છેલ્લો એડમીન – -કવીશ રાવલ

કલા સાહિત્ય ગુજરાત

છેલ્લો એડમીન
દુનિયામાં બધાજ જીવ ને ઈશ્વરે બનાવ્યા છે તેજ રીતે જીવવામાં મને છે. પણ જે દિવસે માણસ સામાજિક પ્રાણી છે તે ખબર પડી ત્યારથી તેને વધારે સામાજિક બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેને મનોરંજન ની જરૂર છે તેવી ખબર પડી ત્યારથી જાણે તે માત્ર મનોરંજન પર જ જીવતો હોય એટલા બધા મનોરંજન ના સાધનો આવી ગયા છે. જયારે ટેક્નોલોજી ન હતી ત્યારે ભણવાનું પણ સહેલું હતું. ઇતિહાસ ની તારીખો યાદ રાખવાથી જીવનમાં શું ફાયદો થાય તેનો સાચો જવાબ હજુ મળ્યો નથી ત્યાં પાછા સોસીયલ મીડિયા પણ આવી ગયા. તમે તેના વિષે જાણતા ન હો તો પછાત ગણાવ તેવી માન્યતા ના લીધે કેટલાક તો તેના બંધાણી પણ થઇ ગયા. ઘરમાં કોઈ લાઈક કરતુ ન હોય એટલે એફ બી પર લાઈક લેવાના ક્લાસ કરવા જાય.એમાં ધંધો અને નોકરી માં રજા લેવી પડે. પ્રોફાઈલ પિક્ચરમાં બધાજ સારા દેખાતા હોય પણ સામે મળી જાય તો બીક લાગે તેવું પણ બને. વળી સોસીઅલ મીડિયા પર કેવું વર્તન કરવું તેને પણ ક્લાસ ચાલે. આવડત હોય તો છેતરાવા વાળા તો મળીજ રહે. કેટલાક લોકો તો આ મીડિયાના સ્ટેટસ ને જ જીવન નું સાચું સ્ટેટસ ગણતા હોય છે. જાણે એમનું ઘર ચલાવવાની જવાબદારી સરકારની જ ન હોય!
એક દિવસ મેં પણ વોટ્સએપ પર એકાઉન્ટ બનાવ્યું. થોડા સ્માર્ટ લાગીયેને? રોજ સવારે એક કલાક ગુડ મોર્નિંગ ના મેસેજ સાફ કરવામાં જવા લાગ્યો. સવારે નાસ્તા નો તો સમય જ ન મળે. સાંજ પડે એટલે જાત જાત ની વિડિઓ ચાર પાંચ વખત આવી જાય. વળી કેટલાક તો આખા દિવસ માં જે કઈ આવ્યું હોય તે હોંશે હોંશે આપણ ને પધરાવી દે. ક્યારેક વિચાર આવે કે તેમની આવકમાં પણ આપણા માટે આવી લાગણી રાખતા હોય તો? પણ ભૂલથી પણ આવી વાત કહેવાય જાય તો તો બ્લોક જ થઇ જવાય. આતો આભાષી દુનિયા. એમાં હકીકતો ની વાતો થોડી જ કરાય? સાંજે એક કલાક ચેટિંગ માં આપવો પડતો. પાછું જવાબ ન આપીએ તો સંબંધ બગડી જાય. રાત્રે સુવાનું મોડું થતું ગયું. આંખ નીચે કુંડાળા આવવા લાગ્યા. જોકે હું તો સુખી હતો લોકોને તે આ ચક્કરમાં સ્ટ્રેસ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ આવ્યાનું સાંભળવા મળ્યું છે. તે પણ આજ પ્લેટફોર્મ પરથીજ તો!
એક દિવસ અચાનક મારા મોબાઈલ માં સવાર સવારમાં બિપબીપ શરુ થઇ ગયું. જોયું તો એક ગ્રુપ હતું. મને એ ગ્રુપ માં જોડવામાં આવેલો અને કહેવામાં આવેલું કે તમે બુદ્ધિજીવી છો એટલે તમારી પસંદગી થઇ છે. તમારા ગ્રુપ માં બીજા બુદ્ધિજીવી હોય તો તેમને આ ગ્રુપમાં જોડતા જાવ. પોતાને બુદ્ધિજીવી ગણાવવાનું કોને ન ગમે? પણ બીજાને બુદ્ધિજીવી માનવાનું મોટા ભાગના બુદ્ધિજીવીઓ માટે અશક્ય હોય છે. તેથી માંડ વિસજ જણ નું ગ્રુપ બન્યું. અમારા ગામના સહુથી સુંદર, સ્માર્ટ અને સાચા બુદ્ધિજીવી એવા બીનાબેન પણ આ ગ્રુપ માં હતા. મારા મિત્રોને ખબર પડી એટલે મંડ્યા કે અમને પણ આ ગ્રુપ માં લેવરાવને. હવે એમને સમજાવવા કેવી રીતે કે આ ગ્રુપ માં માત્ર બુદ્ધિજીવીઓ ને જ સ્થાન મળે છે. વળી રખે નવા મેમ્બર માટે કોઈ ટેસ્ટ રાખે અને તે નાપાસ થાય તો બીનાબેન પાસે મારુ કેવું લાગે? પણ અંતે તેમણે એક જણ ને પાંચ મેમ્બર સજેસ્ટ કરવાની છૂટ આપી ને ગામમાં મારા ભાવ વધી ગયા. અંતે મેં પાંચ નામ આપી દીધા.એકજ દિવસ માં બસો વિસ જણ નું ગ્રુપ બની ગયું. કામ સરળ બનાવવા માટે કમિટી પણ બની ગઈ. રાજેશભાઈ તહેવાર કમિટી સંભાળે. કોઈ પણ તહેવાર આવે એટલે તેનો મેસેજ માત્ર રાજેશભાઈએ જ મુકવાનો. બર્થડે કમિટી નું કામ બીના બેન ને સોંપ્યું. બધા પાસેથી તેમની જન્મ તારીખ લઈને તેમને શુભેછા આપવાનું કામ આમ પણ બીનાબેન ને ગમે તેવું હતું. બીના બેન તો બીજી સેકન્ડ થીજ લાગી પડ્યા. સમાચાર આપવાનું કામ માસ્તર રામજી ભાઈ નું અને સલાહ આપવાનું છોટુ કાકા નું . “કોઈએ ગુડમોર્નિંગ કે ગુડનાઈટ જેવા ફાલતુ મેસેજ મુકવા નહિ. તેમજ દાદા જે વિષય આપે તેનીજ ચર્ચા કરવી” . આવા નિયમો રચાયા. દાદા ને હું ઓળખતો ન હતો પણ એ કોણ? એવું પુછાય કે નહિ તે ડર થી રહેવાજ દીધું. આમેય મારે તો મૂક પ્રેક્ષક નું જ કામ કરવાનું હતું.
પહેલા દિવસે કેટલાક લોકો એ ઉત્સાહ માં નિયમ વિરુદ્ધ સુપ્રભાત કહી દીધું. એ બધાને સારા શબ્દો માં ટોકવામાં આવ્યા. અમિતભાઇ મરાઠા ને નિયમ તુટયાનું ખુબજ દુઃખ રહેતું. બે દિવસ પછી એક જણ નો જન્મ દિવસ આવ્યો. બીના બહેને તો ડીપી માં જ તેમનો ફોટો મૂકી દીધો અને સુંદર લખાણ લખ્યું. મારા બધાજ મિત્રો એ બીના બેન ના ભરપૂર વખાણ કર્યા. તેનાથી અમિતભાઇ ને ઓછું આવી ગયું. તેમણે બીનાબેન ને તેમણે દાયરામાં રહી ને કામ કરવા સૂચના આપી. ડીપી ન બદલવા સમજાવ્યું. બીના બહેન ગ્રુપ છોડી ગયા. પાછું સાંજ સુધી તેમને સમજાવવા નું ચાલ્યું અને તે પાછા આવ્યા.
નવો ટોપિક હતો ‘ ભારત ચીન ના સંબંધો.” નટુ કાકાએ કોઈ વિડિઓ અપલોડ કરી અને અમિત ભાઈ વિફર્યા. અંતે નટુ કાકાએ માફી માંગી ત્યારે માન્યા. હકીકતમાં તે વિડિઓ વિષય ને લગતી જ હતી. ચીની વસ્તુના બહિષ્કારની વાત આવી એટલે ઘણા બધા શાંત થઇ ગયા એટલે વિષય બદલવો પડ્યો. નવો વિષય હતો,” ધર્મ અને અંધશ્રદ્ધા.” અમિતભાઇ એ એક વિડિઓ મૂકી અને લખ્યું” તમે બધા આવી વિડિઓ ફોરવર્ડ કરતા હસો તેવી મને ખાતરી છે.” નટુ કાકા સહીત બે ચાર જણા ગ્રુપ છોડીને જતા રહ્યા. એમાં ગ્રુપ એડમીન પણ હતા. હવે એડમીન અમિતભાઇ હતા. તેમના નવા નિયમો ઉમેરાયા. દરેકે જે લખવું હોય તે પહેલા તેમણે નક્કી કરેલા પાંચ જણ ને મોકલી જો બે થી વધારે હા આવે તો તે વાત જ ગ્રુપ માં મુકવી. બીજા વીસેક જણ ગાયબ થઇ ગયા. બીના બેને આ વાત નો ખુબજ વિરોધ કર્યો એટલે તેમણે પણ એડમીન બનાવી દેવાયા. તહેવાર ના સરસ ગ્રાફિક બનતા પણ વખાણ ન થઇ શકે. બીના બેન ના વખાણ થાય કે અમિત ભાઈ ને પેટમાં દુખે. પણ ગ્રુપ ચાલ્યા કરતુ કારણકે બીનાબેન હજુ પણ આ ગ્રુપ માં હતા.
મારો જન્મ દિવસ આવ્યો ને બિનાબેને સરસ કવિતા મૂકી. મારા મિત્રો બળી ને રાખ થઇ ગયા.મેં બીનાબેન નો દિલ થી આભાર માન્યો એટલે અમિતભાઇ ની ટકોર આવી ,” આ સંદેશ મંજુર નથી કરાવ્યો.” બિનાબેને લખ્યું કે તમારા નવરા મિત્રો તમારા વખાણ કરેછે ત્યારે પણ ક્યાં મંજૂરી લે છે?” અને જે સાત આંઠ જણે અમિતભાઈના વખાણ કર્યા હતા તે ગાયબ. અમિતભાઈને આમ પણ કોઈને મનાવતા આવડતું નહિ. નવો વિષય આવ્યો ,” અમરનાથ યાત્રા” મેં કહ્યું કે'” મેં નથી કરી”. બે ચાર જણાએ હાહા લખ્યું અને અમિત ભાઈ એ તેમને ગ્રુપ માંથી બહાર કરી દીધા. મને ફરી ટકોર કરવામાં આવી. મારે બહાર નીકળવું હતું પણ બીના બેન ની શરમે હું અટકી ગયો. દિવાળી આવી એટલે રાજેશભાઈ એ ડીપી બદલ્યું. અમિતભાઇ એ એમને ગ્રુપ માંથી બહાર મૂકી દીધા. બીના બેને એમને પાછા લેઇ લીધા. આવું ચારપાંચ વખત થયા બાદ અમિતભાઇ એ લખ્યું કે ,” તો રાજેશભાઈ ને જ એડમીન બનાવી દો. જોઈએ કેવું ચલાવે છે.” બિનાબેને લખ્યું કે “આ કઈ ગાડી નથી કે ટેસ્ટ ડ્રાઈવ લેવી પડે. વળી રાજેશભાઈ ને મેં એડમીન બનાવી દીધા છે. તમે રાજીનામુ આપો.” કોઈએ મજાક કરી કે ,”એતો બની બેઠેલા એડમીન છે . એમને રાજીનામાં વગર પણ કાઢી શકાય!” અને અમિતભાઇ એ એમણેજ કાઢી દીધા. દિવાળી ના તહેવાર ની શુભેચ્છા આપવા વાળા બધાને અમિતભાઈએ તેમના વિરોધી માનીને કાઢવાનું શરુ કર્યું. તેમનો વિરોધ થતા તેમને ગ્રુપ છોડવું પડ્યું.
ગામ ના એક માત્ર ડોક્ટર નો જન્મ દિવસ આવ્યો. બધાએ અમિતભાઇ નથી એમ માની ને હોંશે હોંશે શુભેચ્છાઓ પાઠવી અને બીનાબેન નો મેસેજ આવ્યો.” ભાઈ મેં ગ્રુપ છોડી દીધું છે. બસ.તમારા માટે છેલ્લી કવિતા લખી તે લખી . હું દિવસો મહેનત કરીને બધા માટે સંદેશા તૈયાર કરતી. અને આજે મને પૂછ્યા વિના મારાથી પહેલા કેટલા બધાએ શુભેચ્છા આપી દીધી? આવું મારુ અપમાન તો આખી જિંદગી માં ક્યારેય થયું નથી.” મને જવાબ માં “ૐ શાંતિ” લખવાની ઈચ્છા થઇ ,પણ પછી બ્લોક થઇ જવાની બીકે માંડી વાળ્યું. વળી આનંદ ની વાત એ હતી કે એમની શહીદી પહેલા એમને મારો વિચાર આવ્યો હતો. સાંજે હોંશે હોંશે એ મેસેજ બધા મિત્રોને વંચાવી ને થોડી આગ લગાડી. બીજા દિવસે સવાર ઉઠી ને જોયું તો એ ગ્રુપ નો એડમીન હું હતો. મેમ્બર્સ લિસ્ટ ચેક કર્યું તો એમાં પણ ખાલી હું જ હતો.
-કવીશ રાવલ

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •