મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ વિશેષ સમાચાર

એક દૂરંદેશી અને બધી રીતે ગુણવાન રાષ્ટ્રીય પુરુષ તરીકે સરદાર પટેલનું જીવન સદાય કીર્તિમાન રહેશે. તેઓ માનતા કે કોઈ પણ ભોગે દેશ અને સમાજના હિતોને નુકશાન ન થવું જોઈએ. તે માટેની કુશળ ચાણક્ય નીતિ તેમનામાં હતી. આઝાદીની લડતોનું સંચાલન કરવામાં, તેમજ આઝાદી બાદ અનેક દેશી રાજા રજવાડામાં વહેંચાયેલા ભારતને એક કરવામાં સરદાર પટેલને સફળતા મળી છે. આ સફળતા તેમની નિ:સ્વાર્થ રાષ્ટ્રભક્તિ, વિચક્ષણતા અને સુદ્રઢ ચારિત્ર્યબળને આભારી હતી. લોકોએ તેમની આ સિધ્ધિને સન્માન પત્રો દ્વારા સન્માનિત કરી છે. ગાંધીજીની જેમ સરદારશ્રીએ લોકહૃદયમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. આઝાદી પહેલાં અને પછી સરદારશ્રીને તેમના વ્યક્તિત્વ અને કાર્ય અનુસાર અનેક માનપત્રોથી નવાજવામાં આવ્યા હતા.

આ સન્માન પત્રોના વિષય વસ્તુમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેની સરદારની ભૂમિકા, બોરસદ, બારડોલી અને નાગપુર સત્યાગ્રહોમાં સરદારશ્રીનું યોગદાન, ભારતના અગ્રગણ્ય આગેવાન તરીકે સરદારની પ્રતિભા, સરદારનું જન્મસ્થળ, વ્યવસાય, જાહેરજીવન, રાજકીય, કૌટુંબિક, સામાજિક જીવન વગેરે અંગેની વિગતો ઉપરાંત સરદારના ગુણો, દેશના એકીકરણમાં તેમની ખુમારી, તેમની સમાજ સેવા અને રચનાત્મક કાર્યો જેવી અનેક બાબતોની આ માનપત્રોમાં ચર્ચા થયેલી છે. આ સન્માનપત્રોનું મહત્ત્વ અનેક રીતે મૂલવી શકાય. સરદારશ્રીનું વ્યક્તિત્વ અને કાર્યો, સિદ્ધિઓ, વિવિધ શહેરોની મુલાકાતો, જે તે શહેરનું ઐતિહાસિક, વ્યાપારિક કે ઔદ્યોગિક મહત્ત્વ, સ્થાનિક રાષ્ટ્રીય સમસ્યાઓ, માનપત્ર આપનાર વ્યક્તિ કે સંસ્થાની વિગતોની પ્રમાણભૂત માહિતી મળે છે. જેને આધારે સરદારશ્રીના બહુમુખી પ્રતિભાના વિવિધ પાસાની જાણકારી મેળવી શકાય છે.

સરદારશ્રીને ઈ. સ. ૧૯૨૭ થી ૧૯૫૦ દરમિયાન ભારતના વિવિધ પ્રદેશોમાં સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યો, ગુણો, ઊંડી દેશદાઝ ઉપરાંત તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને પ્રસંગોપાત લગભગ ૮૫ જેટલા માનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા સરદારના વિરાટ વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares