તુલસી : દિવ્ય ઔષધિ. ડૉ. હિતેન સુવાગીયા.

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ધાર્મિક અને ઔષધિય મહાત્મ્ય બતાવ્યું છે. આયુર્વેદના આરોગ્ય વિજ્ઞાનમાં તુલસીને અતિ પવિત્ર દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. ધાર્મિક પરંપરામાં દરેક સનાતની ધર્મી પોતાના ઘર આંગણે તુલસીનો છોડ રોપી, તેનુ પૂજન કરે છે. ધાર્મિક કર્મકાંડ, વિધિવિધાનો, પ્રસાદ કે નૈવેદ્યમાં તુલસી પત્ર હોવું પવિત્ર અને અનિવાર્ય મનાય છે. તુલસીને માતા સમાન ગણીને બહેનો તુલસી ક્યારે દીપ પ્રગટાવી, ચાંદલો કરી, તેની માળા પહેરે છે. તુલસી વિષ્ણુ પત્ની સતી વૃન્દાનું સ્વરૂપ મનાય છે. તેથી દેવદિવાળીએ ‘તુલસી વિવાહ’ નો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.

ધાર્મિક ગ્રંથોમાં તુલસીને કલ્યાણકારી, તેને ઉછેરનારાને સ્વર્ગની પ્રાપ્તિ અને રોજ પાણી પાનારા પુણ્યના ભાગી બનતા હોવાનું જણાવ્યું છે. વળી જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘર તીર્થ સમાન મનાય છે. તુલસીનાં આટલાં માન-સ્થાન અને ભક્તિભાવનું કારણ તેના આરોગ્ય રક્ષક અને રોગ નિવારક ગુણો છે. તુલસીનું ઔષધિ રૂપે જઠરાગ્નિ વારવાના ગુણને કારણે સૌથી વધુ મહત્ત્વ છે. તુલસીના પાન, દાંડી, થડ, મૂળ વગેરેમાં અનેક રોગો મટાડવાનો ગુણ રહેલો છે. સામાન્ય અને અસાધ્ય ગણાતા રોગો જેવા કે : કફ, વાયુજન્ય તાવ, શરદી, ઉધરસ, મંદાગ્નિ, અરુચિ, ઊલટી, હેડકી, આધાશીશી, માથાનો દુઃખાવો, ગળાનો સોજો, છાતી અને પડખાનો દુખાવો, ચામડીના રોગો, કરમિયાં, મુખની દુર્ગંધ વગેરે રોગો ઉપરાંત તુલસીના બીજ મૂત્રદાહ, પથરી, પૂયમેહ, રક્તસ્ત્રાવ જેવા અસાધ્ય રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે. તુલસી ઘણા પ્રકારની મળે છે. જેમાં ગ્રામ્ય તુલસી, વન તુલસી શ્વેત રામ, શ્યામ તુલસી સર્વ જગ્યાએ મળી રહે છે. રોગોના દર્દ મુજબ તુલસી રસ અને કવાથની માત્રા નક્કી કરી સારવાર કરવી હિતાવહ છે.

વર્તમાનમાં સામાન્ય રોગોમાં પણ પરદેશી, મોંઘી, અજાણી, ઝેરી દવાઓ, જે લાભ કરતા સરવાળે નુકસાન કરનારી નિવડે છે. વળી તે પાછળ રાષ્ટ્રની તન, મન અને ધનની અપાર શક્તિ અને સમય ખર્ચાઈ રહ્યા છે છતાં પરાવલંબનનો પાર નથી. તેવા સમયે પ્રજાને સાચા માર્ગે દોરવી તે સમાજ સેવકો અને આયુર્વેદમાં ડિગ્રી મેળવેલ ડૉક્ટરોનું કર્તવ્ય છે. – ડૉ. હિતેન સુવાગીયા, નિરામય ક્લિનિક, રાજકોટ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply