સંગીત, નૃત્ય, કલાનાં જ્ઞાતા : હનુમાનજી.  પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ધાર્મિક ભારત વિશેષ સમાચાર

ભારતમાં પ્રવર્તમાન વિવિધ સંપ્રદાયો-પંથોમાં અને મહાન સંતો, ભક્તોમાં હનુમાનજીની પૂજા – ઉપાસના કરવામાં આવે છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેથી તેઓ વિવિધ નામે ઓળખાય છે. તેઓ સંગીત, નૃત્ય અને અનેક કલાઓનાં જ્ઞાતા હતા. એમનું એક નામ ‘કલાધર’ છે. સંગીત શાસ્ત્રના ગ્રંથોમાં મહાવીર હનુમાનજીને ‘સર્વવિદ્યાવિશારદ્’ કહ્યા છે.

વેદ, વેદાંગ અને તત્ત્વવિદ્યામાં પારંગત હોવાને કારણે તે જ્ઞાનીઓમાં પ્રસિદ્ધ છે, કર્મયોગી પણ છે. ધૈર્ય, સુક્ષ્મદ્રષ્ટિ, નિર્ણયાત્મક શક્તિ અને નિપુણતા એ એમના સ્વાભાવિક ગુણ છે. નૃત્ય, સંગીત, ગીત વગેરે કલાઓનાં પણ હનુમાનજી જ્ઞાતા છે. સંગીત શાસ્ત્રના ગ્રંથોમાં હનુમાનજીનો મત મારુતિ અને આંજનેયના નામથી પ્રાપ્ત થાય છે. એમના મતોના પ્રમાણભૂત ગ્રંથ ‘આંજનેયસંહિતા’ કે ‘હનુમત્સંહિતા’ છે. શારંગદેવ રચિત ‘સંગીતરત્નાકર’ ગ્રંથમાં પ્રાચીન સંગીતાચાર્યોની સાથે આંજનેયનો ઉલ્લેખ કર્યો છે. શારદાતનયે પણ ‘ભાવપ્રકાશન’ ગ્રંથના તથા પંચમાધિકાર તથા અષ્ટમાધિકારમાં મારુતિ મતનો નિર્દેશ કર્યો છે. સંગીત રત્નાકરના ટીકાકાર કલ્લિનાથે દેશી રાગના સંબંધમાં આંજનેયનો મત સંકલિત કર્યો છે. ભરતમુનિએ રચેલા નાટયશાસ્ત્ર અને સંગીત શાસ્ત્રની ૨૨ શ્રુતિયોમાંથી હનુમન્મતમાં ૧૮ શ્રુતિયો જ સ્વકૃત છે. ‘સંગીતપારિજાત’ ગ્રંથમાં શ્રી હનુમાનજીને સંગીત શાસ્ત્રના પ્રમુખ પ્રવર્તક કહેવામાં આવ્યા છે.

હનુમાનજી, શાર્દુલ અને કાહલ- આ ત્રણ વ્યક્તિઓ સંગીત શાસ્ત્રના નિર્માતા આચાર્ય હોવાનું જણાવ્યું છે. સંગીતપારિજાત ‘હનુમન્મત’ નો ગ્રંથ છે. આ ગ્રંથના ભાષ્યકાર કલિન્દજીના મતાનુસાર શિવાજીએ જે સંગીત શાસ્ત્ર બનાવ્યું તે ‘શિવમત’, ભરતમુનિનું ભરતમત અને હનુમાનજીનું હનુમન્મત કહેવાય છે. સંગીત મર્મજ્ઞ ભાવ ભટ્ટ રચિત ‘અનૂપસંગીતવિલાસ’ માં હનુમાનજીના નામ પર અનેક સંગીતાલંકારોનું વર્ણન મળે છે. આમ શ્રી હનુમાનજી સુપ્રસિદ્ધ સંગીતાચાર્ય, શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને ભક્તિ સંગીતના મૂળ સ્રોત અને જ્ઞાતા છે.પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love
  • 1
    Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *