સ્વજનો વગરની દિવાળી? :- ખ્યાતિ હિતેન સુવાગીયા.

ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આપણા ધર્મ જીવનના મૂળિયાં ઘણાં ઊંડા છે. આપણું સામાજિક – ધાર્મિક જીવન ફરી સજવન કરવું પડશે. આપણો જમાનો આપણી વ્યાપક આદતો પ્રમાણે નવસર્જનથી આપણે શણગારવો રહ્યો. એના માટે આપણા તહેવારો ઉત્તમ માધ્યમ છે. શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલા છે. કાકાસાહેબ કાલેલકરે નોંધ્યું છે કે, દિવાળી એ ગૃહસ્થાશ્રમી તહેવાર છે. તેને સર્વ કોઈ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવે છે. દિવાળીમાં ઘરનાં બધાં કુટુંબીજનો ભેગાં થાય.

દૂર દેશ ગયેલાં પણ દિવાળી ટાણે પાછાં ઘરે-વતન આવવાને આતુર હોય છે. દિવાળી એટલે મિષ્ટાન્નનો દિવસ. તે દિવસે બધાં ઈષ્ટજન ભેગાં થયાં ન હોય તો મિષ્ટાન્ન મિષ્ટ કેમ લાગે? સ્વજન રિસાયો હોય, માઠું લગાડ્યું હોય. તો તે દિવસે તેને મનાવીને ઘેર પાછો આણીએ છીએ. દિવાળીને દિવસે એક પણ કુટુંબીજન દૂર ન રહે એ આપણી મોટામાં મોટી ઈચ્છા હોય છે. આપણે કોઈ સ્વજનને કોઈ કારણસર દૂર રાખ્યો હોય. છતાં તે રિસાયો નથી. બિચારો કંઈક નિરાશ થયો છે, કંઈક આશાભીની નજરે ઘર – વતન તરફ જુએ છે. બસ, આપણે તેને “પોતાનો” કરીને બોલાવીએ તેની જ રાહ હોય છે. સ્વજન વગર આપણી દિવાળી કેમ ઉજવાય? આ દિવસે આપણે અન્નકૂટ ભલે કરીએ, પણ ઈશ્વર તેના ઊંચા શિખર તરફ જોતો નથી, પણ નાના સ્વજનોને જ્યાં સુધી આપણે પ્રેમથી અંદર ન બોલાવીએ ત્યાં સુધી ઈશ્વરને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ” કહેવાનો અધિકાર નથી. આ તહેવાર એટલો બધો જાગતો છે કે છોકરાઓ ઘેર મા-બાપને મળે, ઈષ્ટજન-મિત્રો એકબીજાને મળી દિલસફાઈ કરે. પ્રિય વસ્તુ એકબીજાને ભેટ આપે-મોકલે. દરેક જણ આખા વર્ષના સંકલ્પોમાંથી કેટલું પાર પડાયું એ તપાસીએ. નવા વર્ષે જીવનમાં શું નવું દાખલ કરવા જેવું છે, જૂનામાંથી શું છોડી દેવા જેવું છે તે વિચારીએ.

દિવાળી એટલે દીપોત્સવી-દિપાવલી. આ દિવસે દીવાઓનો ઉત્સવ કરવો જોઈએ. આ તહેવારમાં ગણીને ગાંઠે બાંધવા જેવું બહુ ઓછું હોય તે જ સારું છે, કારણ કે સારું કે ખોટું જે ગાંઠે બાંધીએ તેનો ભાર તો આપણે જ ઉપાડવાનો હોય છે. આનો સરળ ઉપાય બધાને સાથે લઈને ચાલવામાં જ સાચું સુખ છે. આ માટે સંયુક્ત કુટુંબની ભાવનાને આદર્શ માનવી-બનાવવી પડશે. તેમાં મારું જ ચાલે તેવો આગ્રહ જતો કરવો પડે. આપણી મરજી અને મનમાની ચલાવવામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સામે પક્ષે જે વ્યક્તિ છે તે પણ એક સ્વતંત્ર જીવ છે. તેની પસંદગી – નાપસંદગી પણ અલગ હોવાની. જયાં સુધી બાળક નાનું હોય ત્યાં સુધી તેના સારા નરસા નિર્ણયો માટે માતા-પિતા તરીકે હક ભોગવો તે વાજબી છે, પણ જેવું તે પુખ્ત વયમાં પ્રવેશે કે તેના નિર્ણયો પર તમારા વિચારો કે પસંદગીનો ભાર ન રાખો. કંઈ કેટલાય આપણા ભૂતકાળના કૌટુંબિક વારસાની સમજણ આપણે બીજાને મેણાં મારવાના સમયે કહી સંભળાવતા હોઈએ છીએ. ખરેખર આ શું યોગ્ય – વાજબી છે? મનને એક સવાલ તો થવો જ જોઈએ. હવે માની લો કે કોઈ વસ્તુ તમારી મરજી વિરુદ્ધની તમારા ઘરમાં બની તો તેમાં ખોટું મોળું શું થઈ ગયું. પરિવારના સભ્યોને સાથે લઈને ચાલીએ. તમારી મરજીને માન આપીને જો કોઈ તમારી વાત સ્વીકારે તો ખુશ થવું પણ એવો આગ્રહ કે દુરાગ્રહ ન રાખવો કે દર વખતે તમારી મરજી મુજબ જ કાર્ય થાય. તમે બધું કરી શકવાના નથી. માટે જ સંયુક્ત કુટુંબના આદર્શનું પાલન કરી, દિવાળીનાં દીવડાંઓના તેજપૂંજમાં સ્વજનોને સાથે રાખી તેજોમય દીપોત્સવી ઉજવીએ. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાને ઉજ્જવળ બનાવીએ. – ખ્યાતિ હિતેન સુવાગીયા સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *