શુભ મંગલ-કળશ-કુંભ:- ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણ કુંભ –

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

કળશની પરંપરા ઘણી પ્રાચીન છે. ભારતમાં કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કે મંગલ પ્રસંગની ઉજવણી કુંભ સ્થાપન વગર થતી નથી. ભારતીય સાહિત્ય અને કલામાં પૂર્ણ કુંભ માટે પૂર્ણઘટ, પૂર્ણ કલશ, મંગલ કલશ, ભદ્રઘટ, ચંદન કલશ વગેરે શબ્દો પ્રયોજાય છે. ફૂલપાન કે જલથી વિભૂષિત પૂર્ણઘટ સુખ સંપત્તિ અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. એના મુખ પર લહેરાતી પાંદડીઓ જીવનમાં નાનાવિધ આનંદ ઉપભોગ અને સર્જનાત્મક રહસ્યોને પ્રકટાવે છે. આથી બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન ધર્મ, સાહિત્ય અને કલામાં એનું માંગલ્ય સર્વમાં સ્વીકારાયું છે. અનાદિકાળથી માનવજીવનને પ્રાકૃતિક તત્ત્વોએ ભર્યું ભાદર્યું રાખ્યું છે. કુંભનું જળ તથા એમાંથી પ્રસ્ફૂટ થતાં પલ્લવ-પુષ્પો સમૃદ્ધિ તથા ઐશ્વર્યનાં આધ્યાત્મિક રહસ્યનો સંકેત કરે છે. પૂર્ણ કુંભની વિભાવના ઋગ્વેદ જેટલી પ્રાચીન છે. ‘ઐશ્વર્ય અને સમૃદ્ધિના પ્રતીક તરીકે પૂર્ણ કળશનું સ્થાપન યજમાનને ત્યાં કરવાનો’ આદેશ છે. અહીં પૂર્ણ યા ભદ્રઘટને સોમરસથી ભરપૂર બતાવ્યો છે.

સોમરસ જીવનનો અમર મધુરસ છે. વળી, ઘટને મંગલઘટ કે મંગલ કલશ તરીકે વર્ણવેલ છે. અથર્વવેદમાં પૂર્ણ કુંભ નારીનો ઉલ્લેખ છે. સૌભાગ્યવતી નારી મંગલઘટ લઈને યાત્રામાં ચાલતી હોય છે. યજ્ઞાદિની પરિભાષામાં એ સોમપાત્ર ‘ધિષણ’ તરીકે ઓળખાય છે. ધિષણનો એક અર્થ શ્રી અને સૌંદર્યની દેવી ‘લક્ષ્મી, થાય છે. આથી પૂર્ણ કુંભમાં ઐશ્વર્ય (શ્રી), સૌંદર્ય અને સમૃદ્ધિનો અર્થ સંકેત છેક ઋગ્વેદકાળથી થતો જોવા મળે છે. ભારતીય કલામાં પૂર્ણ કુંભનું સર્વ પ્રથમ આલેખન ભરહૂતના સ્તૂપની વેદિકાનાં શિલ્પોમાં થયું છે. પૂર્ણ કુંભ વડે શ્રી લક્ષ્મી પર અભિષેક થતો જોવા મળે છે. આ કુંભના મુખ તથા પેટા પર કમળનાળ સહિત પાંદડીઓ, કમળકેસર તથા ડોડાના ગુચ્છ નિષ્પન્ન થતા હોય છે. એનાં પેટા પર અંકન પામેલ શંખ, શ્રીવત્સ મત્સ્ય યુગ્મ રત્નપાત્ર નંદીપાદ વગેરે એની સમૃદ્ધિનો સંકેત કરે છે. દેવની ઉપાસનામાં પૂર્ણ કલશ હંમેશા ઉપયોગમાં લેવાતો હોવાની પ્રાચીન પરંપરા વૈદિક સમયથી અસ્તિત્વમાં હોવાનું જણાય છે. પરમાત્માએ વિશ્વરૂપી કુંભમાં બધા પ્રકારના દ્રવ્યો ભર્યા હતા, તે થી આ પૂર્ણ કલશ સમગ્ર વિશ્વના પ્રતીક સમાન છે. કળશ સ્થાપન કરવામાં આવે છે ત્યારે કલશના મુખમાં બ્રહ્મા, કંઠમાં શિવ, મૂળમાં વિષ્ણુ, મધ્યમાં માતૃકાગણ, એની દશેય દિશાના ભાગમાં દસ દિક્પાલ, અંદર સાત સાગર, ગ્રહો, નક્ષત્રો, પર્વત, ગંગા આદિ નદીઓ, ચાર વેદનો સમાવેશ થાય છે. સમુદ્રમંથન સમયે અમૃતના કુંભ સાથે ધનવંતરિ દેવ પ્રગટ થયા. આમ સમગ્ર રીતે ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય કળશ – કુંભનું પૂજન કરવાનો મહિમા છે. પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *