારીનાં વસ્ત્રાભૂષણોમાં પ્રાચીન પરંપરાની ઝલક દેખાય આવે છે. પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *