મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ સમાચાર

વર્તમાન ભારતના ઘડવૈયાઓમાં અને મહાન રાષ્ટ્રીય પુરુષોમાં મહત્ત્વના સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિષ્ઠિત થયા હતા. આપણે આપણા રાષ્ટ્રીય નવ પ્રસ્થાનની દ્રષ્ટિએ અને આપણી ભાવિ ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો લોખંડી વાસ્તવવાદી એવા સરદાર પટેલે આપણા રાષ્ટ્રીય ઈતિહાસની સૌથી વધુ ગંભીર કટોકટીના સંધિકાળે જે નેતૃત્વ આપ્યું તેના પરિણામે જ આપણી રાષ્ટ્રીય એકતા વિકસાવવાની ભૂમિકા રચાઈ છે. સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય અસ્મિતાના વિકાસના મહાન રાજપુરુષ અને દેશભકત હતા.

દરેક જાતની કૃત્રિમતાથી દૂર, સપાટ સાદગી તેમની સહુથી મોટી વિશેષતા હતી. આ કારણે જ એમના સંપર્કમાં આવનાર જનોના મન પર હૃદયંગમ અને ચિરંજીવ અસર પડતી. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકાર્યની મુલવણી ઘણું કરીને એમણે ભારતનાં એકીકરણ કરવાના ભગીરથ કાર્યને વિશેષ અનુલક્ષીને કરવામાં આવે છે. પરંતુ તેઓએ ભારતના વિવિધ પ્રશ્નો જેવા કે કોમવાદ, ઉદ્યોગ અને મજૂર, સ્વરાજ્ય, ધર્મ, લશ્કરી કર્તવ્ય વગેરે ઉપર જે મનનીય વિચારો રજૂ કરેલા, જેમાં એમની ઊંડી અને વ્યાપક સમજ તથા તેમના ઉકેલ માટેની સૂક્ષ્મ દ્રષ્ટિ દેખાઈ આવે છે. સરદાર શ્રીના પત્રોમાં એમની એક સાચા, વ્યવહારુ, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ અને સન્નિષ્ઠ પ્રજા સેવક-રાષ્ટ્રીય સેવક તરીકેની પ્રતિભા ઉપસી આવે છે. આજે કેટલાક વિધ્ન સંતોષી પરિબળો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઈતિહાસના પાનાંઓ પરથી ભૂસીં નાંખવાના પ્રયત્નો કરે છે. પરંતુ એમણે એ વાત યાદ રાખવી પડશે કે સરદાર તો સમગ્ર ભારતની જનતાના હૃદયમાં સ્થાન પામ્યા છે. સૂર્ય સામે ધૂળ ફેંકવાથી સૂર્યનું તેજ ઓછું થતું નથી. અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલની બુદ્ધિ પ્રતિભાએ અને રાજકીય વિચક્ષણતાએ ભલભલા માધાંતાઓને નમાવ્યા-મહાત કર્યા હતા. સરદાર શ્રીએ આપણને એક અખંડ રાષ્ટ્રની ભેટ આપી છે. આ અખંડ રાષ્ટ્રને ફરીવાર અસ્તવ્યસ્ત બનાવવા માટે જે પરિબળો મથી રહ્યાં છે, એમને જાકારો આપવો એ દરેક રાષ્ટ્ર પ્રમીનું કર્તવ્ય છે. સરદારશ્રી પ્રત્યે જેમને આદરભાવ હોય તેઓ એને આ રીતે જ વ્યકત કરી શકે. સરદારે જેમ જાત માટે કશું માગ્યું નહોતું તેમ એક દસકા સુધી જાત માટે કશું ન માગનારા અને રાષ્ટ્રને સમર્પિત થનારા લોકો આપણને મળશે. તો જ આ દેશ અખંડ રહી શકશે. દેશ આખો જેનામાં વિશ્વાસ મૂકે એવો એક જ પક્ષ બધે ઊભો થઈ જાય એવું રાષ્ટ્ર જીવન અત્યારે આપણને જોવા મળે છે.

આ છિન્નભિન્નતામાંથી આપણે બચવું હોય, તો સરદારના ગુણો – કાર્યોને યાદ કરીને એ ગુણો-કાર્યો રાષ્ટ્ર જીવનમાં ઉતારવા માટે સૌએ મથવું જોઇએ. ખાસ કરીને યુવા પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ જીવનને ધ્યાનમાં રાખીને અખંડ ભારતની ખેવના કરે, અખંડ ભારત સર્જે અને ભારત અખંડ રહ્યા કરે એવી પરંપરાઓ પણ સર્જે એવો સંકલ્પ, મહાન રાષ્ટ્ર પુરુષ સરદાર પટેલની વિશ્વ કક્ષાએ ભારતીય અસ્મિતાને ઉજાગર કરતી પ્રતિભા – પ્રતિમાના અનાવરણ પ્રસંગે કરીએ. પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા- સંકલન દિલીપ ઠાકર.

TejGujarati
 • 27
 •  
 •  
 •  
 •  
 •  
  27
  Shares
 • 27
  Shares