સમાવર્તન-દીક્ષાન્ત બોધ. જલ્પા હાર્દિક રંગપરીયા.

ગુજરાત ભારત વિશેષ સમાચાર

ભારતમાં પ્રાચીનકાલથી જ શિક્ષણને ઘણું મહત્ત્વ અપાતું આવ્યું છે. બાળકના શિક્ષણ – સંસ્કાર – કેળવણી માટે માતા પિતાના પ્રભાવ ઉપરાંત આચાર્યોનો પ્રભાવ પણ અનિવાર્ય લેખાતો. બાળકના પાલનપોષણ પછી નિશ્ચિત સમયે એનો ઉપનયન સંસ્કાર કરી એને આચાર્યોને સોંપી દેવામાં આવતો. આચાર્ય કુલમાં બ્રહ્મચારી વિદ્યાર્થી તપ અને સાધનાપૂર્વક જીવન વીતાવતો અને વિદ્યા અધ્યયનમાં તત્પર રહેતો. એ વખતમાં છાપેલા ગ્રંથો કે માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ ન હતી. બધું ગુરુમુખે સાંભળવાનું અને ગ્રહણ કરવાનું હતું. આથી ગુરુનું સ્થાન ઘણું ઊંચું હતું. ભૈક્ષાચર્યા-ભીક્ષા દ્વારા ગુરુ અને શિષ્યોનો નિર્વાહ થતો. એ વખતે જીવનની આવશયકતાઓ પણ ઝાઝી નહોતી. જે રીતે પાવડા વડે જમીન ખોદવાથી જળ પ્રાપ્ત થાય છે, તેવી રીતે ગુરુની સેવાથી જ શિષ્ય ગુરુની વિદ્યા પ્રાપ્ત કરી શકતો. આમ વિદ્યાર્થીઓને સદાચારી બનાવવા એ આચાર્ય કુલનું મુખ્ય કર્તવ્ય હતું. વિદ્યાર્થીઓના તન અને મનના સ્વસ્થ ઘડતર માટે આચાર્ય પૂરી કાળજી લેતાં.

આચાર્ય કુલમાં ૮ થી ૧૨ વર્ષ સુધી બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરી, ૨૪-૨૫ વર્ષની વયે વિદ્યાભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીનો સમાવર્તન-દીક્ષાન્ત સંસ્કાર થતો. એ પછી તે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો અધિકારી બનતો. આ પ્રસંગે આચાર્ય વિદ્યાર્થીને જીવન ઉપયોગી ઉપદેશ-બોધ આપતા કે : સદા સત્ય બોલજે, ધર્માચરણ કરજે. સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ-આળસ કરીશ નહીં. આચાર્યોને દક્ષિણા આપીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર, જેથી સંતાન ઉત્પન્ન કરીને તું તારા વંશવેલાનો છેદ થતો અટકાવી શકે. પોતાની યોગ્યતા અને સામર્થ્યના વિકાસમાં તથા સ્વાધ્યાય કરવામાં અને શીખેલી વિદ્યાનું રટણ કરવામાં ક્યારેય પ્રમાદ કરીશ નહીં. દેવકાર્યો-દેવ ઉપાસના અને પિતૃકાર્યો-માતા પિતાની અને વડીલોની સેવામાં તથા અતિથિઓના આદર સત્કારમાં તત્પર રહેજે. જે કેવળ દોષરહિત કાર્યો હોય તે જ કરજે. અમારાં કેવળ એવાં જ કાર્યોનું અનુસરણ કરજે જે યોગ્ય હોય અને સદાચરણને અનુરૂપ હોય. હંમેશા શ્રદ્ધાપૂર્વક દાન દેવા તત્પર રહેજે. જીવનમાં કોઈ બાબતમાં સંશય ઉત્પન્ન થાય તો ધર્મ – યુક્ત પરમ વિદ્વાન અને સદાચારી દ્વિજોનો આ સંદિગ્ધ બાબતોમાં શો મત છે તે જાણજે. આ મારો આદેશ, ઉપદેશ અને વેદો-ઉપનિષદોનું વિધાન છે. આજે આપણે સમાવર્તન બોધ વિસરી ગયા છીએ. સારાં અને સાચાં સ્વરૂપે તેનું પુનઃ સ્થાપન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.જલ્પા હાર્દિક રંગપરીયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *