રાહુલ ગાંધી વિશે ??

સમાચાર

રાહુલ ગાંધીની રાજકીય આવડત વિષે ભલે શંકા હોય, પરંતુ તેમની લોકતંત્રમાંની નિષ્ઠા શંકાતીત છે એ તેમણે સાબિત કરી આપ્યું છે
રમેશ ઓઝા

સુખદ આશ્ચર્ય. દાદ આપવી પડે એવું આશ્ચર્ય. રાહુલ ગાંધી શાલીન માણસ છે એની તો જાણ હતી, પરંતુ લોકતંત્રમાં આટલી નિષ્ઠા ધરાવે છે એની જાણ નહોતી. નેટફ્લીક્સ દ્વારા પ્રસારિત થઈ રહેલી વેબ સીરીઝ ‘સેક્રેડ ગેઈમ્સ’માં રાજીવ ગાંધીને અપમાનજનક શબ્દ ‘ફટ્ટુ’ (ડરપોક) તરીકે ઓળખાવવામાં આવ્યા છે. નવાજુદ્દીન સીદ્દીકી આ પ્રકારનો ડાયલોગ રાજીવ ગાંધી માટે બોલે છે.

સ્વાભાવિકપણે આપણે ત્યાં વિવાદ પેદા થયો હતો અને રાજીવ સિન્હા નામના કોલકતાના એક કોંગ્રેસી નેતાએ અદાલતમાં વેબ સીરીઝ પર પ્રતિબંધ મુકવાની અથવા સંવાદ રદ કરવાની માગણી કરી હતી. રાહુલ ગાંધીને જ્યારે આની જાણ થઈ ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અભિવ્યક્તિની તેમજ બીજી દરેક પ્રકારની સ્વતંત્રતા નાગરિકોનો મૂળભૂત લોકતાંત્રિક અધિકાર છે એટલે તેને હણવાનું ન હોય.

એ પછી તેમણે કહ્યું હતું કે મારા પિતા દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે મૃત્યુ પામ્યાં છે એટલે કોઈક કાલ્પનિક કથા કે ચરિત્ર તેમને નુકસાન પહોંચાડી શકે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. રાહુલ ગાંધીના આ ટ્વીટને જોઇને લોકો દંગ રહી ગયા છે. પેલા કોંગ્રેસીએ ફરિયાદ પાછી ખેંચી લીધી છે. આજે જ્યારે વાતે વાતે લોકોનું દિલ દુભાય છે અને કહેવાતા ભક્તો કે સમર્થકો રસ્તા પર ઉતરી પડે છે ત્યારે રાહુલ ગાંધીનું આવું વલણ સુખદ આશ્ચર્ય પમાડે છે. રાહુલ ગાંધી સીધા જવાહરલાલ નેહરુના વારસદાર સાબિત થયા છે. આટલી સહિષ્ણુતા તો કદાચ નેહરુ પણ નહોતા ધરાવતા.

કોંગ્રેસ પ્રમુખ તરીકે કે રાજકીય નેતા તરીકે રાહુલ ગાંધી કેટલું કાઠું કાઢશે એ આપણે જાણતા નથી, પરંતુ તેમણે વારંવાર એ વાત સાબિત કરી આપ્યું છે કે તેઓ ઉમદા માણસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તેઓ વડા પ્રધાનપદના ઉમેદવારને શોભે નહીં એ રીતે રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતા હતા. બીજેપીના સાયબર સેલે અને ટ્રોલ્સે રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ઓળખાવવાનું શરુ કર્યું હતું અને અભદ્ર મજાક કરવામાં આવતી હતી અને આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ છે. રાહુલ ગાંધીને એક નમાલા તેમજ ગતાગમ વિનાના નેતા અને કોંગ્રેસ પરના બોજ તરીકે ઓળખાવવામાં આવતા હતા. રાહુલ ગાંધીએ એ બધા અપમાનો ધીરજપૂર્વક સહન કર્યા હતા અને ક્યારેય બીજેપીના નેતાઓ પર અભદ્ર પ્રહારો નહોતા કર્યા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ પ્રચાર કરતા હતા ત્યારે એક સભામાં કોઈએ નરેન્દ્ર મોદી વિષે ન શોભે એવી ભાષા વાપરી હતી. રાહુલ ગાંધીએ તરત જ તેમને વારતા કહ્યું હતું કે કોંગ્રેસના કોઈ નેતા કે કાર્યકર્તાએ હલકી ભાષા વાપરવાની નથી. એટલે તો ગયા ડિસેમ્બર મહિનામાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પ્રમુખ તરીકેની તાજપોશી વખતે તેમના માતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે માણસનો આત્મવિશ્વાસ તોડી નાખે એવા નિમ્ન સ્તરના અને ઝેરીલા રાજકારણના યુગમાં રાહુલ ધીરજ ગુમાવ્યા વિના ટકી શક્યો એનો મને સંતોષ છે. આ શબ્દોનો અર્થ સમજવો હોય તો માતાની ભૂમિકાએ જવું જોઈએ. સર્વત્ર પપ્પુ તરીકે ઠઠ્ઠા કરવામાં આવતી હતી ત્યારે એક માતા તરીકે તેમને કેવું દુખ થતું હશે તેની કલ્પના કરી જુઓ.

તમે એક વાત નોંધી? છેલ્લા ચાર વરસમાં રાહુલ ગાંધીએ એક પણ વાર રાજકીય નેતા તરીકે આપણે આફરીન થઈ જઈએ એવી કોઈ સિદ્ધિ બતાવી નથી અને છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પપ્પુ સતાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ મોઢું ખોલે છે ત્યારે તેઓ રાહુલ ગાંધી પર પ્રહારો કરે છે. કોંગ્રેસનો ઈતિહાસ ઉખેળે છે અને કોંગ્રેસના નામે દેશની પ્રજાને ડરાવે છે. જે માણસનો ૨૦૧૪માં નામ લઈને ઉલ્લેખ કરવામાં નહોતો આવતો એનું અત્યારે નામ લેવું પડે છે એવું કેમ બન્યું? નામ નહીં લેવું એ પણ અપમાનનો એક પ્રકાર છે. જેણે હજુ સુધી કોઈ મોટો મીર માર્યો નથી એનાથી વડા પ્રધાન ડરે છે. આવું કેમ બની રહ્યું છે?

આનો જવાબ સમજવા જેવો છે. મીર તો બેમાંથી કોઈએ નથી માર્યો. નરેન્દ્ર મોદી રાજકીય નેતા તરીકે મોટું કાઠું ધરાવે છે એ વાત સાચી, પરંતુ વડા પ્રધાન તરીકે તેઓ સરિયામ નિષ્ફળ નીવડ્યા છે. બીજી બાજુ તેમની ભાષા વડા પ્રધાનને શોભે એવી શાલીન નથી હોતી એ પણ પ્રજાને સમજાઈ ગયું છે. આ બાજુ રાહુલ ગાંધી જેવા છે એવા પ્રગટ થાય છે અને નિતાંત શાલીનતા સાથે પ્રગટ થાય છે. ટૂંકમાં રાજકીય કાઠું ટૂંકું હોવા છતાં વડા પ્રધાનની અભદ્રતા સામે રાહુલ શાલીનતા દ્વારા મુકાબલો કરે છે.

બ્રિટીશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અભદ્ર અને આક્રમક ભાષા માટે જાણીતા હતા, પરંતુ તેમણે બ્રિટનને બીજું વિશ્વયુદ્ધ જીતાડી આપ્યું હતું. પણ એ પછી શું થયું એ જાણો છો? બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર બે મહિનાને ગાળે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચર્ચિલના પક્ષનો પરાજય થયો હતો અને મજુર પક્ષના ક્લેમન્ટ એટલી વડા પ્રધાન બન્યા હતા. પરાજયનું કારણ ચર્ચિલની ભાષા હતી.

તેમણે એટલીને મોઢું જોવું ન ગમે એવા માણસ (અનપ્રીપઝેસીંગ મેન) તરીકે ઓળખાવ્યા હતા. ચર્ચીલે એટલીની જાણીતી નમ્રતાને નાછુટકાની નમ્રતા તરીકે ઓળખાવી હતી. બીજા શબ્દોમાં આવડત વિનાનો માણસ નમ્ર ન હોય તો બીજું શું હોય એમ તેમણે કહ્યું હતું.

આપણે ત્યાં જેમ આલોક નાથની જન્મજાત સંસ્કારી બાબુજી તરીકે ઠેકડી ઉડાડવામાં આવે છે એ રીતની આબેહુબ ઠેકડી ચર્ચિલ એટલીની ઉડાડતા હતા અને ચૂંટણી સભાઓમાં હાસ્યની છોળો ઉડતી હતી. છેવટે જ્યારે પરિણામ આવ્યું ત્યારે હજુ બે મહિના પહેલા બ્રિટનને યુદ્ધમાં જીતાડી આપનાર ચર્ચિલના પક્ષનો પરાજય થયો હતો અને તેનું મુખ્ય કારણ હતું ચર્ચિલની તુમાખી અને અભદ્ર ભાષા.

રાહુલ ગાંધીમાં એટલી કરતા પણ ચડીયાતી સંસ્કારિતા છે એ તેમણે એક કરતા વધુ વખત સાબિત કરી આપ્યું છે, પરંતુ તેમનામાં એટલી જેટલી રાજકીય આવડત છે કે કેમ એ વિષે મને ખાતરી નથી. હા, તેમની લોકતંત્રમાં નિષ્ઠા પાકી છે એ તેમણે સાબિત કરી આપ્યું છે અને આજના યુગમાં એ સુખદ આશ્ચર્ય પેદા કરનારી ઘટના છે.-રમેશ ઓઝા(લેખક) સોર્સ. પ્રશાંત ભટ્ટ. રાજકોટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •