*ઉત્તરાથી આજ સુધી* (ગુજરાતમાં પપેટ્રી)*માનસિંહ ઝાલા*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય લાઇફ સ્ટાઇલ વિશેષ

 

*માનસિંહ ઝાલા* _(પપેટીયર, સ્ક્રીપ્ટ રાઈટર, ડાયરેકટર)_

*બી.કોમ:* એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ.
*ડિપ્લોમા ઈન પપેટ્રી:* દર્પણ અકાદમી, અમદાવાદ.
*સ્ટુ્રડન્ટ ઓફ:* મહેરબેન કોન્ટ્રાકટર (આંતરરાષ્ટ્રીય પપેટીયર)

*હાલ:*
*#* મેનેજીંગ ટ્રસ્ટી – ”મહેર” ધ ટ્રુપ અમદાવાદ.
*#* ૧૯૭૬ થી પપેટ્રી માં જોડાયેલ છે.
*#* અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પપેટ શો દર્શાવેલ છે.
*#* અમેરીકા, ઈંગલેન્ડ, સ્પેન વિ. ના અનેક વિદેશી કલાકારો સાથે કામ કરેલ છે.
*#* ટીવી પપેટ્રી ડોકયુમેન્ટ્રી, સિરીયલ ના લેખન અને દિર્ગદર્શકનો અનુભવ.
*#* ૭૦૦૦ થી વધુ શિક્ષકો તથા વિધાર્થીઓને પપેટ-કલા શીખવાડેલ છે.

*એવોર્ડઃ* મહેર આર. કોન્ટ્રાકટર એવોર્ડ ફોર એકસલન્સ ઈન પપેટ્રી.

*——————————————–*

*ઉત્તરાથી આજ સુધી* _(ગુજરાતમાં પપેટ્રી)_

પપેટ્રી એ પ્રાચીન ભારતના સમયકાળની કલા છે. મહાભારતમાં યુધ્ધમાં જતાં અર્જુનને ઉત્તરા તેની ઢીંગલીઓ માટે દુશ્મનોના વસ્ત્રો લાવવાનું કહેતી હોવાનો ઉલ્લેખ છે. ઉત્તરા વિરાટનગર _(હાલનું ધોળકા, ગુજરાત)_ ની રાજકુમારી હતી.
એટલે કે મહાભારતકાળમાં આ પ્રદેશમાં પપેટનું અસ્તિત્વ હોવાનું જાણવા મળે છે.

ભારતના ઘણાં રાજયોમાં અલગ અલગ પ્રકારના પપેટ જોવા મળે છે. હાલમાં પણ ઘણા કુટુંબ વંશ પરંપરાગત રીતે આ કામ કરી રહયાં છે અને નિયમિત રીતે દેશ વિદેશમાં તેમની કલાનું પ્રદર્શન કરી રહેલ છે.

ગુજરાતમાં આપણને રાજસ્થાની કઠપુતળી પેહલાં બહુ જોવા મળતી. હવે તેના કલાકારો રમકડાં બનાવવા તરફ વળ્યા છે. કદાચ એટલે જ કયારેક કોઈ એવા પ્રશ્ન કરે છે કે શું પપેટ કલા લુપ્ત થઈ રહી છે? તેઓને હું કહું છું કે : “હું છું ત્યાં સુધી તો નહીં જ થાય અને મેં જેમને પપેટ કલા શીખવાડી છે તેવા હજારો શિક્ષકો અને વિધાર્થીઓ ભારતભરમાં છે. તેઓ આવતા અમુક દાયકાઓ સુધી તેમ થવા પણ નહીં દે.”

થોડા વર્ષો પહેલાં લોકોને પપેટ શબ્દ અજાણ્યો લાગતો. તેમને તેના વિષે સમજાવતાં તેઓ કહેતાં – “અહં.. કઠપુતળી ને…” – પણ હવે લોકો પપેટને ઓળખે છે. તેના જુદાજુદા પ્રકારો વિષે પણ જાણતા હોય છે. તેઓ હવે જાણે છે કે કઠપુતળી (સ્ટ્રીંગ પપેટ) એ ઘણી જાતના પપેટ પૈકીનો એક પ્રકાર છે. તે સિવાય ગ્લવ, રોડ, શેડો, ફીંગર, પામ, ટેબલ ટોપ વિગેરે અનેક પ્રકારોના પપેટ હોય છે. એટલેકે આ કલા લોકોમાં વધુ પ્રચલિત થઈ રહી છે.

હાલમાં કન્ટેમ્પરરી પપેટ્રી કરતા કલાકારો ઘણાં પ્રયોગો કરી રહયાં છે. પપેટની બનાવટ, તેની અજૂઆતમાં નવી શૈલીઓ વિકસી રહી છે. અને પ્રેક્ષકોના ગમા અણગમા સાથે તેમાં ફેરફારો પણ થાય છે. પ્રયોગો ચાલુ છે. એટલે કે પપેટ્રી વિકસિત થઈ રહી છે.

તાજેતરમાં જ અમને સી.ઈ.આર.સી. સાથે કામ કરવાનો એક મોકો મળ્યો. જેમાં અમે ઈન્ટરનેટ, પ્રોજેકટર અને પપેટ્રી એક સાથે શો માં રજૂ કર્યા. પ્રેક્ષકોને આ રજૂઆત નવતર લાગી અને પસંદ પણ આવી.

હાલ ફિલ્મો, સિરીયલો કે જાહેરાતોમાં પપેટનો ઉપયોગ વધી રહયો છે. ગુજરાતમાં તે બહુ પહેલાં શરૂ થયુ હતું. પીજ અને દુરદર્શન ટીવી ચેનલો પર આરોગ્યની અને અમદાવાદની કહાણી જેવી પપેટ સિરીયલ ત્રીસ વરસ પહેલાં રજૂ કરવામાં આવી હતી. વીસ વર્ષ પહેલાં બાવન એપીસોડની પપેટ સિરીયલ નેશનલ ટેલીકાસ્ટ માટે અમદાવાદમાં તૈયાર થઈ હતી. આ દરેકમા કામ કરવાની મને તક મળી હતી.

ગુજરાતમાં પપેટ્રીમાં ઘણાં વરસોથી ઘણું કામ થયું છે જેનો યશ મહેરબેન ને જાય છે. ૬૦ ના દાયકાથી તેમણે શ્રેયસ ફાઉન્ડેશન તથા દર્પણ અકાદમીમાં કામ કર્યુ. અનેક કલાકારો તેમણે તૈયાર કર્યો. જે પૈકી દાદી પદમજી, સુરેશ દત્તા, મહિપત કવિ, બેલા શોધન વિ. પ્રચલિત નામો છે.

મહેરબેનના અવસાન બાદ પપેટની ગુણવત્તા તથા તેની ક્ષમતા ને સમજી તેનો કોમ્યુનિકેશનમાં ખરો પ્રોફેશનલ ઉપયોગ કરી પપેટને ગુજરાતમાં તથા ભારતમાં દુરદુર સુધી પહોંચાડવામાં શ્રી ઉદય માવાણીનું નામ મોખરે છે. વિડિયો ડોકયુમેન્ટ્રી, સિરીયલ, અમુલ માટે ખેડા જિલ્લામાં ૧૦૦૦ પપેટ શો, ગ્રાહક સુરક્ષા, ઉત્તમ અને પંચામૃત ડેરી પ્રોજેકટસ વિ. અનેક કાર્યક્રમોમાં પપેટનો ઉપયોગ કરાવી તેમણે પપેટને પ્રચલિત અને મજબૂત થવાની તક પુરી પાડી.

મારી ૪ર વર્ષની કારકીર્દી દરમ્યાન મેં અનેક દેશી વિદેશી કલાકારો સાથે કામ કર્યુ છે. પરતું મને તે માટે હિંમત અને સાહસ આપનાર મારા સહ કલાકારો, કુટુંબીજનો, મિત્રો અને મારા વિધાર્થીઓ જ છે.મારી પાસે પપેટ કલા શીખેલા અને મારી સાથે કામ કરતાં મારા વિધાર્થીઓએ ર૦૦ર માં વિચાર આપેલો કે આપણે માત્ર પપેટ કલા શીખવતી અને ભજવતી હોય એવી એક સંસ્થા શરૂ કરીએ. મારી પાસે તે સમયે રપ વર્ષનો અનુભવ હતો અને ઉત્સાહી વિધાર્થીઓ પણ હતાં. ભારતીય પપેટ્રીના માંધાતા મારા ગુરૂ શ્રીમતી મહેરબેન રૂસ્તમ કોન્ટ્રાકટર _(અમદાવાદી હોં કે)_ ના નામ ઉપર જ સંસ્થા – “મહેર” – ધ ટ્રુપ – શરૂ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું.

“મહેર” – ધ ટ્રુપ એ અત્યાર સુધીમાં મનોરંજક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, પોષક ખોરાક, બાળ મજુરી, ગ્રાહકસુરક્ષા અધિકારો અને ફરજો વિ. જેવા વિષયો લઈ લોકોને જાણકારી, શિક્ષણ અને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહેલ છે. જે માટે કલાકારો શહેરના સ્લમ એરીયા, ડાંગ-અરવલ્લી ના આદીવાસી પ્રદેશો, શહેરો તથા ગામડાની અનેક શાળાઓમાં, જાહેર સ્થળોએ જઈ કામ કરી ચુકયાં છે.

મહેર ધ ટ્રુપ ધ્વારા ગાંધીજી તથા સ્વામી વિવેકાનંદદજી ના જીવન પર આધારિત અમારી પ્રયોગાત્મક રજૂઆતો દેશ તથા વિદેશમાં ભજવવાની અમને તક મળી છે.

આ સંસ્થા કોઈ સરકારી / બિનસરકારી ગ્રાંટ પર નિર્ભર નથી. તેના કલાકારો કયારેક સંસ્થાને તેમની નિઃશુલ્ક સેવા પણ આપે છે કે જેથી સંસ્થાના સિમિત નાણાં કલાના કામમાં ઉપયોગમાં આવી શકે.

પપેટ કલા એક એવી કલા છે જેમાં કોઈ પણ વ્યકિત ઉંમરના બાધ વગર તેમના શોખ અને આવડતની વિશિષ્ટતા સાથે જોડાઈ શકે છે. કારણ કે પપેટ્રી એ ર૪ કલાનો સંગમ છે. તેમાં બધા જ પ્રકારની કલાઓ સમાયેલી છે. જેઓ જયારે પણ પપેટ કલામાં કામ કરવા માગે ત્યારે જરૂર પડયે અમે તેમની સાથે રહીશું. આ અમારો અભિગમ છે.

પપેટ્રી માટે કામ કરી રહયાં છે તેવા નાના મોટા તમામને આગળ વધતા રહો એ જ શુભકામના.

માનસિંહ ઝાલા
mansinh_zala@yahoo.com

TejGujarati
 • 121
 •  
 •  
 •  
 •  
 •  
  121
  Shares
 • 121
  Shares