ભૂખડીબારશ : ~ આલેખન : દીપક બ. ભટ્ટ.

*જે તે સમયે ગુજરાતી શબ્દ ભૂખડીબારશ શોધાયો હશે ત્યારે મોટાભાગના હિંદુઓ / સનાતનીઓ અગિયારશનો ઉપવાસ કરતા હશે… વળી એ સમયે અગિયારશના ઉપવાસમાં આજના જેટલું જાતજાતનું અને ભાતભાતનું ફરાળ નહિ જ કરતા હોય… એટલે અગિયારશના ઉપવાસ પછીના બારશના દિવસે પોતાના સામાન્ય ખોરાક કરતા ખુબ જ વધારે ખાતા હશે… અને સામાન્ય કરતા વધારે ખોરાક લઈને અગિયારશના ઉપવાસના દિવસના ખોરાકની તૂટની પૂર્તિ કરતા હશે !*

*અગિયારશના ઉપવાસ પછીના બારશના દિવસે વધુ પડતું ખાનારને “ભૂખડીબારશ”નું વિશેષણ લાગી ગયું હશે !*

*આ તો થઇ ભૂખડીબારશ શબ્દની ઉત્પત્તિની અને ભૂખડીબારશ શબ્દને વિશેષણ તરીકે વાપરવાની વાત.*

હવે ભૂખડીબારશના પર્યાયવાચી શબ્દો પર નજર નાખીયે તો…

*અકરાંતિયાને પણ ભૂખડીબારશ કહેવાય*

*ખાઉધરાને પણ ભૂખડીબારશ કહેવાય*

*હદ બહાર ખાનારને પણ ભૂખડીબારશ કહેવાય*

*બહુ ખાનારને પણ ભૂખડીબારશ કહેવાય*

*અનહદ ખાધા પછીયે ના ધરાય એવી વ્યક્તિને પણ ભૂખડીબારશ કહેવાય*

*ભુખડાને પણ ભૂખડીબારશ કહેવાય*
.
(આલેખન : દીપક બ. ભટ્ટ)
.
ભૂખડીબારશ એટલે એવી વ્યક્તિ કે જે કોઈપણ ખાદ્યપદાર્થ દેખાય એ ખાવા માટે હંમેશા તૈયાર હોય તેવી વ્યક્તિ – સમજોને કે *”જોગી બેઠા જપ્પે ને જે આવે એ ખપ્પે”*

*પશુમાં પણ ખાવાની મર્યાદા હોય છે કેટલાક પશુઓ કેટલીક ખાદ્ય કે અખાદ્ય વસ્તુ તરફ નજર પણ નથી નાખતા…*

આ ઉક્તિ પ્રમાણે… *”ઊંટ મેલે આંકડોને બકરી મેલે કાંકરો”*

*પણ આ ભૂખડીબારશો પશુઓથી પણ જાય એવા હોય છે…*

*ભૂખડીબારશને સારા – નરસાનું તથા શું ખવાય કે શું ના ખવાય તેનું ભાન નથી હોતું*

*ભૂખડીબારશને કેટલું ખાવું એનું પણ ભાન અને જ્ઞાન નથી હોતું*

સુરતમાં રહેતા મારા એક મિત્ર પોતાને ભૂખડીબારશ તરીકે ઓળખવામાં કોઈ શરમ નથી અનુભવતા ! 🙂🙂🙂
.
(આલેખન : દીપક બ. ભટ્ટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *