ક્રાંતિનાયક શ્યામજી કૃષ્ણ વર્મા :

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ

ક્રાંતિનાયક શ્યામજી કૃષ્ણ વર્મા : તેઓનો જન્મ ૧૮૫૭માં કચ્છના માંડવીમાં થયો હતો. પાંચ વર્ષે શ્યામજીએ ગામઠી શાળામાં અભ્યાસ કર્યો. શ્યામજીના મુખે સંસ્કૃત પાઠ સાંભળી મથુરાદાસ લવજી શેઠે તેમને મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં ભણવા મૂકયા. અહીં અંગ્રેજી સાથે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં જોડાયા. ઈ. સ. ૧૮૭૪માં મુંબઈમાં દયાનંદ સરસ્વતીની મુલાકાત બાદ તેમની શિક્ષા-દીક્ષાથી શ્યામજીમાં ક્રાંતિના બીજ રોપાયા. આ સમય દરમિયાન આર્ય સમાજના પ્રચાર માટે શ્યામજી કૃષ્ણ વર્માએ લાહોર, બનારસ, મુંબઈ, અમદાવાદ, સુરત, નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરીને પ્રવચનો આપ્યાં. ઈ. સ. ૧૮૭૯માં ઈંગ્લેન્ડ ગયા. અત્યંત કષ્ટ વેઠી જ્ઞાનની ઉપાસના શરૂ કરી. ઓક્સફર્ડની બેલિયન કૉલેજમાં સંસ્કૃત શીખવવા લાગ્યા. ચાર વર્ષ બાદ બેરિસ્ટરની પદવી લઈ સ્વદેશ પરત આવ્યા. રતલામ રાજમાં દીવાન તરીકે ૧૦ વર્ષ અને ઉદેપુર રાજમાં સલાહકાર તથા જુનાગઢના દીવાન તરીકે કામ કર્યું. આ દરમિયાન અંગ્રેજોની ગુલામી અને હકૂમતમાંથી ભારતને મુક્ત કરવા કટિબદ્ધ થયા. લોકમાન્ય ટિળકની સલાહથી લંડન વસ્યા. અહીં આઝાદીની ચિનગારી જ્વલંત કરી. ૧૯૦૫માં ‘ઈન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી ને તેઓ પ્રમુખ બન્યા. તેમણે ‘ઈન્ડિયન સોશયોલોજિસ્ટ’ નામે અખબાર શરૂ કર્યું. યુરોપમાં આ પ્રથમ અખબાર હતું. ઈંગ્લેન્ડમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાણા પ્રતાપ, શિવાજી, અર્જુન નામે શિષ્યવૃત્તિ જાહેર કરી. શ્યામજીના લંડન સ્થિત મકાનનું નામ ‘ભારત ભવન’ રાખ્યું. જયાં સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિ ચાલતી. સરદારસિંહ રાણા સાથે મળી ઈન્ડિયા હાઉસમાં વીર સાવરકર, અય્યર તેમજ ભારતીય નાગરિકો, વિદ્યાર્થીઓ ભેગા મળીને ‘આપણે આઝાદીના જંગની પ્રતિજ્ઞા લઈએ’ એવા પડકાર સાથે ઉજવણી કરી. ઈ. સ. ૧૯૦૯ બાદ ઈંગ્લેન્ડમાં શ્યામજી પર દબાણ વધતાં તેઓ પેરિસ ગયા. અહીં સરદારસિંહ રાણા અને ભિખાઈજી કામાના સહયોગથી ‘વંદે માતરમ્’ તથા ‘ઈન્ડિયન સોસિયોલોજિસ્ટર’ નામે મુખપત્ર શરૂ કર્યું. તેઓના મૃત્યુ(૩૧ માર્ચ, ૧૯૩૧) બાદ અંતિમ ક્રિયા વિદેશમાં જ થઈ હતી. તેમના અસ્થિનું માતૃભૂમિમાં વિસર્જિત થાય તો એમને મુક્તિ મળશે એ સ્વપન હતું. ભારતે ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવી, પરંતુ એમના અંતિમ સ્વપ્નની કોઈએ દરકાર કરી નહિ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગસ્ટ – ૨૦૦૩માં સ્વયં સ્વિત્ઝર્લેન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્ને સાકાર કર્યું. ૪ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ

મુખ્યમંત્રીશ્રીએ ‘સ્મૃતિ તીર્થ’ નો પાયો નાખી, ૧૩ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી, શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન અને સમય પુનઃ જીવિત કર્યું. આમ, કચ્છ – માંડવી ખાતેનું ક્રાંતિ તીર્થ એ સ્વતંત્રતા સંગ્રામના અનેક મહાપુરુષોને શ્રધ્ધાંજલિ આપતું સ્મૃતિ સ્થળ બની ગયું. ઈન્ડિયા હાઉસ કે જે ભારત સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક સમું છે તેને ક્રાંતિ તીર્થ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું.- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા- સંકલન-દિલીપ ઠાકર.

TejGujarati
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares
 • 17
  Shares

Leave a Reply