પેટ્રોલ ડીઝલના ભાવ: એક જટિલ કોયડો: સંશોધક ડો. જયેશ શાહ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ બિઝનેસ ભારત વિશેષ સમાચાર

પ્રજાને કેવી રીતે સસ્તું પેટ્રોલ/ડીઝલ આપી શકાય?

યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં પેટ્રોલમાં ૨૫% અને ડીઝલમાં ૪૫% ભાવ વધ્યા.

યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં પેટ્રોલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૬૦% અને ડીઝલમાં ૭૪% ભાવ વધ્યા.

મોદી સરકાર (૨૦૧૪-૨૦૧૮)માં આજની તારીખ સુધીમાં પેટ્રોલમાં ૧૩% અને ડીઝલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૪૫% ભાવ વધ્યા.

હવે આપણે પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતી એક્ષસાઇઝ ડયુટી તથા રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર ઉઘરાવવામાં આવતા વેટ અંગે જોઈએ. સૌથી પ્રથમ કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતી એક્ષસાઇઝ ડયુટી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા પછી એટલે કે મે ૨૦૧૪માં પેટ્રોલ ઉપર એક્ષસાઇઝ ડયુટી રૂપિયા ૦૯.૪૮ હતી તે વધારીને આજની તારીખમાં રૂપિયા ૧૯.૪૮ છે એટલે કે લગભગ રૂ. ૧૫/-નો વધારો આ ચાર વર્ષ દરમિયાનમાં થયો છે. તેવી જ રીતે ડીઝલ ઉપર એક્ષસાઇઝ ડયુટી મે ૨૦૧૪માં રૂપિયા ૦૩.૫૬ હતી તે વધારીને આજની તારીખમાં રૂપિયા ૧૫.૩૩ છે એટલે કે લગભગ રૂ. ૧૨/- નો વધારો આ ચાર વર્ષમાં થયો છે. આ સાથે ફોટોમાં આખો ચાર્ટ મુક્યો છે. એકમાં દર છે અને બીજામાં એક્ષસાઇઝ ડયુટીની કુલ આવક કેટલી મેળવી તે છે. ૨૦૧૩-૧૪માં ૭૭,૯૮૨ કરોડ આવક હતી તે વધીને ૨૦૧૬-૧૭માં ૨,૪૨,૬૯૧ કરોડ રૂપિયા થઈ છે. ચાર વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ ઉપરની એક્ષસાઇઝ ડયુટીની કુલ આવકમાં ૨૧૦%નો વધારો નોંધાયો છે જે ખરેખર ખુબ જ વધારે કહી શકાય. અહીં પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્ષસાઇઝ ડયુટી ઘટાડવાનો સ્કોપ રહેલો છે.

હવે રાજ્યો દ્વારા ઉઘરાવવામાં આવતા “વેટ” વિષે જોઈએ. દરેક રાજ્યો પોતપોતાની રીતે પેટ્રોલ અને ડીઝલ ઉપર “વેટ” ઉઘરાવે છે. ફોટોમાં કયું રાજ્ય કેટલો “વેટ” ઉઘરાવે છે તે દર્શાવ્યું છે.

ચાર્ટ ઉપરથી ખબર પડશે કે “ઇસ હમામ મેં સબ નંગે હૈ”. કોંગ્રેસ શાસિત રાજ્યો પણ વધારે પડતો “વેટ” ઉઘરાવવામાં પાછળ નથી. ભાજપ શાસિત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર “વેટ” ૨૫.૪૫% અને ૨૫.૫૫% છે તો કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ૩૦.૨૮% અને ૨૦.૨૩% છે. ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં ૩૯.૧૨% અને ૨૪.૭૮% છે તો ટીડીપી શાસિત આંધ્રમાં ૩૫.૭૭% અને ૨૮.૦૭% છે.

કોઈ પક્ષને પેટ્રોલ અને ડીઝલના મામલે શાબાશી આપી શકાય તેમ નથી. જો કોગ્રેસ અને તેના સાથી પક્ષોએ ભારત બંધનું એલાન આપવાને બદલે તેઓ દ્વારા શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ ઉપરનો “વેટ” ૧૦% ઘટાડી નાખીને ભાજપ અને તેના સાથી પક્ષોને પડકાર ફેંક્યો હોત તો તે રાજકીય રીતે વધુ સારું પગલું હોત.

પ્રજાને કેવી રીતે સસ્તું પેટ્રોલ/ડીઝલ આપી શકાય?

હવે આપણે જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે શું કરવું જોઈએ.

(૦૧) પેટ્રોલમાં પ્રત્યેક લીટરે રૂ. ૦૫/- ભાવ ઘટે તેટલા પ્રમાણમાં ઇથેનોલ મેળવવાની છૂટ આપીને પ્રત્યેક લીટરે રૂ. ૦૫/- ભાવ ઘટાડી શકાય. તેવી જ રીતે ડીઝલમાં પણ બાયો-ફ્યુઅલ ઉમેરીને ભાવમાં આડકતરી રીતે ઘટાડો કરી શકાય.

(૦૨) પેટ્રોલ અને ડીઝલ ઉપરની એક્ષસાઇઝ ડયુટીમાં પ્રત્યેક લીટરે રૂ. ૧૯.૪૮ અને રૂ. ૧૫.૩૩ છે તેને પ્રત્યેક લીટરે રૂ. ૦૨/- સુધી ઘટાડી શકાય. આમ કરવાથી પેટ્રોલમાં ૧૦% અને ડીઝલમાં ૧૩%ની એક્ષસાઇઝ ડયુટીની આવક ઘટશે. એટલે કે કેન્દ્ર સરકારની દર વર્ષે લગભગ ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ કરોડની આવક ઘટશે.

(૦૩) કેન્દ્ર સરકારના પ્રયાસોથી પેટ્રોલ અને ડીઝલ ઉપર પ્રતિ લીટરે રૂ. ૦૭/-નો ભાવ ઘટાડી શકાય.

(૦૪) રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ ઉપરથી “વેટ” દૂર કરીને તેને “જીએસટી”ના માળખામાં લઇ આવવું જોઈએ. પેટ્રોલ અને ડીઝલ ઉપર એકસરખો જીએસટી લાવીને સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના એક જ ભાવ કરી શકાય. હાલમાં જીએસટીમાં ૦૫, ૧૨, ૧૮ અને ૨૮ એમ ચાર સ્લેબ છે. પેટ્રોલ અને ડીઝલ માટે એક અલાયદો સ્લેબ બનાવી શકાય અને તે ૨૨% કરી શકાય. તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ૨૨% જીએસટી લગાવીને એક કરના માળખામાં લાવી શકાય. કે જેથી કોઈપણ રાજકીય પક્ષ રાજ્ય દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર ઉઘરાવવામાં આવતા કરમાં રાજકારણ ન ખેલી શકે. જો ૨૨%ના સ્લેબમાં જીએસટી પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગી જાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રાજ્યના કરમાંથી પણ ઘટાડો કરી શકાય. ઉદાહરણ તરીકે ગુજરાત લઈએ. જો ૨૨% જીએસટી લાગે તો પેટ્રોલમાં પ્રત્યેક લીટરે ૩.૪૫% અને ડીઝલમાં ૩.૫૫%નો ફાયદો થઈ જાય.

(૦૫) ગુજરાતમાં આજનો પેટ્રોલનો ભાવ ૮૦.૯૩ છે. આ ભલામણના આધારે કેન્દ્રના રૂ.૦૭/ અને રાજ્યના લગભગ રૂ. ૦૪/ એટલે કે કુલ રૂ.૧૧/- પેટ્રોલ સસ્તું થઈ શકે તેવી જ રીતે આજે ગુજરાતમાં ડીઝલનો ભાવ રૂ. ૭૮.૯૮ છે તે આ ભલામણના આધારે કેન્દ્રના રૂ.૦૭/ અને રાજ્યના લગભગ રૂ. ૦૪/ એટલે કે કુલ રૂ.૧૧/- ડીઝલ સસ્તું થઈ શકે.

(૦૬) આ રીતે કરવાથી કેન્દ્ર કે રાજ્યને આવકમાં ધરખમ ઘટાડો નહીં થાય. જે રાજ્યો ૩૫% કે ૩૭% કે ૩૯% જેટલો “વેટ” લઇ રહ્યા છેતેમને એક વર્ષ પૂરતું નુકશાન જાય પરંતુ તેની સામે ડીઝલના જીએસટીમાં ૨૨% મળે છે એટલે તે અંતે આવકમાં ધરખમ ઘટાડો નહીં થાય. સંશોધક ડો. જયેશ શાહ – સંકલન દિલીપ ઠાકર.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *