ગિરનારના નાથ: ગોરખનાથ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

ગિરનાર પર્વત ઉપરની પાંચ ટુંકોમાં સહુથી ઊંચી ટુંક ગોરખનાથની છે. અહીં ગોરખનાથે તપ કર્યાની માન્યતા છે. આથી અહીં નાથ સંપ્રદાયનું સ્થાનક છે.

પાટણ પાસેના વાઘેલમાં આ સંપ્રદાયનો એક મઠ છે. કચ્છમાં ઘણા મથકો છે. જેમાં ધીણોધરનો મઠ નાથ સંપ્રદાયના કનફટા બાવાઓનું પશ્ચિમ ભારતનું મહત્ત્વનું સ્થાનક છે. ધીણોધર એટલે ગોરખનાથના શિષ્ય ધર્મનાથની તપોભૂમિ. ઉપરાંત ગોરખપુર અને નેપાળમાં આ સંપ્રદાયના પ્રસિદ્ધ કેન્દ્રો છે. આ સંપ્રદાયના સાધુઓનાં નામના છેડે ‘નાથ’ પદ આવેલું હોઈ ‘નાથ સંપ્રદાય’ નામથી ઓળખાય છે. આમ તો મૂળ ‘નાથ’ પદ શૈવ પરંપરામાં ‘મહીશ્વર’ના અર્થમાં પ્રયોજાયેલો છે. નાથ શબ્દનો સ્પષ્ટ અર્થ ‘અનાદિ ધર્મ’ થાય છે. આ પંથ આદિનાથથી શરૂ થાય છે. પૂર્વકાળથી આ સંપ્રદાય ‘સિદ્ધિમત’ થી ઓળખાતો આવ્યો છે. તેના ગ્રંથો ‘સિદ્ધાંત ગ્રંથ’ નામે જાણીતા છે.’હઠયોગ પ્રદીપિકા’ ગ્રંથમાં આ સંપ્રદાયના યોગીઓનાં નામ છે.

આ પંથમાં ૯ મૂળનાથો છે. જે તેના પ્રવર્તકો હતા. જેમાં આદિનાથ, મત્સ્યેન્દૃનાથ, જાલંધરનાથ અને ગોરખનાથ બધી જ પરંપરાઓમાં જોવા મળે છે. આમાં ગોરખનાથ ગુજરાતમાં થયા હોવાનું મનાય છે. અને એમના સમયથી ગુજરાતમાં નાથ સંપ્રદાયનો પ્રચાર થયાનું કહેવાય છે. સરસ્વતી નદીના કાંઠે ચૌલુકય રાજા મૂળરાજના સમયમાં કંથડી નામનાં સિદ્ધ થઈ ગયા. તેઓ ગોરખનાથના શિષ્ય હતા. આથી ગોરખનાથ ૧૦ મી સદીમાં વિદ્યમાન હોવાનું જણાય છે. ગોરખનાથે સંખ્યાબંધ ગ્રંથો લખેલા. એમણે સંસ્કૃત ભાષામાં ૨૭ જેટલા ગ્રંથોની રચના કરી છે. આમાંના નવ ગ્રંથોના નામનો પ્રારંભ ‘ગોરક્ષ’ થી થાય છે. એવું કહેવાય છે કે શંકરાચાર્ય પછી ધાર્મિક ક્ષેત્રે પ્રભાવશાળી અને મહીમાવંત ધર્મપુરૂષ ગોરક્ષનાથ-ગોરખનાથ હતા. ભક્તિ આંદોલન પૂર્વે સહુથી શકિતશાળી ધાર્મિક આંદોલન તરીકે ગોરખનાથના યોગમાર્ગને ગણાવી શકાય.

ભારતની લગભગ બધી ભાષામાં ગોરખનાથ અંગે કથાઓ જોવા મળે છે. નાથ યોગીઓ રુદ્રાક્ષની માળા અને ત્રિપુંડ ધારણ કરે છે. તેમને સર્પ સાથે પણ સંબંધ છે. આમ, શિવતત્ત્વ આ સંપ્રદાયમાં પ્રાપ્ત થાય છે. ગોરખનાથને શિવનો અવતાર ગણવામાં આવે છે. ત્રિશૂળ ધારણ કરવું અને શિવરાત્રિનો ઉત્સવ ઉજવવો એ આ પંથમાં પ્રચલિત છે. કેટલાક ગોરખપંથીઓ વિષ્ણુના પણ પૂજકો છે. મુખ્યત્વે આ સંપ્રદાય યોગ ઉપર ભાર મૂકે છે. નાથ સંપ્રદાયના લોકો દત્તાત્રેયને મહાન યોગી તરીકે ગુરુ સ્થાનના અધિકારી ગણે છે. નાથ પરંપરા મુજબ મત્સ્યેન્દૃનાથને ગુરુ દત્તાત્રેયે જ નાથ સંપ્રદાયનો આદેશ આપી યોગના કઠિન પ્રકારો જણાવ્યા હતા. ગિરનાર ઉપરનું દત્તાત્રેયનું સ્થાનક સૌ પ્રથમ નાથ સિદ્ધો દ્વારા વિકસેલું જણાય છે. ગિરનારની તળેટીમાં આવેલું મૂળ ભવનાથનું મંદિર (ઈ. સ.ની ૧૨મી સદી) નાથ સંપ્રદાયનું ગુજરાતમાં આવેલું મહત્ત્વનું સ્થળ ગણાય છે. અને મહાશિવરાત્રિએ અહીં ભવનાથનો મેળો ભરાય છે. મંદિર પાસે આવેલા મૃગીકુંડમાં સ્નાન કરવાનો મહિમા મોટો છે. પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *