પતંગ પુરાણ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

કલા સાહિત્ય ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

દુનિયામાં ઉજવાતાં વિવિધ તહેવારોમાં પતંગ પર્વનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે. વિશ્વમાં ભારત, જાપાન, ચીન, ઇન્ડોનેશિયા, અમેરિકામાં પતંગ પર્વ – કાઈટ ફેસ્ટીવલ હવે ગ્લોબલ ઉત્સવ બની ગયો છે.

ખરા અર્થમાં આ તહેવાર નિર્દોષ આનંદ આપતો માનવ તહેવાર છે. સંસ્કૃતિઓ અને દેશના સીમાડા ભૂલીને દુનિયામાં ઠેર ઠેર પતંગ પર્વને મન ભરીને માણવામાં આવે છે. ભારતમાં રામાયણ, મહાભારત જેવા પ્રાચીન મહાકાવ્યોમાં પતંગના ઉલ્લેખ છે. ઈ. સ. ૫ મી સદીમાં ચીનમાં નિશાળમાં બાળકોને ભણવામાં રસ પડે અને સંસ્કૃતિ શીખવવા માટે કાપડ અને લાકડાની છાલમાંથી પતંગ બનાવી ગમ્મત ખાતર ઉડાડવામાં આવતા હતા.

ઈ. સ. ૫૪૯માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. ચીનમાંથી પતંગનું આગમન ભારત, ઇન્ડોનેશિયા, જાવા-સુમાત્રા, મલાયા, ન્યુઝીલેન્ડ સુધી વિસ્તર્યો. યુરોપમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ શરૂ થયો. ૧૬મી પછી સંદેશા વ્યવહાર અને યુધ્ધમાં પતંગનો આશરો લેવામાં આવ્યો હતો. ઈ.સ.૧૮૬૦થી૧૯૧૦ સુધી થયેલા વિમાનના સંશોધનમાં પતંગનો ભરપૂર ઉપયોગ થયો.

ભારતમાં મકરસંક્રાંતિ-ઉતરાયણ- પતંગ પર્વનું મહત્ત્વ વિશેષ છે. પવનની દિશા જાણવા, ધાર્મિક વિધિના ભાગરૂપે, ખેતી માટે અને જ્યોતિષની દ્રષ્ટિએ પતંગ ચઢાવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ-મકરસંક્રાંતિ પર્વના ઉલ્લેખ ૭મી થી ૧૩મી સદીના અભિલેખોમાં મળે છે. પતંગ – કનકવા પર અનેક સંશોધનો ઉપરાંત સાહિત્ય પણ લખાયું છે. અમદાવાદમાં સુલતાન અહમદશાહના રાજ શાસનમાં શાહ આલમ સાહેબ નાનપણમાં પતંગ ઉડાડતાં ત્યારે એમના પિતા કુત્બે આલમ એમને વાંચવા લખવામાં ધ્યાન આપવાનું કહેતા એવાં ઉલ્લેખ ‘જમઆતે શાહિયા’ નામે ગ્રંથમાં છે. ઔરંગઝેબના સમયમાં જૈન ધર્મના શાંતિવિજયજીના શિષ્ય માનવિજયગણિ(ઈ.સ.૧૬૬૯-૧૬૮૩) એ રચેલ ‘ઋષભદેવ સ્તવન’ માં પતંગ ઉડાડવા અંગે વિગતો મળે છે.

ઈ.સ. ૧૭૫૦માં શામળ ભટ્ટે રચેલી ‘ચંદ્ર ચંદ્રાવલિ’ વાર્તામાં પતંગ માટે લખ્યું છે કે, “પ્રિતી વતી છે પવનથી પદ્મની નામ ‘પડાઈ’, સૂત્ર સંગ લઈ સંચરે પૂર પંડિત પરખાઈ.” ૧૯૩૮માં વિદ્ધાન સંશોધક હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સુરતમાં ‘પતંગ પુરાણ યા ને કનકવાની કથની’ નામે પુસ્તક પ્રગટ કરેલું. જેમાં પતંગના વિવિધ નામો, પર્યાયો, પતંગ બનાવવાની રીત, દોરી-માંજો, પતંગ ઉડાડવાની કરામત ઉપરાંત પતંગ વિશેના વિવિધ કાવ્યો, જોડકણાં વગેરેની વિસ્તૃત માહિતી આપી છે. અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર – પાલડીમાં પતંગ મ્યૂઝિયમ છે. જેમાં વિવિધ આકાર, પ્રકાર, રંગબેરંગી પતંગો ભારતનો ઉત્તમ કલાત્મક સંગ્રહ ગણાય છે. વર્તમાન સમયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પતંગોત્સવ-કાઈટ ફેસ્ટીવલનું મોટા પાયે આયોજન થાય છે. જેમાં દેશ અને દુનિયાના પતંગ પ્રેમીઓનો મેળાવડો જામે છે. ઉત્તરાયણ-મકરસંક્રાંતિનો એક દિવસનો આનંદ ઓછો પડતો હોઈ બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે. આ વાસી ઉત્તરાયણ એ અમદાવાદીઓની દેણ હોવાનું મનાય છે. પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 62
 •  
 •  
 •  
 •  
 •  
  62
  Shares
 • 62
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *