કર્ણાવતી : વારસો.. : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગુજરાત રાજનીતિ વિશેષ સમાચાર

આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભારે ભીલોને કાબુમાં કરવા નીકળ્યો. કર્ણદેવને આશાવલમાં જ્યાં ભૈરવ દેવીનાં શુકન થયેલાં ત્યાં કોછરબા દેવીનું મંદિર કરાવ્યું, જ્યાં ભિલ્લ પર વિજય મેળવ્યો ત્યાં જયંતિ દેવીની સ્થાપના કરી, કર્ણમુકતેશ્વરનું દેવાલય બંધાવ્યું. અહીં ઈ. સ. ૧૦૭૪ માં કર્ણાવતી નગરી વસાવી,આ નગરને શોભાવતું કર્ણસાગર તળાવ – કાંકરિયા કરાવ્યું. અને કર્ણાવતી નગરમાં રહી રાજ્ય કરવા લાગ્યો.

આ ઘટના કર્ણદેવના રાજયકાલના અંતિમ ભાગમાં બની હોવાનું મનાય છે. ઐતિહાસિક અને સાહિત્યના પુરાવા જોઈએ તો, ઈ. સ. ૧૦ ૩૦ મા અલબેરુનીએ ‘કિતાબ ઉલ હિંદ’ માં અને ઈ. સ. ૧૦૩૬મા બુધ્ધિસાગરસૂરિએ ‘નિર્વાણ લીલાવતી’ માં આશાવલનો ઉલ્લેખ કર્યો છે. ઈ. સ. ૧૦૯૪ – ૧૧૪૩માં ઉદયન વિહાર અને સાંન્તૂ વિહાર બંધાયા. ઈ. સ. ૧૨૮૪ માં મંડપદુર્ગના ઝાંઝણના સંઘે કર્ણાવતીની મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૪૦૨ માં જિનભદ્રસૂરિએ કર્ણાવતીમાં ગ્રંથભંડારો સ્થાપ્યા. આ નગર શ્રીનગર અને રાજનગર તરીકે પણ ઓળખતું. ઈ. સ. ૧૪૦૩ માં તાતારખાને પિતાને કેદ કરી પોતે સુલતાન તરીકે સત્તા સ્થાપી.

૧૧મી સદીમાં કર્ણાવતીમાં મસ્જિદ અસ્તિત્વમાં હતી. ઈ. સ. ૧૪૧૧ માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. આજના સપ્તેશ્વરના આરા પાસેથી એક ખંડિત શિલાલેખ મળેલો, જેમાં ‘કર્ણાવતી’ શબ્દ વાંચવામાં આવેલો. કર્ણાવતીનું તળ પૂર્વ દિશામાં આશાવલને સ્પર્શ કરતું, રાયપુર દરવાજાથી લઈને કાંકરિયા તળાવ સુધીનો માર્ગ સાંધતો હોય. કેલિકો મિલ, બહેરામપુરાનો નદીકાંઠા નજીકનો ભાગ પૂર્વની સમગ્ર વસાહતનો ખ્યાલ આપે છે. પૂર્વમાં ‘આશાવલ’ એ માર્ગની પશ્ચિમે જ માલપુરને આવરી લેતી ‘કર્ણાવતી’ અને ઉત્તરનો સમગ્ર વિસ્તાર તે ‘અમદાવાદ’. આ પ્રકારના સંભવને નકારી ન શકાય. આ નગરની ખૂટતી કડીઓ જોડવા માટે આ વિસ્તારોમાં પુરાત્વીય ખોદકામ થાય તે જરૂરી છે. પ્રાચીન કર્ણાવતીના ભવ્ય વારસાને ઉજાગર કરતાં કેટલાક શિલ્પ-સ્થાપત્યો, હસ્તપ્રતો જળવાયેલી છે.

રણમૂકતેશ્વર અને કર્ણમુકતેશ્વર મહાદેવના મંદિરમાં ૧૨-૧૩મી સદીના અવશેષો છે. આમ સમગ્ર રીતે જોતાં આશાવલ – કર્ણાવતીની સમૃદ્ધિ અને સૌંદર્યને તારવી લઈને અહમદશાહે અમદાવાદની રચના કરી હતી.-: પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *