બાબરી ધ્વંસ વખતે અયોધ્યાથી રિપોટિંગ : એક ભયાનક અનુભવ -: વિક્રમ વકીલ

આંતરરાષ્ટ્રીય ધાર્મિક ભારત રાજનીતિ વિશેષ સમાચાર

૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી, તે સમયે અભિયાન મેગેઝિન માટે રીપોર્ટર વિક્રમ વકીલ તથા ફોટોજર્નાલીસ્ટ (હાલના તેજ ગુજરાતી ડોટ કોમના એડિટર) દિલીપ ઠાકર કવરેજ માટે અયોધ્યા ગયા હતા. તેનો આંખે દેખ્યો અહેવાલ વિક્રમ વકીલના શબ્દોમાં અહીં રજૂ કર્યો છે :

હું અને ફોટો જર્નાલીસ્ટ દિલીપ ઠાકર કવરેજ માટે છઠ્ઠી ડિસેમ્બરે વહેલી સવારે લખનૌથી નીકળી અયોધ્યા પહોંચવું હતું. મોટરરસ્તે લખનૌથી અયોધ્યા પહોંચતાં આશરે અઢી કલાક થયા. આગલી રાતે અમે ટેકસીની શોધ ચાલુ કરી. છઠ્ઠીએ અયોધ્યા જવાનું છે એ સાંભળીને જ ટેક્સીવાળાઓ ભડકતા હતા. દરેકને એવો ડર હતો કે છેલ્લી વખતની જેમ આ વખતે પણ અયોધ્યા જતાં પોલીસ અત્યાચારનો ભોગ બનવું પડે. માંડ માંડ એક ટેક્સીડ્રાઇવરને સમજાવ્યું કે આ વખતે તો હિન્દુવાદી સરકાર સત્તા પર હોવાથી કોઈને અયોધ્યા પહોંચતાં મુશ્કેલી નહીં થાય અને આમ પણ અમે તો પત્રકાર હોવાથી અયોધ્યા જતાં કોઈ રોકશે નહીં. એના દિલમાં રામ વસ્યા અને અમને અયોધ્યા લઈ જવા માટે એ તૈયાર થયો. રસ્તે પોલીસ કે સુરક્ષાદળના જવાનો અટકાવે નહીં એટલે ટેક્સીના આગળપાછળના કાચ પર પ્રેસ લખેલું સ્ટિકર લગાડ્યું. એ વખતે ક્યાં ખબર હતી કે પછીના થોડા કલાકોમાં જ પોલીસ કે સુરક્ષાદળોથી નહીં, પરંતુ કારસેવકોથી બચવા માટે પ્રેસ લખેલાં સ્ટિકરો કાઢી નાખીને સંતાડી દેવાં પડશે. છઠ્ઠીએ વહેલી સવારે લખનૌથી નીકળ્યા બાદ રસ્તે અમે કારસેવકોનાં ટોળેટોળાં મોટર, બસ અને ટ્રક મારફતે અયોધ્યા તરફ જતાં જોયાં. મોટા ભાગના કારસેવકોએ માથા પર કેસરી રંગની પટ્ટી અને ગળામાં પીળા રંગનો રૂમાલ બાંધ્યો હતો. અયોધ્યાથી છ કિલોમીટર પહેલાં ફૈઝાબાદ આવે છે.

ફૈઝાબાદ આખું કેસરિયા રંગથી રંગાયેલું હતું. ફૈઝાબાદમાં ઠેકઠેકાણે શામિયા ઊભા કરવામાં આવ્યા હતા અને કારસેવકો માટે નાસ્તા-પાણીની સગવડ રાખવામાં આવી હતી. કેટલીક મહિલાઓ ફૈઝાબાદમાં પ્રવેશનાર દરેકને માથા પર લાલ તિલક કરતી હતી. અમારી ટેક્સી રોકીને અમારાં માથાં પર અમને કંકુનાં તિલક કર્યાં. કારસેવકો ખૂબ હળવા મૂડમાં હતા અને પત્રકારો સાથે મૈત્રીભાવે વર્તતા હતા. એ વખતે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે થોડા કલાકો પછી આમાંથી કેટલાક મસ્જિદને ધરાશયી કરી દેશે. તેઓ ત્યાં ફક્ત પૂજા કરવા આવ્યા હોય એમ લાગતું હતું.
ગુજરાતથી કારસેવા કરવા માટે આવેલા કલમેશ પટેલ, ડો. પ્રવીણ તોગડિયા, હરીશ ભટ્ટ, બિમલ શાહ, સંત અવિચલદાસજી વગેરેને મળીને અમે અયોધ્યા પહોંચ્યા, તો અયોધ્યામાં કીડિયારાની જેમ માણસો ઊભરાતા હતા. દેશના દરેક રાજ્યમાંથી કારસેવકો અયોધ્યા આવ્યા હતા. દક્ષિણ ભારતમાંથી તો સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ આવી હતી. દરેક જણ જય શ્રીરામના નારા લગાવતા હતા. જોકે એમની શિસ્તબદ્ધતા દાદ દેવી પડે એવી હતી. દરેક વિસ્તારમાંથી આવેલા કારસેવકોને સંભાળવાની જવાબદારી માટે નેતા નક્કી કરવામાં આવ્યા હતા. વિવાદાસ્પદ મસ્જિદના આગળના ભાગમાં આવેલી 2.77 એકર જમીન પર કારસેવા કરવાનું નક્કી થયું હતું. આ જમીન પર ચારે તરફ દીવાલ બનાવવામાં આવી હતી અને કારસેવા માટે સ્થળે પહોંચવા માટે કેટલીક જગ્યાઓ ખુલ્લી રાખવામાં આવી હતી. કારસેવકોના પ્રવેશ માટે એક રસ્તો રાખવામાં આવ્યો હતો. કારસેવા કરવા માટે આવેલા કારસેવકોને ઓળખપત્ર આપવામાં આવ્યાં હતાં. કારસેવાના સ્થળે દરેક કારસેવકને જવાની છૂટ નહોતી. કારસેવાનો સમય બપોરે 1.10નો નક્કી કરવામાં આવ્યો હતો.

અતિઉત્સાહી કારસેવકો કારસેવા સ્થળે ધસી ન જાય એટલે એમને કાબૂમાં રાખવા માટે આર.એસ.એસ.ના સ્વયંસેવકો ખડેપગે ઊભા હતા. પોલીસ અને સુરક્ષાદળના જવાનો ઠેરઠેર ઊભા હતા ખરા, પરંતુ તેઓ તમાશો જોવા આવ્યા હોય એવું વધારે લાગતું હતું. લાખ્ખો કારસેવકોની જમવાની વ્યવસ્થા માટે ઠેરઠેર તંબુઓ ઊભા કરવામાં આવ્યા હતા. કારસેવકોનું ધાર્મિક ઝનૂન ધીમેધીમે વધતું જતું હતું. પત્રકારો માટેના પ્રવેશસ્થળ પરથી સવારે લગભગ 9 વાગ્યે અમે કારસેવાના સ્થળે પ્રવેશ્યા. દેશ-દુનિયાના 125 જેટલા પત્રકારો અને તસવીરકારોનો કાફલો ત્યાં ભેગો થયો હતો. ગુજરાતી પત્રકારોમાંથી હું અને ગુજરાતી તસવીરકારોમાંથી દિલીપ ઠાકર કવરેજ માટે સ્થળ પર હતા. બીબીસીના માર્ક તુલી, ટાઇમ, ન્યુઝવીકના રિપોર્ટરો અને તસવીરકારો, સીએનએન તેમ જ બીજાં કેટલાંક વિડિયો ન્યૂઝ મેગેઝિનના કેમેરામેનો એમની કામગીરી કરી રહ્યા હતા. કારસેવાના સ્થળે બનાવેલા મંચ પર પૂજા થઈ રહી હતી. વિહિપના સંતો ઉપરાંત મહંત નૃત્યગોપાલદાસ, અવૈદ્યનાથ, સ્વામી ચિન્મયાનંદ જેવા સંતો પણ પૂજાવિધિમાં ભાગ લઈ રહ્યા હતા.
કારસેવકોના હાકોટા વધતા જતા હતા.લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અશોક સિંઘલ કારસેવાના સ્થળે માંડ માંડ પહોંચી શક્યા. કેટલાક અતિઉત્સાહી કારસેવકો સંકુલમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ આર.એસ.એસના સ્વયંસેવકો એમને ઊંચકીને બહાર ફેંકી દેતા હતા.

માઇક પરથી વિહિપના નેતાઓ કારસેવકોને શિસ્ત જાળવવા માટે સતત વિનવણીઓ કરતા હતા, પરંતુ એમની વાત કોઈ સાંભળતું નહોતું. બપોરે લગભગ 11.45 વાગ્યે માથે પીળી પટ્ટી બાંધેલા કારસેવકો કારસેવા સ્થળે ઘૂસ્યા અને એક મોટા કદનો પથ્થર સનનન કરતો મસ્જિદ તરફ ફેંકાયો. ત્યાર પછી મિસાઇલની જેમ પથ્થરમારો શરૂ થયો. મસ્જિદની પાછલી બાજુથી કેટલાક કારસેવકો ગુંબજ પર કેસરી ઝંડા લઈને ચઢી ગયા. નેતાઓની વિનવણી, ધમકી સાંભળવા કોઈ તૈયાર નહોતું. બીજા હજારો કારસેવકોએ સ્વયંસેવકોની કોર્ડન તોડીને સંકુલ તરફ ધસારો કર્યો. કેટલાક સાધુઓ અને નેતાઓ જીવ બચાવવા માટે મંચ તરફ દોડ્યા. પત્રકારો – તસવીરકારો, હજારો કારસેવકો વચ્ચે ઘેરાઈ ગયા. અંધાધૂંધીમાં હું અને દિલીપ ઠાકર છૂટા પડી ગયા. કેટલાક કારસેવકોએ એકાએક પત્રકારો – તસવીરકારોને શોધીશોધીને ઝૂડવાનું શરૂ કર્યું. કારસેવા સ્થળની બાજુમાં એક ધર્મશાળા હતી. કારસેવકોના હુમલાથી બચવા માટે હું અને બીજા 20-25 પત્રકારો એ ધર્મશાળા તરફ દોડ્યા. મેં જોયું કે જેમની પાસે કેમેરા હતા એ તસવીરકારો અને વિડિયોગ્રાફરોને કારસેવકો આડેધડ મારતા હતા. કેટલાકના કેમેરા ઝૂંટવી લઈને તોડી નાખવામાં આવ્યા.
અમે ધર્મશાળામાં આશરો લીધો.

ધર્મશાળામાં અવિચલદાસજી મહારાજને ઊભેલા મેં જોયા એટલે એમની બાજુમાં જઈને ઊભો રહી ગયો, જેથી કારસેવકોનું ધ્યાન મારા તરફ ન જાય. ધર્મશાળામાં બહારના ભાગમાં બાબરી મસ્જિદ દેખાતી હતી. મસ્જિદ પર હજારો કારસેવકો ચઢી ગયા હતા અને કોદાળી, ત્રિકમ, લોખંડના પાઇપ વગેરે સાધનોની મદદ વડે ગુંબજો તોડવાની કોશિશ કરતા હતા. ચારે તરફ કારસેવકો ક્રિકિયારીઓ સાથે દોડાદોડ કરતા હતા. દેશવિદેશના કેટલાક પત્રકારો – તસવીરકારો ધર્મશાળાને પહેલે માળે ચઢીને ભયના માર્યા એક ખૂણામાં ઊભા રહી ગયા હતા. કેટલાકના માથા પર ઘા હતા અને એમાંથી લોહી વહી રહ્યું હતું. ત્યાં જ કેટલાક ભલા કારસેવકો અમારી મદદે આવ્યા. ધર્મશાળાની એક રૂમ ખોલીને તમામ તસવીરકારોને એમના કેમેરા રૂમમાં મૂકવાની વ્યવસ્થા કરી આપી. બહાર ઐતિહાસિક ઘટના બની રહી હતી અને અમે બહાર નીકળીને તસવીરો લેવાની કે રિપોર્ટિંગ કરવાની હિંમત કરી શકીએ એમ નહોતા. દરેક પત્રકાર – તસવીરકારને અયોધ્યા છોડીને સલામત સ્થળે પહોંચી જવું હતું.
અમારા સહિત લગભગ દરેક પત્રકારે કારસેવા સ્થળથી આશરે ત્રણ કિલોમીટર દૂર અયોધ્યા-ફૈઝાબાદ રોડ પર એમનાં વાહનો પાર્ક કર્યાં હતાં. અમારે સૌપ્રથમ તો દિલીપ ઠાકરને શોધવા હતા. એ સલામત હશે કે નહીં એની પણ કોઈ ખબર નહોતી. અમારી સાથે હતા એમાંથી નવભારત ટાઇમ્સના તસવીરકાર મનોજ છાબડાને માર મારવામાં આવ્યો હતો. જનમોરચાની મહિલા પત્રકાર સુમન ગુપ્તાનો કેમેરા તોડી નાખવામાં આવ્યો હતો. એ.પી.ના સંવાદદાતા ડગ્લાસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગામાના પત્રકાર પાબ્લોના ત્રણ કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. સહારા ઇન્ડિયાના પત્રકાર હરિકૃષ્ણ અરોરાને માર મારવામાં આવ્યો હતો.
આવા બધા સમાચાર સાંભળતા હતા એમ દિલીપ ઠાકર માટેની અમારી ચિંતા વધતી જતી હતી. બાકીના બધા પત્રકારોએ પોલીસ રક્ષણ હેઠળ ધર્મશાળા છોડી એટલે મેં દિલીપ ઠાકરની શોધ શરૂ કરી. ધર્મશાળાની બહાર પગ મૂકવામાં પણ જોખમ હતું. અમારા શરીર પર કેસરી રંગનું નામોનિશાન નહોતું એટલે અમે કારસેવકો નથી એ સમજવા માટે કોઈને ઝાઝી કલ્પનાશક્તિ કામે લગાડવાની જરૂર પડે એમ નહોતી. ધર્મશાળામાં કારસેવકોની દોડધામ ચાલુ હતી. એમાંથી ગુજરાતી દેખાતા કારસેવકોને રોકીને અમે શ્રીરામ લખેલી બે કેસરી પટ્ટીઓ લઇને અમારા માથે બાંધી. કપાળે કંકુના ચાંદલા કર્યા. મારી પાસે ફક્ત હેન્ડબેગ હતી, જેમાં ટેપરેકોર્ડર અને નોટબુક નીચેના ભાગમાં દબાવીને મૂક્યાં હતાં. ઐતિહાસિક ઘટનાનું રિપોર્ટિંગ, ડેડલાઇન, કવર સ્ટોરી, વગેરે હવે બિન અગત્યનું બની ગયું હતું. દિલીપ ઠાકર મળી જાય અને અયોધ્યા છોડીને સહીસલામત મુંબઈ પહોંચી શકીએ તો ગંગા નાહ્યા એમ લાગતું હતું. બનાવટી કારસેવક બનીને જય શ્રીરામના નારા લગાવતાં અમે ધર્મશાળાની બહાર પગ મૂક્યો. બહાર તો ઉત્સવ જેવું વાતાવરણ હતું. એક તરફ બાબરી મસ્જિદ ધરાશયી થઈ રહી હતી અને બીજી તરફ ફટાકડા ફૂટી રહ્યા હતા. કારસેવકોના કોઈ બની બેઠેલા નેતાએ નક્કી કર્યું હતું કે કોઈ પણ પત્રકારને કારસેવા સ્થળની બહાર જવા દેવા નહીં. માનવસાંકળ રચીને કારસેવકો ઠેરઠેર ઊભા રહી ગયા હતા. મસ્જિદના ગુંબજ પર ચઢીને નીચે પટકાતા ઇજાગ્રસ્ત કારસેવકોને ફટાફટ અયોધ્યા-ફૈઝાબાદની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા હતા. ઇજા પામેલા પત્રકારોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ ઠાકરની તપાસ માટે અમારે પહેલાં તો અમારી ટેક્સી સુધી પહોંચવું જરૂરી હતું. અમારો સામાન ટેકસીમાં જ હતો. દિલીપ ઠાકર જો ત્યાં ન હોય તો પછી અયોધ્યા-ફૈઝાબાદની હોસ્પિટલો, ધર્મશાળાઓ અને મંદિરોમાં એમને શોધવા પડે. કારસેવકોની માનવસાંકળ કઈ રીતે પાર કરવી એ વિશે વિચારતા હતા
રામ જાણે કેમ પણ માથે કેસરી પટ્ટી બાંધી હોવા છતાં કારસેવકોને ખબર પડી જતી હતી કે અમે પત્રકારો છીએ. કારસેવકોના એક ટોળાને વટાવીને અમે આગળ વધતા, ત્યાં જ બીજો અવરોધ આવતો. કારસેવકોને આપવામાં આવેલું કાર્ડ પણ અમારી પાસે નહોતું. એટલે અમને એક કારસેવકે અટકાવીને પૂછયું… આપકા કાર્ડ દિખાઇયે…ઊંચા, તગડા, ભયાનક દેખાતા એક કારસેવકને સમજાવી, કરગરીને અમે અયોધ્યા ગામમાં પ્રવેશી શકયા. અમારી પાર્ક કરેલી ટેક્સી પાસે પહોંચી, અમે ડ્રાઇવરને પૂછયું તો દિલીપ ઠાકર ત્યાં પણ પહોંચ્યા નહોતા. પહેલાં અમે અયોધ્યાની હોસ્પિટલોમાં દિલીપની શોધ શરૂ કરી. હોસ્પિટલોમાં વાતાવરણ અકલ્પ્ય હતું, ઇજા પામેલા કારસેવકોથી હોસ્પિટલો ચિક્કાર હતી. હોસ્પિટલની ફરસની તસુએ તસુ જગ્યાનો ઉપયોગ પણ ઇજાગ્રસ્ત કારસેવકોને સુવડાવવા માટે કરવામાં આવ્યો હતો. દરેક ઇજાગ્રસ્તને અમે નજીકથી જોવા માંડ્યા. ઇજા પામેલા કેટલાક તસવીરકારો પણ ત્યાં હતા. દિલ્હીથી આવેલો એક ફોટોગ્રાફર તૂટેલા પગે ત્યાં પડ્યો હતો. એણે લગભગ રડતાં રડતાં અમને કહ્યું કે દિલ્હીમાં એના કુટુંબીઓને અને ઓફિસે એની હાલત વિશે અમે જાણ કરી શકીએ ખરા એની પાસે દિલ્હીના ટેલિફોન નંબરો લઈ સાંત્વન આપી, અમે ફરીથી અયોધ્યાની શેરીઓમાં નીકળ્યા. અયોધ્યાના દરેકેદરેક મંદિર, ધર્મશાળા અમે ફેંદી નાખ્યાં, પરંતુ દિલીપ ઠાકર ક્યાંય નહોતા.
આ બધી શોધખોળમાં સાંજે 4.50 વાગ્યા અને દૂરદૂરથી ચિચિયારીઓ અને શંખનાદના અવાજો સંભળાયા. અમને કહેવામાં આવ્યું કે મસ્જિદનો ત્રીજો અને આખરી ગુંબજ પણ ધરાશયી થઈ ગયો છે. માનસિક તાણ અને શારીરિક થાકથી હારેલા થાકેલા અમે ફરીથી પાર્ક કરેલી ટેકસીના સ્થળે ગયા. ગમે તે ઘડીએ લશ્કરની અયોધ્યામાં કૂચ થાય અને કરફયુ નખાવાની શક્યતા પણ હતી. લખનૌ, કાનપુર અને દેશભરમાં રમખાણો શરૂ થઈ ગયાં હોવાનાં સમાચારો કે અફવા સાંભળીને અમારો ટેક્સી ડ્રાઇવર બેબાકળો થઈ ગયો હતો. કરફયુ નખાઈ જાય એ પહેલાં એણે એના કુટુંબ પાસે લખનૌ પહોંચી જવું હતું. અમને ફિકર એ હતી કે ડ્રાઇવર જો ટેક્સી લઇને નીકળી જાય તો સામાન સાથે લખનૌ પહોંચવું કઈ રીતે?
શિયાળાની ઋતુ હોવાથી અંધારું શરૂ થઈ ગયું હતું. બાબરી મસ્જિદ સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગઈ અને કલ્યાણસિંહ સરકારે રાજીનામું આપ્યું હોવાથી લાખ્ખો કારસેવકો પણ અયોધ્યા છોડીને ઘરભેગા થવા નીકળી રહ્યા હતા. અમને એવા ખબર મળ્યાં કે અયોધ્યાની હોસ્પિટલોમાં જગ્યા નહીં હોવાથી ઘણા ઇજાગ્રસ્તોને ફૈઝાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલીપ ઠાકરને જો ઇજા થઈ હોય તો કદાચ એ ફૈઝાબાદ પહોંચીને અયોધ્યાની જેમ જ હોસ્પિટલોમાં ફરીથી દિલીપ ઠાકરની શોધ આરંભી. ફૈઝાબાદની હોસ્પિટલો પણ ઇજાગ્રસ્તોથી ઊભરાઈ રહી હતી. ત્યાં પણ દિલીપ ઠાકરનો પત્તો નહોતો. અમે હોસ્પિટલમાં ફરતા હતા ત્યાં જ બહાર પોલીસવાન અનાઉન્સ કરતી હતી કે ફૈઝાબાદમાં કરફયુ જાહેર થઈ ગયો છે અને કરફયુનો ભંગ જે કોઈ કરશે એને ઠાર કરવામાં આવશે.
ટેન્શન અને હતાશાને કારણે અમારું મગજ પાગલ જેવું થઈ ગયું હતું. ભાજપના ધારાસભ્ય મિત્ર કમલેશ પટેલ ફૈઝાબાદની હોટેલમાં ઊતર્યાં હતા એની ખબર હતી. કરફયુનો અમલ શરૂ થાય એ પહેલાં એમની રૂમ પર અમે પહોંચ્યા. કમલેશભાઈ અને એમના બીજા મિત્રોએ અમારા રહેવાની વ્યવસ્થા કરી. રાત્રે 10 વાગ્યા હતા અને મગજ બહેર મારી ગયું હતું. ત્યાં જ હોટેલની લોબીમાંથી પસાર થતા કેટલાક યુવાનો દેખાયા. દેખાવમાં જેઓ કારસેવકો જેવા નહીં પરંતુ પત્રકાર જેવા લાગતા હતા. સ્વાભાવિક છે કે તેઓ સહીસલામત રીતે અયોધ્યાની બહાર નીકળી શકયા હતા. દિલીપ ઠાકરની સલામતી માટે આશાનું એક કિરણ દેખાયું એટલે હું એમની પાસે ગયો. એમની પાસેથી જાણવા મળ્યું કે બીજા કેલાક પત્રકારો અને તસવીરકારો પણ પોલીસની મદદ વડે અયોધ્યાની બહાર નીકળી શકયા છે. એમાંથી કેટલાક બે કિલોમીટર દૂર આવેલી એક હોટેલમાં રોકાયા છે. હું ત્યાં જવા નીકળી ગયો. આખા રસ્તે હું લગભગ દોડતો રહ્યો. મનમાં જાતજાતના વિચારો આવી રહ્યા હતા. ક્યારેક ક્યારેક મગજ સાવ જ બંધ પડી જતું હતું, પણ મારા પગ ઝડપથી ચાલી રહ્યા હતા. એ હોટેલ પાસે પહોંચ્યો ત્યારે હું હાંફી રહ્યો હતો. થોડે દૂરથી મેં કેટલાક લોકોને હોટેલની બહાર ઊભેલા જોયા. નજીક જઈને જોયું તો દિલીપ ઠાકર કેટલાક જર્મન પત્રકારો સાથે ઊભા હતા. અને મારા પગ અટકી ગયા.
દિલીપ ઠાકર પણ મને જોઈને સ્થિર થઈ ગયા. અમે બન્ને એકબીજાને શુબ્ધ બનીને ત્રણ-ચાર સેકન્ડ સુધી ફાટી આંખે જોતા રહ્યા. અમારા પગ જાણે જમીનમાં ખોડાઈ ગયા હતા. થોડી પળ બાદ, પથ્થર થઈ ગયેલા મગજમાં પ્રાણ પુરાયા. ઓહ, દિલીપ ઠાકર હેમખેમ છે. વિખૂટા પડી ગયેલા બે સગાભાઈઓ 25 વર્ષ બાદ અચાનક મળે અને એમને જેટલો આનંદ થાય એનાથી અનેકગણો આનંદ અમને એકબીજાને જોઈને થયો.
અંધાધૂંધી ચાલુ થઈ એટલે કારસેવા સ્થળ નજીક આવેલા સીતામઢી નામના મંદિરમાં દિલીપ ઠાકર જતા રહ્યા હતા. રાત્રે પોલીસની મદદ વડે તેઓ ફૈઝાબાદ પહોંચી શક્યા. તે વખતે હાજર દરેક પત્રકારનું માનવું હતું કે કારકિર્દી દરમિયાન આવો ડરામણો અનુભવ એમને થયો નહોતો. મારી કારકિર્દી દરમિયાન આવો કડવો અનુભવ મને કદી થયો નથી. જોકે સિક્કાની બીજી બાજુ પણ હતી. બીબીસી તેના સમાચારોમાં જે રીતે ગપગોળા ચલાવતું હતું એ જોઈ-સાંભળીને કેટલાક કારસેવકો નારાજ થયા હતા. પાંચમી ડિસેમ્બરે બીબીસીના માર્ક તુલીએ એવા ખોટા સમાચાર આપ્યા હતા કે અયોધ્યામાં કારસેવકો પર લાઠીચાર્જ થયો છે. ઉત્તર ભારતના કેટલાંક હિન્દીભાષી છાપાંઓએ પણ ગપગોળા ચલાવવા લખ્યું હતું કે અયોધ્યામાં કારસેવકો માટે ખોરાકની સગવડ નહીં હોવાથી કારસેવકો ભૂખે મરી રહ્યા છે. આમ, બીબીસી અને કેટલાંક છાપાંઓના ગપગોળાને કારણે સમગ્ર પત્રકાર આલમે સહન કરવું પડ્યું. – વિક્રમ વકીલ. સંકલન: રામજી સવાલિયા.

TejGujarati
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares
 • 28
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *