કચ્છનો અનોખો કલાકસબ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ વિશેષ સમાચાર

કચ્છ પાસે પોતાનો આગવો ઈતિહાસ, અનોખો કલાકસબ અને વિશિષ્ટ અસ્મિતા છે. કચ્છની આ ભાતીગળ સંસ્કૃતિ – હુન્નરકલા આજે તો પોતાના સીમાડાઓ ઓળંગીને વિશ્વને ખૂણે ખૂણે પહોંચી છે. કચ્છની આ કલાના કસબી કલાકારો પણ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ સ્થાન – માન પામ્યા છે. કચ્છનો આ અનોખો કલાકસબ – લોકભરત એટલે લાલિત્ય અને સૌંદર્યથી દીપી ઊઠનારું ઉત્કૃષ્ટ કોટીનું હસ્તકલાનું રંગીન નજરાણું. આ લોકકલાનાં ઉત્તમ તત્ત્વો રજૂ કરતાં આયર, રબારી, રજપૂત, જત, મુતવા, સોઢા, અને બન્નીયારો જેવી કોમોની આગવી શૈલીઓ હોય છે.

એમનો વસ્ત્રાભૂષણો અને તે ધારણ કરવાની તેમની જ્ઞાતિવાર રીતભાત તેમના તળપદા લોકજીવનના સંસ્કારને આગવી રીતે, રંગે અને રૂપે મઢે છે. કચ્છના લોકભરતમાં મોચી, બન્ની, મહાજન, આહિર, કણબી અને રબારી ભરતના કલાકસબને મુખ્ય ગણી શકાય. આ બારીક ભરતકામ નાની સોય અને આરીથી સુરતની ગજી, માંડવી અને જામનગરની અતલસ ઉપર બસરાઈ હીરના દોરાથી તેમજ ચીનાઈ રેશમથી બહુ જ નાજુક ચિત્રો જેવું લાગે છે. કચ્છના આ કલાકસબના કેટલાક નમૂનાઓ સાંકળી, આંટીઆળા, લપેટા, ટાંકા, આભલા સાથેના ભરતની વિશિષ્ટતાને લઈને જગપ્રસિદ્ધ બનેલા છે. એક સરખી ભરણી, ભરતકામની સફાઈ અને આકૃતિઓની બારીકાઈનો કલાકસબ ટોપીથી તોરણ સુધી, ઝૂલા, ઘાઘરા, કાપડાં, પાલવપટી, ચાકળા, ચંદરવા તેમજ રોજિંદા વપરાશનાં ઘણી જાતનાં વસ્ત્રો ઉપર કરવામાં આવે છે. લોકજીવનની પ્રતિકૃતિ સમા કસુંબલ રાતા, કાળા, લીલા, ભૂરા, કેસરી, જાંબલી, નારંગી, સફેદ રંગના દોરાનો વિશેષ ઉપયોગ થયેલો જોઈ શકાય છે. પ્રકૃતિના વિશાળ પટે, આનંદ – કિલ્લોલ કરતા મોર પોપટ નીલ-પાંદડીઓ વચ્ચે ખીલું ખીલું થતાં કમળ ફૂલનાં ચક્કર પણ આકૃતિઓ રૂપે આ કલાકસબમાં ગૂંથેલાં નજરે પડે છે. હસ્તકલાની આવી લોકભોગ્યતા આપણને કચ્છને ગામડે ગામડે જોવા મળે છે. અહીંના લોકજીવનનાં રોજબરોજના ગૃહશણગાર અને ગૃહવપરાશના રાચરચીલામાં અને વસ્ત્ર આભૂષણોની બનાવટમાં વિશિષ્ટ કલાકારીગરી જળવાય રહી છે.

કચ્છના છેવાડાના વિસ્તારોમાં પશુધનના ઉછેર સિવાય અન્ય કોઈ વ્યવસાય વિકસી શકયો ન હોવાથી ધાંધલ વગરના શાંત જીવનમાં તેમણે કલાકસબના અનોખા અને આગવા રંગ ખીલવ્યા છે. એ પ્રકૃતિની અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પોતીકી મોજના માનવીય સ્વભાવને ગમતા રૂડા રૂપેરા ભભકદાર રંગ, અવનવી ભાત અને કોઠાસૂઝનાં કસબની ઉમદા અને બેનમૂન ભરતકામની ભાતીગળ કલા વિકસાવી છે. આમ આ અનોખા કલાકસબની વૈવિધ્યપૂર્ણ રચના, પ્રકાર અને લાક્ષણિકતાઓ હુન્નરકલાના વૈભવ વારસાની સાંસ્કૃતિક ધરોહરને અને કચ્છની અસ્મિતાને જાળવી રહ્યા છે.પ્રાધ્યાપક રામજી સાવલિયા. ફો સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *