🔔 *શીર્ષક વિનાની આત્મકથા !* – નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

વ્હાલા સ્વજનો, આજ કાલ MeToo ની વાતમાં Genuine કહી શકાય એવી પણ કંઈ કેટલીય યૌવનાઓ બલિ બની ચૂકી હશે ! હૃદયના તાર ઝણઝણાવી દેતી ને હૈયું હચમચાવી દે તેવી આપવીતી ! હમણાં જ કોઈ અજ્ઞાતના રક્તથી લખાયેલી તથા દિલને વીંધી નાંખતી વ્યથા વાંચી જે અક્ષરસ નીચે પ્રમાણે પ્રસ્તુત કરેલ છે.

માત્ર ૮ વર્ષની હતી હું, જયારે મેં પહેલી વાર “ના” કહી !
અંકલ, નહિં પ્લીઝ, પ્લીઝ અંકલ ! હજુ હું કશું સમજુ વિચારું એ પહેલા તો… એક મોટી ચોકલેટ ઠુંસી દીધી મારા મોઢાંમાં અંકલે, અને મારી “ના” સાથે ગળી ગઈ ચોકલેટ અને એ પછી હું થરથરતી રહી વર્ષો સુધી એ ભયના ઓથાર તળે !

ફરી, એક અંતરાલ બાદ
મેં ફરી એકવાર “ના” કહી રોજ ટ્યુશન ક્લાસ સુધી પીછો કરતા એ વંઠેલ, આવારા છોકરાને :
“ના” પકડ મારો હાથ,
“ના” “ના” … “ના” હું કરતી જ રહી. આ એકાક્ષરી શબ્દ તીરનું કામ કરતો જે સીધું લક્ષ્યવેધ કરતુ પુરુષના Egoને !

તેની બળજબરીથી હું પટકાઈ લ્યુના પરથી અને મારો તેમજ મારી “ના” બન્નેનો દમ ચૂંથાઈને રગદોળાઈ ગયો ધૂળમાં…

ત્રીજી વાર “ના” કહી મારા એ પ્રોફેસરને –
જેને મારા થીસિસ માટે માંગ્યો’તો મારી પાસે એકાંતમાં અડધો કલાક !
મેં ખુબ ભાર દઈને મક્કમતાથી “ના” કહી દીધેલી. પ્રત્યુત્તરમાં એ અધ્યાપકે આક્રોશથી મને કહ્યું… મને “ના” પાડે છે !? બધું જ જાણું છું હું , તારા Boyfriend સાથેના તારા રંગરેલીયા !!

મારી અંગત પ્રેમાળ ક્ષણોની પ્રોફેસરે કરેલી અત્યંત અશ્લીલ વ્યાખ્યા સાંભળીને મૂક પુતળું બનીને સ્તબ્ધતાથી સાંભળતી રહી !

પણ મૂક પુતળું, અંદરથી રોમ રોમ સળગતું હતું :
કોઈ સંગીન અપરાધની ભારોભાર લાગણી ફસડાઈ પડી અને..
કરી દીધો છુટ્ટો ઘા કચરા ટોપલીમાં એ થીસિસનો !

હવે શું !?
હજુ પણ ક્યારેક કયારેક કહેવું પડે છે “ના” – મારા જીવનસાથીને પણ,
“ના’ પ્લીઝ આજે નહીં !
એ એજ્યુકેટેડ છે, જીદ નથી કરતાં પણ બસ, ભારોભાર ગુસ્સાથી ઝટકીને મારો હાથ,
સુઈ જાય છે પડખું ફેરવીને, નિ:શબ્દ
પછી…. મારા સ્નેહાળ સ્પર્શને ઠુકરાવીને લ્યે મારી “ના” નો બદલો !
એક ઊંડો શ્વાસ લઈને હળવેથી મૂકી દઉં મારી “ના” ને તકિયા નીચે
અને તેનો ચહેરો લઈને મૂકી દઉં છું મારી છાતી પર ! પછી… કણસતા રહ્યે બન્ને રાતભર, હું ને મારી “ના” !

“ના” એટલે શું ?
એક શબ્દ જે જતાવે મારી મરજી, ખોલે મારા મનનું તાળું ! મને નથી પસંદ સ્પર્શ આ સમયે
અને તું “ના” ને નિર્દયતાથી મસળી નાખે, જાણે કોઈ માસૂમ કુમળા ફૂલની કળીને ક્યારેક બળથી, તો કયારેક કળથી !

એ સમયે તારા સ્પર્શથી સળગે છે મારી આત્મા :
કેટલા પુરુષ મળ્યાં –
કેટલા દેવતા મળ્યાં ;
કોઈ એક પુરુષ એવો ન મળ્યો જે મને પ્રેમ કરે
મારી “ના” સાથે !!

કલ્પના કરી જુઓ માત્ર…
શું વીતી હશે ઉપરોક્ત લખાણ વ્યક્ત કરનાર આ નારી પર…!?!

અજાણ વ્યક્તિની, ઉપર મુજબના જ્ઞાનતંતુથી સર્જાયેલી ટ્રેજડી આપણને સહુને વિચારતા તો કરી જ મૂકે છે !

– નીલેશ ધોળકિયા.

Related Post

TejGujarati

1 thought on “🔔 *શીર્ષક વિનાની આત્મકથા !* – નિલેશ ધોળકિયા

  1. આ લખનાર દિકરીને લાખો ધન્યવાદ આપીએ, એણે લાખો દીકરીની વ્યથાને વાચા આપી છે. ધન્યવાદ દોસ્ત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *