અહંકારથી મુક્તિ કઈ રીતે? શિલ્પા શાહ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

વર્તમાન યુગની મોટાભાગની સમસ્યાઓનું મુખ્ય કારણ અહંકાર છે. વ્યક્તિ જયારે સફળ થાય છે ત્યારે તેનો સંપૂર્ણ શ્રેય પોતાની હોશિયારીને આપે છે, જાણે કે તેનાથી વધુ લાયક આ દુનિયામાં બીજું કોઈ છે જ નહિ. અને જો નિષ્ફળ જાય તો સ્વાભાવિક રીતે જ દોષનો ટોપલો અન્યના માથે ઢોળી પોતાના અહમની પૂર્તિ કરે છે. સમાજમાં જોવા મળતી પદ, પ્રતિષ્ઠા, પૈસા કે સત્તાની દોડ કે ભૂખ પાછળ મુખ્ય જવાબદાર કારણ અહંકાર છે. કેમ કે આ સર્વની પ્રાપ્તિ દ્વારા વ્યક્તિ પોતાની જાતને અન્ય કરતા જુદી અને ચડિયાતી સાબિત કરવા ઈચ્છે છે. અરે રોજીંદા પહેરવેશ જેવી સામાન્ય બાબતમાં અન્યથી જુદા કેવી રીતે દેખાવું? તેની જ ચિંતામાં રહે છે. અહમયુક્ત મનુષ્ય પોતાની જાતને અન્યથી અલગ સમજી સમગ્રથી છૂટો પાડી દે છે જેના કારણે તેની શક્તિ ક્ષીણ થઇ જાય છે. જેમ પાણીનું એક ટીપું સમુદ્રમાં મળી જાય તો કેટલું શક્તિશાળી થઇ જાય અને જો તે પોતાને સમુદ્રથી છુટું પાડી દે તો તેની શક્તિ નું શું થાય? એ જ રીતે અહંકાર વ્યક્તિને સર્વથી તેમ જ પરમાત્માથી વિખુટો પાડી દે છે જેના કારણે તેને નિરાશા અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. પરંતુ એ સમજી જ શકતો નથી કે મારા જીવનના દરેક દુ:ખોના મૂળમાં મારું અભિમાન રહેલું છે. અહમ એક સ્વતંત્ર અસ્તિત્વ નથી, પરંતુ પડછાયો છે. એટલે જ તો વ્યક્તિના નાશ સાથે આ પડછાયો અદ્રશ્ય થઇ જાય છે. પરંતુ વ્યક્તિ જો પોતાની હયાતીમાં જ આ પડછાયાને પોતાનાથી છૂટો કરી દે, તો જીવનની દરેક પીડામાંથી તે જીવતા જીવત મુક્ત થઇ જાય. એટલા માટે તો ધર્મશાસ્ત્રો અહંકારથી છૂટવાની સલાહ આપે છે. આવા અહમથી છૂટવા માટે એ સમજવું આવશ્યક છે કે તે આપણામાં આવે છે ક્યાંથી? જેથી તેનાથી મુક્ત થવામાં સરળતા રહે. કેમ કે કોઈ પણ બાબતથી છૂટી તો ત્યારે શકાય જયારે તે અંગેનું જ્ઞાન હોય. અહંકારના આવા સાત દરવાજા છે જ્યાંથી અહંકાર આપણામાં પ્રવેશે છે તે :
૧) દેહમય જાત:- એટલે કે ‘સ્વ’ નો ખ્યાલ. ‘સ્વ’ ના ખ્યાલ સાથે કોઈ જન્મ લેતું નથી, તે તો પાછળથી વિકસે છે.
૨) આત્મ ઓળખ:- જયારે તે પોતાનું નામ શીખે. અરીસામાં પોતાની છબીને ઓળખે તેમ તેમ તેને સમજાતું જાય કે આ ‘હું’ છું. અને આ રીતે તેનામાં હું પણું આવે.
૩) આત્મસન્માન:- પોતે કઈક કરી શકે છે તે બતાવવા તે જીવનમાં ઘણું બધું કરે છે. અથાક પરિશ્રમ કરે છે. લોકોને પોતાના તરફ આકર્ષવા માટે થતો પરિશ્રમ એ બીજું કઈજ નહિ પરંતુ આત્મસન્માનની જીજીવિષા છે. અને આવું સન્માન મળતા તેનો અહમ પોષાય છે.
૪) આત્મછબી:- આત્મછબી સામાન્ય રીતે સારા કે ખરાબ, પ્રશંસા કે ટીકામાંથી ઉદ્ભવે છે. આત્મછબીના ઉદ્ભવ માટે વ્યક્તિ સતત કઈક સારું કે ખરાબ કરતો જ રહે છે. સંત અને પાપી આ જ રીતે પેદા થાય છે.
૫) આત્મવિસ્તરણ:-“ હું અને મારું” નો વિસ્તાર વ્યક્તિ જીવનપર્યંત કરતો જ રહે છે. તેમાંથી જ રાગ-દ્વેષ જેવી ભાવના જન્મ લે છે. હું અને મારું એ બધું સારું અને બીજાનું એ પારકું અને અયોગ્ય. આમ આવા આત્મવિસ્તરણ સાથે અહંકાર તેની સીમા ઓળંગે છે અને અનેક દુર્ગુણો કે કષાયોનું સર્જન કરે છે.
૬) વિવેકબુદ્ધિ:- શિક્ષણ, સમજણ, ડીગ્રી તેમ જ બુદ્ધીમય દલીલો દ્વારા વ્યક્તિ પોતાની જાતને દુનિયામાં સ્થાપે છે અને ધીરે ધીરે અન્યને પોતાનાથી ઉતરતા કે નબળા સમજવાનું શરુ કરે છે.
૭) ઔચિત્ય:- ધીરે ધીરે યોગ્યતા હાંસલ કરવાનો પ્રયાસ કરતા કરતા, જીવનધ્યેય પ્રાપ્ત કરવા ભવિષ્યનું આયોજન કરતા કરતા અંતે કશુક એવું કરી અમર બનવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે, અહી અહંકાર માજા મૂકે છે.
મનુષ્ય જીવનમાં સતત પીડા, નિરાશા અને દુઃખોનું સર્જન કરનાર અહંકારથી છૂટવા છેલ્લા દરવાજાથી શરૂઆત કરી, ધીરે ધીરે પ્રથમ એટલે કે દેહમય જાત સુધી પહોંચવું જોઈએ કે જ્યાં સમજાય કે આ દેહ એ હું નથી. હું તો આ દેહથી સંપૂર્ણપણે અલગ અને વિશિષ્ટ છું. તે માટે નીચે પ્રમાણેના પ્રયત્નો કરવા પડે.
૧) Nobody બનીને જીવવાની ઈચ્છા કેળવવી.
૨) કોઈ પણ પ્રકારની દલીલો કે ડીગ્રી દ્વારા પોતાની જાતને સાબિત કરવાની ઈચ્છા ન રાખવી, કારણકે આજ રીતે અહમ પોષાય છે.
૩) પ્રસંશા કે ટીકામાં સ્થિતપ્રજ્ઞની સ્થિતિ જાળવી રાખવી એટલે કે પ્રશંસાથી ફુલાવું નહિ કે ટીકાથી નિરાશ ન થવું.
૪) હું અને મારાના વિસ્તારથી બચવું. વિરાટમાં તમે કશું જ નથી. વળી તમે કઈ કરી શકવા શક્તિમાન નથી. જે કઈ થાય છે તે પરમાત્માની ઈચ્છા અને શક્તિથી થાય છે. જેથી સન્માન મેળવવા કે લોકો તમારી નોંધ લે તે માટે વ્યર્થ પ્રયત્ન ન કરવા. કેમ કે આજે સારું બોલનાર કાલે ખરાબ નહિ બોલે તેનો કોઈ ભરોસો નથી. જો પ્રસંશામાં ખુશ થશો તો ટીકામાં દુખી અવશ્ય થવાશે.
૫) માત્ર સહજતાથી વિરાટમાં સમાઈ જવા તૈયાર રહેવું. તેનો પણ પ્રયત્ન ન કરવો કારણકે જન્મતાની સાથે આપણે શ્વાસ લેતા શીખ્યા નથી, તેનો ક્યારેય આપણે પ્રયત્ન નથી કર્યો કે એડવાન્સમાં પ્રેક્ટીસ નહતી કરી. જીવન કોઈ નાટક નથી કે એડવાન્સમાં રિહર્સલ કરવું પડે. જેવું મળે તેવું સ્વીકારો અને જીવો.
૬) તમારા અર્ધજાગૃત મનને ખોલો જેથી નિસ્વાર્થ પ્રવૃત્તિ થઇ શકે. પ્રાર્થના કરો જેથી પરમેશ્વરની રચનાને સમજી શકાય. સહ-અસ્તિત્વને સમજો કે બ્રહ્માંડમાં બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે. એકલાનું કોઈ મહત્વ જ નથી. જેથી પોતાની જાતને અન્યથી ઉંચી કે જુદી સમજવાની ભૂલ કદી ન કરવી.
૭) ખુલ્લા મને અન્યના મંતવ્યો સાંભળવા અને સમજવા, પોતાની ખામીઓને સ્વીકારી, બદલવાની તત્પરતા દાખવવી, અન્યની મદદ કે સેવા કરતા શીખવું. અન્યની પરિસ્થિતિને સમજી દયાળુ બનવું.
૮) આધ્યાત્મિક જ્ઞાન માટે હંમેશા તત્પર રહેવું. દરેકનું આધ્યાત્મિક સ્તર જુદું જુદું હોય છે. તે સમજી કોઈ વિષે મંતવ્ય ન બાંધવા તેમ જ અન્યના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત થવું. જ્ઞાની અને ભરોસાપાત્ર વ્યક્તિની સલાહસૂચનો સ્વીકારવા. અંતે સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરવું.
આપણામાં રહેલા અભિમાનને દૂર કરી વિનમ્ર બનવાના આ જ મુખ્ય રસ્તાઓ છે. શિલ્પા શાહ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares
 • 9
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *