? *સૌના ગુજરાતને ૧ અનુરોધ !*- નિલેશ ધોળકીયા.

ગુજરાત સમાચાર

છેલ્લા ૨/૩ દિ’ થી અમુક રાષ્ટ્રદ્રોહીઓ દ્વારા જે રીતે ગુજરાતને કલંકિત કરવાનું કાવતરું ચાલી રહ્યું છે ને મુઠ્ઠીભર અસામાજિક તત્વોના માધ્યમે પરપ્રાંતીઑને ગુજરાત બહાર જવાન મજબૂર બનાવાઈ રહ્યા છે તે નિંદનીય તથા માણસાઈ વિરુદ્ધનું અપકૃત્ય છે ! ગુજરાતના લોકો સદાય સમરસતા અને અમન, શાંતિ તેમજ ઉત્સવોમાં એકતા, સમાનતા ઈચ્છતી ઉદાર દીલ પ્રજા છે તે સમજાવવામાં સફળતા પૂર્વક, નોંધપાત્ર ચીલો ચાતરતા રહ્યા છે તેનો તાજો જ દાખલો જુઓ :

સમસ્ત ભારતની આન, બાન અને શાન સમા સાવજોના અકાળે, થયેલા અગમ્ય મોતને લઇ સમગ્ર દેશવાસીઓ શોકમગ્ન થઈ ગયા છે. એશિયાટિક સાવજોએ પૂરી દુનિયામાં ગીરનું નામ રોશન કર્યું છે. સિંહના પર્યાય બનેલા ગીરવાસી માલધારીઓ ૨૩-૨૩ સિંહના થયેલા દુઃખદ અવસાનને લઇ ઉંડો શોક વ્યક્ત કરે છે.

પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેમનું બેસણું રાખવાની પરંપરા છે. ગીરના માલધારીઓ સાવજોને પોતાના પરિવારનો સભ્ય જ ગણતા હોય છે, જેથી કુટુંબના સભ્યો એવા સાવજોના થયેલા કરૂણ મૃત્યુને લઇ વિસાવદર ગીર માલધારી સમાજ દ્વારા સાવજોના બેસણાનું આયોજન કરવામાં આવેલ છે. આ બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ, ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને પ્રથમ નવરાત્રિ, બુધવાર – તા. ૧૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન વિસાવદર બસ સ્ટેન્ડ પાસે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે !

પોતાની આજીવિકા સમાન પશુધનને મારણ બનાવી આરોગી જતા સિંહ, સિંહણ પ્રતિ પણ દિલાવરી અને અનુકંપા પ્રગટાવનાર, નરમ દિલ ગુજરાતીઓ જીવતા જાગતા પરપ્રાંતના લોકો પ્રત્યે આવું ઓરમાયું વર્તન કરે તે હરગીઝ માન્યામાં આવતુ નથી.

વિશ્વ કુટુંબ ભાવના જેમના લોહી, ઉછેર, જીવનશૈલી અને સંસ્કારમાં વણાયેલા છે તેવા મીઠડા ગુજરાતીઓ ગુજરાતની સમૃદ્ધિ અને સૌમ્યતાને રોળનારા કલંકથી બચે, જાગે અને સત્વરે સમન્વય સાધી ગુજરાતની ઉજળી છબીને વધુ પ્રજ્જવલિત કરે તે માટે સૌને બે હાથ જોડીને નમ્ર અરજ. ધન્યવાદ !

– નિલેશ ધોળકિયા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply