શું તમે 1 લાખથી વધુ પગાર મેળવવાની લાયકાત ધરાવો છો ?

ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

*ફેસ ઓફ નેશનનો પ્રજાના હિતમાં 182 ધારાસભ્યોને જાહેર પત્ર :

પ્રતિ,
વિધાનસભામાં પ્રજાના બેલી હોવાનું નાટક કરતા 182 ધારાસભ્યો.
જય ભારત સાથે જણાવવાનું કે, તમો 182 ધારાસભ્યો આ વિકાસશીલ ગુજરાતની પ્રજાની સેવા માટે વિધાનસભા સુધી પહોંચ્યા છો. જનતાની સેવા અને જનતાના વિકાસની નેમ લઇ મોટી મોટી જાહેરાતો કરીને પ્રજાને છેતરવાના કોઈ નુસખા લગભગ તમે બાકી રાખ્યા નથી. પ્રજાને દેખાડવા મીડિયાના કેમેરા આગળ તમારા દ્રારા થતા નાટકો ખરેખર અદ્ભૂત હોય છે. આ નાટકોને પ્રજાને મૂર્ખ બનાવવા બદલ ઉત્તમ એવોર્ડથી ચોક્ક્સ સન્માનિત કરવા જોઈએ. એક તરફ પ્રજા છેલ્લાં ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી પીડાઈ રહી છે અને બીજી બાજુ વિધાનસભામાં સત્તાધારી પક્ષ તથા વિરોધ પક્ષની સાંઠગાંઠ કરીને તમે અધધ પગાર વધારો કરી લીધો. યાદ કરો એ દિવસો જ્યારે બે હાથ જોડીને તમે પ્રજા પાસે મતની ભીખ માંગવા જતા હતાં અને આજે તમે લાખ્ખોનાં પગારદાર થઈ ગયા છો. છેલ્લાં ઘણાં સમયથી અમારાં આ ગુજરાતમાં યુવાનોને રોજગારી મેળવતા આંખે પાણી આવી રહ્યાં છે. એમબીએ, બીએડ, બીકોમ, એન્જીનીયરીંગમાં લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને શિક્ષણ મેળવતી આજની યુવા પેઢીને માત્ર 5 થી 10 હજારની નોકરીથી સંતોષ માની લેવો પડે છે. તેઓમાં આવડત અને શૈક્ષણિક ક્ષમતા હોવાં છતા યોગ્ય પગાર કે પદ મળતાં નથી અને તમે એક જ દિવસમાં 1 લાખથી વધુ રકમના પગારદાર બની ગયા છો તે વાત તમે જેને મૂર્ખ ગણો છો તે પ્રજાને સમજાતી નથી. સામાન્ય રીતે કોઈ કંપનીમાં નોકરો કે કારીગરોનાં પગાર વધારવાની સત્તા તેમનાં માલિકોનાં હાથમાં રહેલી છે પરંતું અહિં તો તમારા પગાર વધારો કરવાની સત્તા તમારાં જૂથમાં જ રહેલી છે. તમે જયાં બેસો છો તે વિધાનસભામાં પ્રજા સર્વોપરી છે, છતાં પ્રજાના હાથમાં કાઈ નથી. તમે જે રીતે બે હાથ જોડીને વચનો આપી મતોની ભીખ માંગવા આવ્યાં હતાં ત્યારે તમે ખરેખર પ્રજાકીય કામો કરશો તે આશાએ તમારી ઉપર વિશ્વાસ મુકીને મત આપીને વિધાનસભામાં મોકલ્યા હતાં પરંતું તમે ત્યાં પહોંચીને પ્રજાને ભૂલી પોતાના પગાર વધારાના નિર્ણયો લઇ લીધાં. આખરે પ્રજાને મૂર્ખ બનાવી પ્રજાની પરવાનગી વિના તમે પગાર વધારો ભલે મેળવી લીધો પણ શું તમે ખરેખર એ પગાર વધારો મેળવવાને લાયક છો ખરાં ? આ સવાલ તમારાં અંતરમનને પૂછશો તો ચોક્ક્સ જવાબ ‘ના’જ આવશે. જો કે તમોને અંતરમન જેવું કાઈ હોત તો તમે પગાર વધારો લીધો જ ન હોત. તમે પ્રજાના ટેક્સમાંથી પગાર સ્વરૂપે મસમોટી રકમ સેરવી લો છો ત્યારે તમોને પ્રજાના સેવક કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. સેવક એટ્લે વેતન વીના કાંઇ પણ મેળવવાની ઇચ્છા કે લાલચ રાખ્યા વીના કામ કરનાર વ્યક્તિ. જેથી તમે આ વ્યાખ્યામાં આવતા ન હોવાથી પ્રજાના સેવક ક્યારેય કોઈને કહેતાં નહીં કે ક્યાંય લખાવતા પણ નહીં. સેવકો હંમેશા પોતાની ઇચ્છાએ સેવા કરવા આવતા હોય છે. કોઇના દબાણથી કે પૈસા મેળવીને કરવામાં આવતાં કાર્યો સેવા નથી કહેવાતી. આજે રાજ્યની પ્રજાને પોતાના બાળકો ભણાવવા લોઢાના ચણા ચાવવા સામાન બની ગયું છે છતાં પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યાં પછી પણ તેને યોગ્ય નોકરી મળી શકતી નથી. વિકાસના નામે દિવસે દિવસે કથળતી જતી પરિસ્થિતિઓ વચ્ચે તમારાં રાજ્યનું યુવાધન હવે વિદેશ તરફ વળવા લાગ્યું છે. અહી જન્મભૂમીમાં તેને પોતાનુ ભવિષ્ય શૂન્ય જણાઈ રહ્યુ છે તેથી જ તે ઇચ્છા ન હોવાં છતા પોતાની જીંદગી પાટા ઉપર લાવવા વિદેશ જઇને સ્થાયી થવાનું પસંદ કરે છે કેમ કે ત્યાં તેને તેનાં પ્રમાણમાં યોગ્ય વળતર વાળી નોકરી મળી શકવાની ખાત્રી છે. જ્યારે અહી તમારાં જેવા ધારાસભ્યોનાં લીધે શિક્ષિત બેરોજગારો તમારાથી શુ આશા રાખે તે એક સવાલ છે. તમે કેટલા ભણેલા છો ?, તમારામાં કેટલી આવડત છે ?, તે જોતાં તમે 1 લાખથી વધુ પગારની લાયકાત ધરાવો છો ખરાં ? જગતનો તાત ખેડૂત અને આવતીકાલનું ભવિષ્ય બનવા જઇ રહેલો વિદ્યાર્થી તમારી નીતિરીતિથી હેરાન પરેશાન બની તૌબા પોકારી ઉઠ્યો છે છતા તમારાં પેટનું પાણી ક્યાં હાલે છે. વિધાનસભાનું સત્ર જાણે કે તમારાં પગાર વધારાને કારણે જ બોલાવવામાં આવ્યુ હોય તેવું લાગી રહ્યુ છે. વિરોધ પક્ષ અને અપક્ષમાં બેઠેલા ધારાસભ્યો તમને શરમ આવવી જોઈએ કે સત્તાધારી પક્ષે કરેલી જાહેરાતનો પ્રજાના હિતમાં વિરોધ કરવાને બદલે હર્ષભેર તમે તેને વધાવી લીધી. પ્રજા તમારી ઉપર હવે કેમ વિશ્વાસ રાખે ? વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવામાં તમે સદંતર નિષ્ફળ નીવડ્યા છો એટ્લે હવે વિરોધના દેખાવડાઓ બંધ કરી થાય તો પ્રજાના કામો કરો નહીતો તમે સત્તાધારી પક્ષ જેવી જ નીતિરીતિ અપનાવતા હોવ તો તમારી પ્રજાને શુ જરૂર છે ? આમ તો લખવા જઇએ તો ઘણું લખાય તેમ છે પરંતું અંતમાં હવે, ‘પગાર મેળવ્યા બાદ તમારાં માં-બાપ, બાળકોને માથે હાથ મુકી તેમને સાક્ષી રાખી નીતિથી પ્રજાની ખરાં અર્થમાં સેવા કરીશું એવો સંકલ્પ લેશો અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરશો તેવી આશા સાથે પત્રને સમાપ્ત કરીએ છીએ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *