કકળાટ કાઢવો :

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

આપણે ત્યાં દરેક તહેવારોને અનુલક્ષીને અનેક પ્રકારની માન્યતાઓ જોડાયેલી રહી છે. આ માન્યતાઓને આધારે પરંપરાઓ રચાતી હોય છે. આ બાબત કોઈ એક ધર્મને નહીં પણ દુનિયાના તમામ ધર્મોને લાગુ પડી શકે છે. હાલમાં દિવાળીના તહેવારોનો માહોલ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ તહેવાર શ્રેણીના કાળી ચૌદસના દિવસે ” કકળાટ કાઢવો ” નામની એક પરંપરા નિભાવવામાં આવે છે. દિવાળીના આગળના દિવસે એટલે કે આસો વદ ચૌદસના દિવસે અને બીજા દિવસે એટલે કે આસો વદ અમાસ દિવાળીની રાત્રે અથવા કારતક સુદ એકમ એટલે કે બેસતા નવા વર્ષે વહેલી સવારે પરંપરા અનુસાર વર્તન-વ્યવહાર કરવામાં આવે છે.
હું સમજણો થયો ત્યારથી આ બંને દિવસો દરમ્યાન મારા સ્વ. બા આ પરંપરાને નિભાવતા હતા. જ્યારથી તેઓ પથારીવશ થયા ત્યારથી આ કાર્ય મારા પત્નીના ભાગે આવ્યું હતું અને સ્વ. બા એ કરેલા-કહેલા મુજબ તેનું અક્ષરશઃ પાલન પણ કરવામાં આવે છે. મારી પાંચ-છ વર્ષની ઉંમર હતી ત્યારે કાળી ચૌદસના દિવસે સાંજે કકળાટ કાઢવાના ભાગરૂપે ભજીયા કે વડા બનતા હતા. અમારી નજર તો સ્વાભાવિક રીતે જ તેની સુગંધ આવતા રસોડામાં પહોંચીને તે જલ્દી ખાવા મળે તે પર જ હોય પરંતુ જ્યાં સુધી તે વિધિ પુરી ન થાય ત્યાં સુધી અડવા પણ ન મળે! સુગંધ ફેલાવા ઉપર કોઈનો કાબુ ન હોય એટલું સારું હતું! સાંજે સાત-આઠના સમય વચ્ચે વડાનો પહેલો ઘાણ ઉતરે એટલે અગાઉથી લાવી મુકેલા રામપાતર જેવા મોટા કોડિયામાં ત્રણ કે પાંચ વડા મૂકી ઉપર એવું જ પાત્ર ઢાંકી દેતા. સાથે પાણીનો લોટો લીધો હોય અને ત્રણ ઓરડામાં અને રસોડા તથા ઓસરીમાં ખૂણે ખૂણે તેને ફેરવી પછી મૂંગા મોઢે ઘર બહાર નીકળી ડેલાની બહાર નજીક આવેલા ચાર રસ્તે મૂકી આવે. પાણીનું કુંડાળું કરે. પરત આવે. આ વિધિ દરમ્યાન કશુંક બોલતા તે યાદ નથી. ઘરે આવી હાથ મોં ધોઈને ઘરમાં આવે અને પછી બોલે અને વડા-ભજિયાનો બીજો ઘાણ ઉતરે એટલે ખાવા મળે!
આ જ પરંપરાના ભાગરૂપે બીજી વિધિ બેસતા નવા વર્ષની વહેલી સવારે કરતા હતા. તે દિવસે સવારે ચારેક વાગ્યે જાગીને પહેલું કામ આ રહેતું. એક બોદી અર્થાત તિરાડ પડેલી તાવડી કે નાનું માટલું લઈને વેલણથી તેની સાથે વગાડી ઘરના ખૂણે ખૂણે ફરી મૂંગા મોઢે બહાર જાય અને અમારા ડેલાની બહાર ખડપીઠ હતી ત્યાં ઘા કરી આવે. આ માટી પાત્રો બોદો અવાજ કરે. અમને સૂચના આપેલી હોય કે હું પરત આવું એટલે મુખ્ય ઘરના ઉંબરે એક ટેટો ( ફટાકડો ) ફોડવાનો! આટલું કાર્ય થાય ત્યાં અમારે આંગણે બનાવેલી નાનકડી ઓટલી પર તાજું લીંપણ કરી રંગોળી બનાવવાની હતી. એટલામાં જ વળી સબરસ વાળો આવે એટલે તે માટે એક વાડકી અને રૂપિયો આપેલો હોય તે લઈને સબરસ લેવાનું રહેતું. ઘરમાંથી કકળાટ કાઢવાની આવી વિધિ લગભગ દરેક પરિવારોમાં થતી જ હશે.
આ કકળાટ એટલે શું? તે શા માટે કાઢવો? આ દિવસોમાં જ કેમ કાઢવાનો? તેની વિધિનું સૂચક મહત્વ શું? એવા પ્રશ્નો નાનો હતો ત્યારે પણ થતા હતા પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતો! કકળાટ શબ્દ આમ તો ખૂબ પ્રચલિત શબ્દ છે. વાતચીતમાં કે સમાચારોમાં આ શબ્દ ખૂબ વપરાતો જોવા મળે છે. આ કકળાટ શબ્દનો અર્થ જાણવો જરૂરી બને છે. ભગવદ્દગોમંડલ પ્રમાણે આ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ કલ્ ‘ ( અવાજ કરવો ) પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ કકળાટ કરવો, કલ્પાંત કરવો, જીવ બાળવો, મનમાં બળવું એવા દર્શાવ્યા છે. શબ્દપ્રયોગ તરીકે (૧) આંતરડી કકળી ઉઠવી = બદદુઆ દેવી, શાપ આપવો, મનમાં ઘણું જ દુઃખ થવું, બહુ જ દિલગીર થવું. (૨) કકળી ઉઠવું = મોટેથી રાડો પાડવી કે લાગણીથી ફરિયાદ કરવી. આ શબ્દના અન્ય અર્થોમાં કરગરવું, ખૂબ ગરમ થઇ જવું, ઉકળવું, ગુસ્સે થવું, ખિજાવું, બબડવું, રીસમાં બોલવું કે દુઃખમાં પીડાવું એવા છે.
કકળાટ માટે બીજી સમજણ મુજબ અસંતોષ, અવાજ કરવો, ઉકળતા પ્રવાહીનો અવાજ, કજિયો, કલેશ, બોલાચાલી, કલ્પાંત એવી છે. બીજા ભળતા શબ્દોમાં કકળાટિયું = કંકાસીયું કે કજિયાખોર, કકળાણ = આક્રંદ કે કળકળાટ, કકળામણ = કજિયો કે કલેશ, કકળાવવું = ઉકાળવું, રિબાવવું, પીડવું, શેકવું એવા પણ છે. ટૂંકમાં આ કકળાટ શબ્દ નકારાત્મક ભાવ દર્શાવતો શબ્દ છે. કોઈના ઘરે ઝઘડો-કજિયો હોય તો કોના ઘરે આ કકળાટ છે? એવું કહેવાતું હોય છે. કોઈ શેરીમાં કે આજુબાજુમાં જોરથી વાતો-અવાજ કરતા હોય તો કોણ આ કકળાટ કરે છે? એવું કહેવાય છે. ક્યારેક તો શેકવા માટે પણ ” બસ તેલમાં કકળાવી નાંખવાનું ” કહેવાય છે. આ તમામ નકારાત્મક ભાવોમાં મનમાં બળવું, કકળવું, ઝઘડો, કજિયો, કંકાસ, ફરિયાદ, રડારોળ, શોરબકોર, ઘોંઘાટ, કોલાહલ, ગરબડ, ગોકીરો, બુમરાણ વિગેરે મુખ્ય છે. કોઈના પણ પરિવારમાં આવી સ્થિતિ ક્યારેય ઇચ્છનીય હોય શકે? લાભકારક હોય શકે? ખુશીમય હોય શકે? જો આપણા જવાબો ના હોય તો આપણો પહેલો પ્રયત્ન તેવું ન થાય તેવો હોવો જોઈએ અને તેમ છતાંપણ કોઈ ગેરસમજ કે અણસમજણને પરિણામે તે ઉદ્દભવે તો તેનો નિકાલ કરવો જ જોઈએ ને? આ કકળાટ કાઢવો એ તેવા કોઈ શુભભાવ સાથેની પરંપરા છે.
કેટલાક લોકો આ ક્રિયા-વિધીને ધાર્મિક કે મેલી બાબતો સાથે જોડતા હોય છે. કોઈ તેને અંધશ્રદ્ધા કે માનસિક રોગ સાથે પણ જોડતા હોય છે. એક બાબત ખરી કે તે વિશે ઘણી અફવાઓ અને ગેરસમજણ પણ ફેલાવવામાં આવતી હોય છે. ખરેખર તો કકળાટ કે કજિયો કાઢવા માટેનો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી. કોઈને જ્યારે પોતાનું વલણ કે ગેરસમજણ સમજાય ત્યારે તરત જ તેનો નિકાલ કરવો જરૂરી બને જ છે. આ પરંપરાને જો હકારાત્મક અભિગમ જોઈએ અને ધાર્મિક કે અંધશ્રદ્ધાથી વેગળી રાખીને જોઈએ તો તે એક શુભભાવના જ ધરાવે છે ને? તિરાડ પડેલી તાવડી કે હાંડલી નાખી જ દેવાની હોય ને? સંબંધોમાં પડેલ તિરાડ સંધાય નહીં પણ તેને જતી કરવાની અથવા નાંખી દેવાની અને નવેસરથી બધું ભૂલી સંબંધ આગળ વધારવાનો! તિરાડ હોય એટલે ” રણકો ” કે ઉમળકો ન આવે તે સંબંધો બોદા બની ગયા હોય છે અને તેમાં ફરી રણકો કે ઉમળકો લાવવો હોય તો? જૂનું નાખી દેવું પડે ને? તળેલાં વડા પણ દર્શાવે છે કે તળાઈ ગયા પછી પણ હું સ્વાદિષ્ટ છું ને? તમારા સંબંધો જો કકળી ગયા હોય કે તળાઈ ગયા હોય તો તેને સ્વાદિષ્ટ બનાવો ને ભલા!મૂંગા જવું અને આવવું એ પણ સૂચક છે કારણે મોટાભાગે કકળાટમાં જીભ જ કારણભૂત હોય છે!
આ પરંપરાને ખરેખર તો આરોગ્ય રક્ષક પરંપરા ગણવી જોઈએ! આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં માનવી અનેક માનસિક સમસ્યાઓથી પીડાતો હોય છે. આ તણાવને પરિણામે માનવી મધુપ્રમેહ કે હૃદયરોગ જેવી અનેક બીમારીઓનો ભોગ બને છે ત્યારે ધંધા-રોજગાર કે આર્થિક તણાવથી પણ વધુ ખતરનાક એવા પારિવારિક તણાવો-મનદુઃખો-ચિંતા વિગેરેને ઘર-મન બહાર ફેંકીને તણાવમુક્ત થવાનો આ દિવસ છે. ઘર કે પરિવાર કે આડોશી-પાડોશીઓ સાથે વર્ષ દરમ્યાન કોઈ મનદુઃખ થયા હોય તો ભૂલવાનો આ દિવસ છે. જૈન ધર્મમાં સંવત્સરી તહેવાર પછી ” ક્ષમાપના પર્વ ” મનાવવામાં આવે છે ને? એક બીજાને ” મિચ્છામિ દુક્કડમ ” કહી માફી માંગીને મનને શાતા મળે તેવી રીતે ગળે મલવામાં આવે છે તેમ શું તિરાડ પડેલી તાવડીઓ-હાંડલીઓ નાખીને આપણે પણ તણાવમુક્ત બનીને રોગમુક્ત ન બની શકીએ?
આ પરંપરા કાળીચૌદસના રોજ કેમ? બીજો તો કોઈ તર્ક ધ્યાનમાં નથી પણ એટલું જરૂર કહી શકાય કે બીજા દિવસે દિવાળી એટલે કે રોશની-પ્રકાશ પર્વ ઉજવવાનું છે. ત્યારપછી નવું વર્ષ બેસી રહ્યું હોય ત્યારે જુના વર્ષના મનદુઃખ સાથે નવું વર્ષ મનાવવાનું ઉચિત ગણાશે? નવા કપડાં, સાફ-સુફ કરેલું ઘર, આંગણે દીવાઓ અને રંગોળીઓ હોય, સારા સારા પકવાનો જમતા હોઈએ તો પેલા મનમાં રહેલા રંજ-પીડા-દુઃખ નહીં કાઢવાના? તેને સાફસુફ નહીં કરવાના? સંબંધોમાં નવો ધોળ નહીં કરવાનો? સંબંધોની નવી રંગબેરંગી રંગોળી નહીં પુરવાની? જો આ જવાબોમાં હા હોય તો આ દિવસ એટલા માટે જ છે બસ! વિશેષ તર્ક નથી જોઈતા! આમ છતાં પણ કેટલાક લોકો આપણી ભાવના-લાગણી નહીં સમજી શકે તો તેમાં આપણાં પક્ષે આપણે કશું ગુમાવતા નથી ને! એમનો ભાવ એમને મુબારક!
આ પરંપરા સામાન્ય રીતે પરિવારની વડીલ મહિલાઓ દ્વારા નિભાવવામાં આવતી હોય છે. પરિવારમાં મહિલાઓનું સ્થાન અને સન્માન હંમેશા સન્માનનીય હોવું જોઈએ. એક મહિલા ધારે તો પરિવારના કોઈપણ સભ્યને પતિ હોય કે પુત્ર હોય તેને પ્રેમ-વ્હાલથી સમજાવી પોતાના પરિવારમાં સંબંધોમાં પડેલી તિરાડ દૂર કરી નવી રંગોળી બનાવી શકે છે. પોતાનાથી કે પોતાના પરિવારના સભ્ય દ્વારા કોઈ સાથે મનદુઃખ થયા હોય તો તે કકળાટ સ્વરૂપે બહાર કાઢી મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે.
વિક્રમ સંવત ૨૦૭૪ આસો માસના આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. અગિયારસથી દિવાળી પર્વ શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે આ પરંપરા નિભાવીએ કે ન નિભાવીએ તે મહત્વનું નથી પણ તેની પાછળનો જે શુભ ભાવાર્થ રહેલો છે તેને મન-વચન-કર્મથી અમલમાં મૂકીએ તો આપણી તહેવાર ઉજવણીમાં પણ રોનક આવી શકે છે. પરંપરાઓ અને વિધિઓ તો કદાચ પ્રતીકાત્મક હોય શકે છે પણ તેની પાછળના શુભ ઇરાદાઓ ખૂબ મહત્વના હોય છે. આવું કરવાથી કે ન કરવાથી કોઈ ફર્ક પડતો નથી પણ ફર્ક ત્યારે પડે છે કે તેને શુભહેતુથી સ્વીકારીએ અને તેને અનુસરીએ. તણાવમુક્ત બનીએ. તંદુરસ્ત રહીએ. હળવા બની જઈએ.
આ માધ્યમમાં જોડાયાને લગભગ દસ વર્ષ થવા આવશે. ખૂબ સંયમિત રીતે ઉપયોગ કર્યો છે. ખૂબ શીખવા જાણવા મળ્યું છે. મિત્રોનો પ્રેમ મળ્યો છે. છતાંપણ ક્યાંય મારાથી કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો સાદર ક્ષમાયાચના સાથે દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ છે.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *