દક્ષિણાયન કે ઉત્તરાયણના મૃત્યુ પાછળનું વિજ્ઞાન. શિલ્પા શાહ.

ધાર્મિક ભારત વિશેષ સમાચાર

હિંદુધર્મની માન્યતા છે કે દક્ષિણાયન મૃત્યુ અશુભ અને ઉત્તરાયણ મૃત્યુ શુભ, કારણ કે દક્ષિણાયન અસૂર ક્ષેત્ર છે. દક્ષિણ શનિ અને યમનું ક્ષેત્ર છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્યનો પ્રકાશ શનિગ્રહ સુધી પહોંચતો નથી. જેથી શાસ્ત્રો કહે છે કે આ દિશામાં અંધતમિસ્ત્ર નામનું નર્ક છે. જયારે સૂર્ય દક્ષિણાયન કરે ત્યારે મન, પ્રાણ અને વાયુ પર સર્વથા પ્રતિકૂળ અસર થાય છે. સૂર્યના કિરણો પ્રાણવાયુને સંચાલિત કરે છે. જયારે સૂર્ય દક્ષિણાયન કરે ત્યારે પ્રાણનો અંધતમિસ્ત્ર તરફ જવાનો ભય વધી જાય છે. તેથી દક્ષિણાયન મૃત્યુ અશુભ ગણાય છે. ધર્મશાસ્ત્રો જણાવે છે કે અંત રૂડો તો સઘળુ રૂડું. પરંતુ અંતિમ ઘડી ભગવદભાવ વાળી ત્યારે જ બને જ્યારે સમગ્ર જીવન દરમિયાન ભગવદ્ ભાવનો અભ્યાસ કર્યો હોય. જીવન એટલે સંસ્કાર સંચય. સમગ્ર જીવન દરમ્યાન સતત સંસ્કારો મેળવતા મેળવતા, અવિરત સદગુણો પ્રાપ્ત કરતા કરતા ભગવદ્ પ્રાપ્તિ શક્ય બને છે. જીવન એવી રીતે જીવવું કે મરણ સુધરી જાય એટલે કે સતત પાપમુક્ત રહેવાનો પ્રયત્ન કરવો. ઈશ્વર બનવાની સંભાવના અને શક્તિ આપણા સૌમાં પડેલી છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખી મન, વચન અને કાયાથી દિવસ ને રાત અશુધ્ધિઓ સામે લડતા રહીશું તો અંતકાળની ઘડી અત્યંત રૂડી થશે. તે વખતે બધાયે દેવતાઓ અનુકુળ થઇ રહેશે. પવિત્ર મરણ મળે એવી ઈચ્છા હોય તો અગ્નિ, સૂર્ય, ચંદ્ર, આકાશ બધા દેવતાઓની કૃપા હોવી જોઈએ. મરણ અંગે એક રૂપક છે. મરણ વખતે અગ્નિ સળગેલો હોય, સૂર્ય પ્રકાશતો હોય, શુકલ પક્ષમાં ચંદ્રની કળા વધતી હોય, ઉત્તરાયણનું વાદળા વગરનું નિરભ્ર, સુંદર આકાશ માથે હોય તો જીવ બ્રહ્મમાં વિલીન થાય છે. અને આનાથી ઉલટું હોય તો તે જીવ જીવન-મરણના ફેરામાં પડે છે. અહી અગ્નિ કર્મનું ચિન્હ છે એટલે એકધારું કર્મ કરતા કરતા આવનારું મરણ ધન્ય છે. આમ મરણકાળ સુધી કર્મ કરતા રહેવાય તે અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા. જે છેવટ સુધી ઝગમગતી રહેવી જોઈએ. ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવનાની વૃદ્ધિ કેમ કે ચંદ્ર મનનો દેવતા છે. શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ પ્રેમ, ભક્તિ, પરોપકાર, દયા, ઉત્સાહ, વગેરે શુદ્ધ ભાવનાઓનો વિકાસ થતો રહેવો એટલે ચંદ્રની કૃપા. આકાશની કૃપા એટલે હૃદયમાં આસક્તિના વાદળોનું પૂમડું સરખું ય ન હોય તેને ઉત્તરાયણનું મૃત્યુ કહેવાય. આવું મૃત્યુ જેને મળે તે બ્રહ્મમાં વિલીન થાય છે. તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. જેના માટે સંસ્કારોનો સાતત્યયોગ અકબંધ રાખવો જરૂરી છે. જીવનભર આ ધારા તૂટવી જોઈએ નહિ. ટૂંકમાં અંતિમ સમય સુધી સેવા કરતા રહેવું, શુદ્ધ ભાવનાઓને વિકસાવતા રહેવું, હૃદયમાં કોઈ આસક્તિના વાદળો ભેગા ન થવા દેવા તો મોક્ષ નક્કી છે. જેના માટે ક્ષણે ક્ષણનો સદુપયોગ કરવો, મન પર અશુદ્ધિની છાપ ન પડવા દેવી. અને આવું કપરું કામ કરી શકાય તે માટે ઈશ્વરની કૃપા યાચતા રહેવું. પ્રાર્થના કરતા રહેવું કેમ કે તેના વગર આ ચઢાણ કપરા જ નહિ અશક્ય છે. શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *