આંતરડાનાં ચેપી રોગો અને ઉપચાર. ડૉ. હિતેન સુવાગીયા. 

ગુજરાત ભારત વિશેષ સમાચાર

આપણા શરીરના પાચનતંત્રના મુખ્ય અંગો તે નાનું આંતરડું અને મોટું આંતરડું છે. ખોરાકની પાચન પ્રક્રિયાને લઈને આ અંગોમાં થતાં ચેપી રોગોની અસર સમગ્ર શરીર અને રોજિંદા જીવનકાર્યો પર થતી હોય છે. જેને લઇને ઝાડા ઉલ્ટી મરડો અને આંતરડાનાં કેન્સર જેવાં ભયંકર રોગોનો ભોગ બનવું પડે છે. આંતરડાનાં રોગોમાં મુખ્યત્વે ઝાડા થવા, પેટમાં ચૂક આવવી, મળોત્સર્ગની ક્રિયામાં અનિયમિતતા અને ગુદામાં દુ:ખાવો અને આને કારણે થતો મરડો ગણી શકાય. મરડો થવાનાં મુખ્ય કારણોમાં માખી દ્વારા ફેલાતાં સૂક્ષ્મજંતુઓ, ખુલ્લો વાસી ખોરાક, સ્વચ્છતાનો અભાવ અને જંકફૂડ કે પેકેટ ફૂડ ખાવાની આદતને લઈને લાંબા સમયે આંતરડાનાં રોગની પરખ-જાણ થાય છે. ઘણીવાર આ ચેપી રોગની પરખમાં મોડું પણ જતું હોવાથી તેના પરિણામો – દર્દ વ્યક્તિએ લાંબા સમય સુધી ભોગવવા પડે છે.

આંતરડાનાં ચેપી રોગોમાં મરડાના અનેક પ્રકાર કારણભૂત હોય છે. જેવાં કે : ૧.બેસિલરી, ૨.અમીબિક, ૩.મેલેરિયલ, ૪. કાલા આજાર, ૫.બેલેન્ટિડિયલ, ૬. લેમ્બિલયલ, ૭. કૃમિજન્ય. આ મુજબના ચેપી રોગોમાં માણસનું મોટું આંતરડું એટલી હદે બગડી જાય છે કે, જ્યારે તેનાં સ્ત્રોતપડ-Mucosa-નો મોટો ભાગ ખવાઈ ગયો હોય ત્યારે તેમાંથી સંપૂર્ણપણે સાજા થવું અશક્ય બને છે. આંતરડાનાં વિવિધ રોગો થવા અને ફેલાવવામાં અનેક પરિબળો જવાબદાર હોય છે: સમાજવર્ગો, ઋતુઓ, ઉંમર, સ્થાન ફેર, વગેરે. આ રોગનાં જંતુને મુકાબલે તેના ફેલાવાના કારણો વિશેષ મહત્ત્વનાં હોય છે. જેમાં દૂષિત પાણી, બજારું ખોરાક, સ્વચ્છતાનો અભાવ, તેનાં વાહક જંતુઓ, રોગપ્રતિકારક શક્તિ, માણસોના સમૂહમાં ભળેલ રોગી, અપાચ્ય ખોરાકને મુખ્ય ગણી શકાય. પાચનતંત્રના આ રોગમાંથી બચવા માટે આપણા ખાનપાનમાં રાખવી જોઈતી સાવચેતી અંગે બેકાળજી રાખીએ છીએ. આ માટે વ્યક્તિગત સ્વાદ અને પસંદગી, પોષણનો અભાવ અને રોગોની અટકાયતનો દ્રષ્ટિકોણ મહત્ત્વના છે. જો આ બાબતે બેકાળજી દાખવીએ તો ફૂડ પોઈઝનીંગ, કોલેરા, ટાઈફોઈડ કે મરડાનો ભોગ બનવું પડે છે. આ સર્વના ઉપાયમાં વ્યક્તિગત સ્વચ્છતા અને ઘર અગત્યના ગણાય. આપણા પ્રાચીન આયુર્વેદાચાર્યો એ ઘરની સ્વચ્છતા પર ભાર મૂક્યો છે. “કોઈપણ રાષ્ટ્રની તંદુરસ્તીનું રહસ્ય તેના-લોકોના ઘરમાં છુપાયેલું હોય છે.” આપણે વ્યક્તિથી પણ પાર જોતાં શીખ્યા છીએ. સૌથી પ્રથમ તેનું કુટુંબ કે જેમાં તે જીવે છે, તેનું કામ અને તેનાં રમતગમત, તેનું ઘર અને તેની પશ્ચાદ્ ભૂમિકા, વ્યક્તિની તંદુરસ્તીની વધુ સારી રચના માટે આપણે વધુ સારાં અને સ્વચ્છ કુટુંબોની રચના કરવી જ રહી. માનસશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરો, જાહેર આરોગ્ય વિભાગના અધિકારીઓ – કાર્યકરો સહુ કોઈ સ્વચ્છતાની વાત પર એકમત છે. વ્યક્તિગત કાળજી જ આવાં રોગોને રોકી શકે અને તો જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. ડૉ. હિતેન સુવાગીયા. – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *