ભારતીય રૂપિયો ગગડ્યો? :સંશોધક ડો. જયેશ શાહ.

આંતરરાષ્ટ્રીય બિઝનેસ ભારત રાજનીતિ વિશેષ સમાચાર

વિશ્લેષણને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં આપણો રૂપિયો ઘણા દેશોની કરન્સી સાથે ખુબ ઘસાયો અને નિમ્ન કક્ષાએ પહોંચી ગયો હતો. આજે ડોલર સામે રૂપિયો ૭૨ થઈ ગયો તે અંગે રામલીલા મેદાનમાં વિપક્ષો એકત્રિત થઈને બુમ-બરાડા કરે છે ત્યારે તેઓને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે તેમના સમયમાં શું પરિસ્થિતિ હતી.
યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪) દરમિયાન ભારતીય રૂપિયો દક્ષિણ આફ્રિકાની કરન્સીને બાદ કરતાં અન્ય તમામ ટોચના અર્થતંત્રો સામે ગગડી ગયો હતો અને તે પણ ખુબ જ મોટા અંતરથી. ઓસ્ટ્રેલિયાની કરન્સી સામે ૪૬%, બ્રિટનના પાઉન્ડ સામે ૩૦%, સિંગાપોરની કરન્સી સામે ૪૫%, ચીનની કરન્સી સામે ૩૭% કેનેડાની કરન્સી સામે ૨૬%ના ધોરણે ભારતીય રૂપિયો ગગડી ગયો હતો.
હવે નરેન્દ્ર મોદી (૨૦૧૪-૨૦૧૮)ના સમયગાળાને જોઈએ. આ સમયગાળામાં હકીકતમાં ભારતીય રૂપિયો મજબુત બનીને બહાર આવ્યો છે. રશિયા (૪૦%), બ્રાઝિલ (૩૩%), મેક્સિકો (૧૯%), દક્ષિણ આફ્રિકા (૧૫%), ઓસ્ટ્રેલિયા (૦૭%), બ્રિટન (૦૬%)ની કરન્સી સામે ભારતીય રૂપિયો મજબુત બનીને બહાર આવ્યો છે. સિંગાપોરની કરન્સી સામે રૂપિયો ૪૫% ગગડી ગયો હતો તે નરેન્દ્ર મોદીના ૨૦૧૪-૨૦૧૮ના સમયગાળામાં તે ગાળો માત્ર ૧૦% જ રહ્યો છે એટલે રૂપિયો લગભગ ૩૫% રીકવર થયો એમ કહી શકાય. ચીનની કરન્સી સામે યુપીએ ટુના સમયગાળામાં આપણો રૂપિયો ૩૭% ગગડ્યો હતો તે હવે ઘટીને ૧૧% થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની કરન્સી સામે યુપીએ ટુના સમયગાળામાં રૂપિયો ૪૬% ઘસાયો હતો તે હવે ૦૭% મજબુત થયો છે. ફોટોમાં રાખેલ ટેબલમાંથી જ તમામ જવાબો મળી રહેશે.
ભારતીય રૂપિયાની પરિસ્થિતિ ૨૦૦૮ની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ વિપરીત સંજોગો હોવા છતાં તે સમયની યુપીએ વન દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે રૂપિયો એટલો ગગડ્યો ન હતો. તથ્ય એ છે કે એકંદરે ભારતીય રૂપિયો યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં ખુબ જ કપરી અને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. અને આવા સંજોગોમાં નરેન્દ્ર મોદી (૨૦૧૪-૨૦૧૮)ના સમયગાળામાં રૂપિયો મજબુત થઈ રહ્યો છે એ બાબત અને હકીકત કોઈપણ નકારી શકશે નહીં.
એ પણ એટલી જ સત્ય હકીકત છે કે હજુ ભારતીય રૂપિયાએ ઘણી લાંબી મંઝીલ કાપવાની છે. ભારતીય રૂપિયાએ પોતાનું એક અલગ આગવું સ્થાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનાવવાનું છે. ક્રાઈસીસમાંથી ભારતીય રૂપિયો આજે જયારે બહાર નીકળીને મજબુત બની રહ્યો છે ત્યારે તેને વધુ મજબુત થવા દેવા માટે થોડો સમય આપવો જ જોઈએ એવું આ ઓથેન્ટિક ડેટા વિશ્લેષણથી લાગી રહ્યું છે. આ સરખામણી કરીને એવું નથી કહેવું કે ભારતીય રૂપિયાનું અમેરિકન ડોલર સામે ૨૨% ધોવાણ થયું છે તે સારું છે. રૂપિયો ઘસાય એટલે તેની સામે અબજો રૂપિયાની જવાબદારી દેશ ઉપર વધતી હોય છે. પરંતુ આજે જયારે ચારેબાજુ તમામ મીડિયામાં અને વિરોધ પક્ષ દ્વારા ડોલર સામે રૂપિયો ગગડી ગયો – તમામ રેકોર્ડ તોડી નાખ્યા – જેવી વાતો થઈ રહી છે એટલે જ આ વિશ્લેષણ કરીને સત્ય હકીકત તરફ આંગળી ચીંધી છે.
ઓથેન્ટિક ડેટા આધારિત તટસ્થ વિશ્લેષણ થઇ રહ્યું છે.સંશોધક ડો. જયેશ શાહ. સંકલન-દિલીપ ઠાકર

Related Post

TejGujarati

1 thought on “ભારતીય રૂપિયો ગગડ્યો? :સંશોધક ડો. જયેશ શાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *