વ્યવહારિક-પારમાર્થિક:ધર્મ. કથાકાર જીતુ મહારાજ, અમરેલી.

ધાર્મિક ભારત વિશેષ

ધર્મનો સંબંધ મનુષ્યના જીવાતા જીવન સાથે સંકળાયેલો છે. માનવસમાજ અનેક ધર્મ સંપ્રદાયોથી જોડાયેલો હોવા છતાં ધર્મનો મર્મ પામી શકયા નથી. દરરોજ આપણે ધર્મના સ્તોત્રો કે મંત્રો કે શાસ્ત્રવચનો મોઢે બોલતાં હોવા છતાં ગાઢ અંધકારથી છવાયેલા જીવનમાં પ્રકાશ મેળવી શક્યા છીએ ખરાં? આથી જે ધારણ કરે, ટકાવી રાખે, પોષણ અને બળ આપી ઉન્નત કરે તે સાચો ધર્મ કહેવાય. ધર્મ એ જીવનનો પવિત્ર નિયમ છે. ધર્મ વ્યવહારિક અને પારમાર્થિક એમ બે સ્વરૂપે જોવા મળે છે. વ્યવહારિક ધર્મમાં વિધિઓ વ્રતો ઉપાસના અનુષ્ઠાનો અને કર્મકાંડનો સમાવેશ થાય છે. તેમાં વ્યવહારિક લાભની ભાવના વિશેષ હોય છે. પારમાર્થિક ધર્મમાં પરમાર્થ સિવાય બીજી કોઈ ભાવના રહેતી હોતી નથી. પારમાર્થિક ધર્મમાં જ સત્યની તાલાવેલી અને વિવેકસૂઝ રહેલી છે. ધર્મનું ધ્યેય મનુષ્ય માત્રને કર્તવ્ય કર્મ તરફ લઈ જવાનું છે. મનુષ્યને કર્તવ્ય પ્રેમી બનાવી જીવનમાં શ્રધ્ધા પ્રગટ કરવાનું છે. જે જગતમાં તેને જીવવાનું છે તેને ‘મિથ્યા’ કે ક્ષણિક માની તેના તરફ ઉદાસીવૃત્તિ કેળવવાને બદલે તેમાં કર્તવ્યવૃત્તિ પેદા કરવાનું છે. ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ કહે છે કે કર્તવ્ય કર્મ કરતાં મનુષ્યે સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. મનુષ્યને પોતાના સ્વભાવ અને ગુણ કર્મ પ્રમાણે સંસારમાં જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તેને ‘ભગવાનની ભેટ’ ગણીને વ્યવહાર આચરવો જોઈએ. પરમાર્થની પ્રાપ્તિમાં પણ સ્વાર્થ ત્યાગ એ પાયાની બાબત છે. સ્વાર્થ વૃત્તિથી કરેલું કર્મ કદીયે ફળ આપતું નથી. આજના યંત્રયુગના સમૃદ્ધિવાળા જગતમાં મનુષ્યનો પુરૂષાર્થ ‘ધન પ્રાપ્તિ’ પાછળ જ જોવા મળે છે. પણ ધનની પ્રાપ્તિ ધર્મ દ્વારા કરીયે છીએ ખરાં? જીવનની કિતાબમાં આપણે કેટલા ખોટા હિસાબો રાખીએ છીએ તેની આત્મ – તપાસ કરવી જરૂરી છે. આપણે મંદિરની રોજ પ્રદક્ષિણા ફરતા હોવા છતાં, ધાર્મિક યજ્ઞોમાં કર્મકાંડ માટે વિધિઓ કરતાં હોવા છતાં, અનેક પ્રકારનાં વ્રત અને ઉપવાસો કરવા છતાં આપણા મનનો મેલ દૂર થયો છે ખરો? આપણા ચિત્તને પરમશાંતિ મળી છે ખરી? જીવનનો સાચો આનંદ માણવાને બદલે તેને બોજારૂપ બનાવીને ચાલીએ છીએ. કેટલાય જન્મો આ બોજા સાથે જ વિતાવ્યા છે. સમગ્ર સંસાર આપણી ભૂલો અને સારાં નરસાં કર્મોને આધારે જ ટકી રહ્યો છે. પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે જ એમાંથી મુક્તિ કે મોક્ષ મળી શકે. આ અવસર પ્રાપ્ત કરવા માટે નિ:સ્વાર્થ ધર્માચરણ કરવું પડશે. તો જ ધર્મ, કર્મ અને જીવનનો મર્મ સમજાશે. કથાકાર જીતુ મહારાજ, ધારી-અમરેલી.. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply