પ્રવીણ ઇન્દ્રેકર પૂછે છે, શુ ફોટોજર્નલિસ્ટ બનવું એ ગુનો છે…?

ગુજરાત બિઝનેસ લાઇફ સ્ટાઇલ સમાચાર

મારો દીકરો ધ્વનિત સાતેક વર્ષનો હશે ત્યારે એક સાંજે હું ઓફિસથી ઘરે આવ્યો, તે સાંજે કોણ જાણે કેમ તેણે મને એક સવાલ પૂછ્યો હતો, “પપ્પા પોલીસ બધાને પકડી ને જેલમાં પુરી દે…” ત્યારે તેના મનની બીક દૂર કરવા અને સાચી વાત સમજાવવા હું તેને સેટેલાઇટ પોલીસ ચોકી પર લઈ ગયો હતો, ત્યાં બહાર બોર્ડ લગાવેલું હતું તે બતાવ્યું હતું “May I help you…”પછી અધિકારી સાહેબો અને પોલીસકર્મીઓ સાથે વાતો કરાવી, તેમના દીકરા દીકરીઓની વાતો કરાવી અને તે સૌ પોલોસકર્મી સમાજના બાળકોને તથા પ્રજાને મદદ કરવાની નોકરી-સેવા કરે છે તે સમજાવ્યું અને તેના બાળસહજ માનસમાં એ પુરવાર કર્યું હતું કે પોલીસ સાચા હોય તે સૌની મદદગાર છે.
…પણ પચીસ વર્ષના મારા ફોટોપત્રકારત્વ કાર્યકાળ દરમ્યાન જોયું છે કે, ક્યારેક બેકાબુ ટોળાઓ વચ્ચે તસ્વીરકાર ટોળાનો કે પોલીસરોષ નો ભોગ બને છે, કારણ વગરનો ભોગ બને છે, ડંડા કે ધોલધપાટ મળે તે લટકાના.

તાજેતરમાં અમદાવાદના છારાનગર ખાતે બનેલા બનાવમાં જે બન્યું તે દુઃખદ છતાં આશ્ચર્યકારક છે..પહેલી નજરે જ દેખાય છે કે આ જાણીજોઈને કરાયેલી ભૂલ છે. કેમેરાથી હુમલો થાય છે તે હું અને આખો સમાજ કબૂલાત કરે પણ તે કેમેરાની બીક ગુનેગારોનેજ લાગતી હોય છે ક્યાંક અમારો ફોટો છાપા ટીવીમાં ના આવી જાય. …માની લીધું કે ન્યૂઝ ફોટોગ્રાફી કરતા કરતા પ્રવિણભાઈને ભૂલથી પોલીસની એક બે લાકડીઓ વાગી જાય..પણ તે સિવિલમાં સારવાર કરાવતા હોય ત્યારે પોલીસ તેમને પકડી જાય… રાયોટિગની કલમ લગાડે, દિવસ દરમ્યાન ગોંધી રાખે, હેલ્થ રિલેટેડ દવાઓ પણ અન્ય કોઈ જોડે મંગાવવી પડે… કેમેરા સાથે પકડાયેલા ફોટોગ્રાફરને ના વાગે તેથી વધારે કેમેરાને વાગે, કેમેરા તૂટી જાય…
બસ સવાલ માત્ર એટલો જ થાય છે કે, કેમેરાથી હુમલાઓ થાય ત્યારે તેના ચાલક પર રાયોટિંગ ની કલમ લાગે…? છારાનગરની મથરાવતી મેલી હોય એટલે ત્યાં રહેતા વકીલ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ફોટોગ્રાફર, પત્રકાર સૌ કોઈ ગુનેગાર કહેવાય…? હુમલો કરીને
કેમેરા તોડી નાખવાની વાત કેટલી વ્યાજબી કહેવાય ? ફોટોપત્રકારત્વ કરતા સૌ તસ્વીરકાર-કેમેરામેન સામુહિક વિરોધ કરી ધરણા પર બેસે તે પછી જ મુખ્ય અધિકારીઓ કે રાજકારણીઓ જાગશે..? એકલ દોકલ કરેલા ફોન કે મેસેજની કોઈ વેલ્યુ જ ના હોય…? સંગઠન એટલે સંખ્યાબળ દર્શાવે તેની જ વાત સાંભળવાની..?
શુક્રવારે વહેલી સવારથી થતી તમામ કાર્યવાહી ગોકળગતિએ ચાલે અને શનિ રવિ કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોલીસ લોકઅપમાં સમય વિતાવવો એ માનસિક ત્રાસ ફોટોપત્રકાર શા માટે ભોગવે..? અને તે પછી ભૂતકાળના કિસ્સાઓ માં થાય છે તેમ ‘સોરી’ કહી હવે ફરીવાર આવું નહીં થાય તેનું ધ્યાન રાખીશું…પણ એક લાગણીશીલ વ્યક્તિ ની આ ત્રણચાર દિવસની યાતના નું શુ..?
કેમેરા સાધનો સરળ બની રહ્યા છે ત્યારે શું ફોટોપત્રકારત્વ કે ફોટોપત્રકારની કિંમત ઘટી રહી છે, સામાજિક સ્થિતિમાં પોલીસની કાર્યવાહી કે વિચારધારામાં પરિવર્તન આવ્યું છે, કે પછી એવું તો શું થયું છે કે પહેલાના પત્રકારત્વ કરતા આજે પોલીસ અને રાજકીય પાર્ટીઓ માટે ફોટોજર્નલિસ્ટ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે…? જો આવું સતત ચાલતું રહેશે તો સમાજને સાચો આઈનો દર્શાવનાર ફોટોપત્રકારત્વ અકાળે પૂરું થઈ જશે એ આજની કડવી વાસ્તવિકતા છે

અને તેથીજ આજે આ ઘાયલ પ્રવીણ ઇન્દ્રેકર પૂછે છે ફોટો જર્નલિસ્ટ બનવું શુ ગુનો છે…!! વર્ષો પૂર્વે તો મારા દીકરાએ પૂછેલા સવાલનો જવાબ આપવા હું પોલીસ સ્ટેશને ગયો હતો, પણ આ પ્રવીણભાઈ ના સવાલની જવાબ આજે કોણ આપશે..!? પ્રવીણભાઈ ની આ યાતના વહેલી તકે સત્તાધીશોને કાને પહોચે તેવી યાચના અને પ્રાર્થનામાં આપ સૌ સાથે હો તો એક હોંકારો કરજો…
અમને સૌને તાકાત રહેશે કે સાચા ની સાથે આપ સૌ છો…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *