પ્રાચીન ગરબા -ગરબી-રાસ:- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત વિશેષ

પ્રાચીન ગરબા ભક્તિ પ્રધાન હતા. શકિતની આરાધના તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમૂદાય સહજતાથી ગાઈ શકે તેવાં લોકઢાળનાં વૃંદગીતો હોય છે. પ્રાચીન ગરબા, ગરબી, રાસમાં ચંદ બરાઈથી દયારામ અને વલ્લભ ભટ્ટ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ થાય છે.

આ રચનાઓના ઢાળ અને ગાવાની પધ્ધતિ એ તો ગુજરાતની અનેરી દેન છે. ગરબો ગાતાં ગરબામય થઈ જતી, આડંબર કે કૃત્રિમતા વગર ભાન ભૂલી ઘૂમનાર ગુજરાતણ માટે અનેક પ્રાચીન ગરબા – ગરબી-રાસ લખાયાં છે. સોલંકીયુગમાં પ્રાચીન પાટનગર પાટણમાં નવરાત્રીનું પર્વ ઉજવાતું હોવાનું હેમચંન્દ્ચાર્યે દ્વયાશ્રય મહાકાવ્યમાં નોંધ્યું છે.

સલ્તનતકાળમાં ભાલણ ત્રવાડીએ સપ્તશતીનાં પદો રચ્યાં હતાં. મુઘલકાળમાં ભાણદાસે ૭૧ ગરબાઓની રચના કરેલી. જેમાં નૃસિંહજી અને હનુમાનજીની ગરબી – હમચી મુખ્ય છે. મરાઠાકાળમાં થયેલા ભક્ત કવિઓમાં નાનો અને અંબારામે માતાજીના સંખ્યાબંધ ગરબા – ગરબી લખ્યાં હતાં. જે અપ્રગટ છે. કવિ ભગવાને રામાયણનો ગરબો અને શોભામાજી હરિદાસે નવરાત્રીના ૧૫ ગરબા રચ્યા. અમદાવાદના હરગોવિંદ ભટ્ટ (૧૮૦૪-૧૮૪૧)નાં ગરબા-ગરબી જાણીતાં છે. કવિ દયારામ (૧૭૭૭-૧૮૫૩)નાં ચંડીપાઠના ગરબા તથા સોલંકીનો ગરબો લોકપ્રિય છે. બ્રિટિશકાળમાં કેફના ગરબાની ચોપડી પ્રગટ થયેલી.

રણછોડજી દીવાનના ચંડીપાઠના ગરબા, સહજાનંદ સ્વામીના ભક્ત કવિ દેવાનંદ (૧૮૦૩-૧૮૫૪) ની રચેલી ગરબીઓ પ્રસિદ્ધ છે. વિશ્વનાથ નાગર(સં. ૧૮૬૨)નો કાનુડાનો ગરબો, કૃષ્ણરામ(૧૮૧૮)નો કલિયુગનો ગરબો અને નારીનો ગરબો, યદુરામ(૧૮૪૪)ના ‘અંબાજીનો પરચો’ નામે ગરબામાં અમદાવાદના શેઠશ્રી હેમાભાઈ અને હઠીભાઈ શેઠના નામ આવે છે. આ કવિઓના ગરબા-ગરબીઓ એટલે ગુજરાતને ચોક અને આંગણે આવેલાં ‘કાવ્યફૂલ’. અમર અને કદી ન કરમાય તેવાં. તેથી જ આ રચનાઓ જીવે છે અને જીવંત રહેશે. તે ગુજરાતણની જીભે બેઠા છે, કંઠે ટહુકે છે અને હૃદયમાં ગૂંજે છે.

નવા યુગે ઢાળનાં મિશ્રણ ઉપજાવ્યાં. નવા અંતરા અને નવી સાખી પ્રયોજી. પરંતુ પ્રાચીન ગરબા – ગરબી-રાસની સુંદર, મધુર અને સુગેય ઢાળની વિપુલ સંપત્તિ ભાગ્યે જ કોઈ બતાવી શક્યું છે. આમ, ગરબા -ગરબી-રાસ ગુજરાતી ભાષા બોલાશે ત્યાં સુધી વંચાશે ને ઝીલાશે અને વિશ્વ સ્તરે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં રહેશે. – પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા- સંકલન-તસ્વીર-દિલીપ ઠાકર

TejGujarati
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares
 • 29
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *